કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) ડો. હર્ષવર્ધને (Dr Harshwardhan) ગુરુવારે જણાવ્યું કે, દેશમાં હવે ધીમે ધીમે કોરોના (Corona)ની અસર ઘટી રહી છે અને આપણે આ મહામારીને કાબુ કરવામાં સફળ રહ્યા છીએ. દેશના 147 જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયાથી કોરોનાનો કોઈ નવો કેસ (Corona Case) સામે આવ્યો નથી. બીજી તરફ દેશમાં 18 જિલ્લા એવા છે જ્યાં 14 દિવસથી અને 6 જિલ્લા એવા છે જ્યાં 21 દિવસથી નવો કેસ નોંધાયો નથી. દેશના 21 જિલ્લા એવા છે જ્યાં 28 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. તેમણે બીજી તરફ એવું પણ જણાવ્યું કે, દેશમાં કોરોનાના સંક્રમણના જે એક્ટિવ કેસ (Corona Active Case) છે તેમાંથી 70 ટકા કેસ મહારાષ્ટ્ર (Maharashtra) અને કેરળ (Kerala)ના છે. બીજી તરફ તેમણે એ પણ નોંધ્યું હતું કે, ભારતમાં બ્રિટિશ સ્ટ્રેન (British Strain) ધરાવતા કોરોનાના કેસ 153 જેટલા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણ (Corona Infection) ના 11,666 નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ 24 કલાકમાં 14,301 દર્દીઓ સાજા પણ થયા છે અને 123 લોકોનાં મોત થયા છે. હવે દેશમાં કોરોનાનું સંક્રમણ ધરાવતા લોકોની કુલ સંખ્યા 1,07,01,193 થઈ ગઈ છે. બીજી તરફ સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. દેશમાં કુલ 1,03,73,606 લોકો સાજા થયા છે. આ સિવાય કુલ 1,53,847નાં મોત થયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 1,73, 740 છે. ભારતનો રિકવરી રેટ વધીને 97 ટકા પહોંચી જવા આવ્યો છે. દેશમાં પોઝિટિવિટી રેટ 1.60 ટકા જ્યારે ડેથ રેટ 1.45 ટકા છે.
યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે તાજેતરમાં દેશના રસીકરણ અભિયાનનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં ભારતે માત્ર છ દિવસમાં જ દસ લાખ લોકોને રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી છે. બીજી તરફ અમેરિકાને આ કરતાં 10 દિવસ, સ્પેનને 12 દિવસ, ઈઝરાયેલને 14 દિવસ, યુકેને 18 દિવસ જ્યારે જર્મનીને 20 દિવસ લાગયા હતા. દેશમાં ગુરુવારે બપોર સુધીમાં 25 લાખ લોકોને રસી આપી દેવાઈ હતી. બીજી તરફ એવી પણ વિગત સામે આવી છે કે, ઓડિશામાં રસી લીધાના 3 દિવસ બાદ 27 વર્ષના એક સ્વાસ્થ્યકર્મીનું મોત થયું છે. સૂત્રોના મતે સંબલપુર જિલ્લાના બુર્લામાં 23 તારીખે રસી લીધી હતી. તેના ત્રણ દિવસ બાદ મંગળવારે તેનું મોત થયું હતું.