“એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!”
મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી?
પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ છે. મને નથી લાગતું કે તમે મારા પર વિશ્વાસ કરશો. ચાલો પાછળ ફરી આજના દિવસ સુધી કાલક્રમિક ક્રમમાં આવીએ.
“અમિષા, આપણે ભલે અમીર નથી, તેમ છતાં, અમારા આપેલા મૂલ્યો તને ખૂબ આગળ લઈ જશે.” મારી વિદાઈ વખતે આ પપ્પાના શબ્દો હતા. અમે મધ્યમ વર્ગના હોવાથી, મારા લગ્ન સાદગીથી કરવામાં આવ્યા. મારા પતિ, બ્રિજેશ પટેલ દહેજ ન મળવાથી નિરાશ થયા, છતાં તેમણે ક્યારેય મારી સાથે આ મુદ્દો ન ઉઠાવ્યો, ખાસ કરીને જ્યારે તેમણે જોયું કે હું તેમના પરિવારમાં કેટલી સારી રીતે ભળી ગઈ હતી. તદુપરાંત, ફક્ત મારા સાસરિયાઓને ખુશ કરવા માટે, મેં મારી બધી જરૂરિયાતોને એમના અનુકૂળ ફેરવી નાખી હતી.
અમારી પ્રથમ વર્ષગાંઠ પછી..
“અભિનંદન, તું બે મહિનાની ગર્ભવતી છે. શ્રી પટેલ, તમારી પત્ની થોડી નબળી છે, આ મુશ્કેલ મહિનાઓમાં તેની વધુ કાળજી લેજો.
“અમિષા, આ બાળક તો દીકરો જ હોવો જોઈએ.” હોસ્પિટલથી બહાર નીકળતાની સાથે જ બ્રિજેશે ટિપ્પણી કરી. થોડા સમય સુધી બધું સારું રહ્યું, પરંતુ, એક દિવસ હું રસોડામાં લપસી ગઈ. એ કસુવાવડ મારા જીવનનો પ્રથમ આઘાત હતો. તે મારું પહેલું બચ્ચું હતું, તેથી તેનું દુઃખ પણ અતિશય તીવ્ર હતું.
“અમિષા, આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ હતી, પરંતુ ચિંતા નહીં કર, આપણે ફરી પ્રયાસ કરીશું.”
કમનસીબી મને ચુંબકની જેમ ચોંટી ગઈ હતી અને એક પછી એક આવતી પીડાજનક ઘટનાએ એવો એહસાસ કરાવ્યો જાણે હું હંમેશા દુર્ભાગ્યથી ઘેરાયેલી હોઉં. વારાફરતી મારા પર બે વીજળીનો વિસ્ફોટ થયો; મારી બીજી કસુવાવડ થઈ, જેના પછી ડૉક્ટરે મને ખેદ સાથે કહ્યું, “અમિષા, તને જણાવતા અફસોસ થાય છે; તું ફરી ક્યારેય મા નહીં બની શકે.”
જ્યારે તમે વેદનાથી પીડાતા હો, ત્યારે તમે તમારા પરિવાર પાસેથી શું અપેક્ષા રાખો? દિલાસો, આધાર અને સહાનુભૂતિ, ખરું ને? પણ મારા કેસમાં એવું નહોતું. “તું મારા જીવનનો સૌથી ખરાબ નિર્ણય હતી! મારે તારી સાથે ક્યારેય લગ્ન કરવા જ નહોતા જોઈતા. દહેજ ન મળ્યું, એજ નિરાશાજનક હતું, પરંતુ ખાતરીપૂર્વક હું એવી સ્ત્રી સાથે નથી રહી શકતો જે મને વારસદાર આપવામાં નિષ્ફળ હોય.”
બ્રિજેશની આઘાતજનક ટિપ્પણીએ મારા હૃદયમાં ખંજર ભોંકી દીધું અને મને સંપૂર્ણ રીતે વિખેરી નાખી. “બ્રિજેશ! તમે આટલા અસંવેદનશીલ કેવી રીતે બની શકો? શું તમે જોઈ નથી શકતા, કે હું કેવી પીડામાંથી પસાર થઈ રહી છું? હું તમારી પત્ની છું અને આ સમયે મને તમારી સૌથી વધુ જરૂર છે. બચ્ચું તો આપણે દત્તક પણ લઈ શકીએ છેને?”
તેની પ્રતિક્રિયા આશ્ચર્યજનક હતી. બ્રિજેશે મને જોરથી લાફો માર્યો અને ગુસ્સામાં બોલ્યો, “મને મારું પોતાનું લોહી જોઈએ છે, અનાથાશ્રમથી લાવેલું કોઈ આડેધડ બાળક નહિ. જો તું મને મારો પોતાનો દીકરો નથી આપી શકતી, તો આ સંબંધમાં રહેવાનો શું ફાયદો?”
છૂટાછેડા પછી, હું મારા માતાપિતાના ઘરે પાછી જતી રહી. તેઓ સહાનુભૂતિ દર્શાવતા, પરંતુ ક્યાંકને ક્યાંક તેમના વલણથી પ્રતિબિંબ થતું કે તેઓ નહોતા ઇચ્છતા કે હું તેમની સાથે રહું, ખાસ કરીને ત્યારે, કે જ્યારે ભાઈ-ભાભી મને તિરસ્કારની નજરે જોતા. પાછલા વર્ષ દરમિયાન, એક નિરાશાજનક અનુભૂતિએ મારી વેદનામાં ઉમેરો કર્યો. મારી ટ્રેજેડી ફકત મારી એકલાની છે, બીજું કોઈ નથી જેની સાથે હું તેને શેર કરી શકું. કોઈને મારી પીડા ન દેખાય છે અને ન કોઈ તેને સમજી શકે છે!
હું એક શિક્ષિત મહિલા છું. મેં ઘણી જુદી જુદી નોકરીઓ કરવાનો પ્રયાસ કર્યો, મિત્રો સાથે બહાર જવાનું કર્યું, પરંતુ વધુ પડતું દુઃખ તમને થકવી નાખે. બે કસુવાવડ, માતા બનવાની શૂન્ય આશા, છૂટાછેડા અને મારા પરિવારનો તટસ્થ વહેવાર; બધું મળીને ધીમે ધીમે મને આત્મવિલોપન તરફ દોરી ગયા, મને ભાવનાત્મક રીતે ખલાસ કરી નાખી. આટલા આઘાત આત્મહત્યા કરવા માટે કાફી છે ને? હાલમાં, હું રેલ્વેના પાટા પર ઊભી છું, હું રાહ જોઈ રહી છું, કે કોઈ ટ્રેન આવે અને મને પછાડી નાખે, મને આ દયનીય અસ્તિત્વમાંથી મુક્ત કરી દે.
ફૂંકાતા પવન સાથે, એક રુદન મારા કાનને અથડાયો. તે બાળકની મોટેથી વિનંતી કરતી ચીસો છે. સતત રડવાના અવાજે મને આસપાસ જોવાની ફરજ પાડી. મારી પાછળ, થોડે દૂર, એ જ પાટા પર, લાચારીથી ધ્રુજતુ એક સફેદ પોટલું દેખાઈ રહ્યું છે. ઇન્સાનિયતના નાતે અને બીજો વિચાર કર્યા વિના, હું બાળક તરફ દોડી. પ્રથમ પ્રતિક્રિયામાં હું બચ્ચાને ઉપાડીને પાટા પરથી આઘે જતી રહી. તેને બાથમાં લઈને, મેં આસપાસ નજર ફેરવી, કોણ આટલું નિર્દય હતું જે આ માસૂમને અહીં મરવા માટે મૂકી ગયું. બધી બાજુ લોકો છે, પણ કોઈ શંકાસ્પદ જણાતું નથી. બાળકે રડવાનું બંધ કર્યું અને હૂંફ માટે મારી અંદર સમાઈ ગયું. તેની તરફ જોતાં મને સમજાયું કે તે છોકરી છે.
કહી ન શકાય તેવી અદ્ભુત લાગણી મારી અંદર ઉભરાય આવી અને બાળકને ગળે લગાડીને હું ખૂબ, ખૂબ ધ્રુસકે ધ્રુસકે રડી. છેલ્લાં કેટલાંક વર્ષોથી મેં મારા હૃદયમાં જે ઉદાસી દબાવી રાખી હતી, તે બહાર આવી ગઈ. મારા આંસુ ધોધની જેમ મુક્ત થઈ વહેવા લાગ્યા. માથું ઉંચુ કરીને, મેં આકાશ તરફ જોયું; શું મને જીવતી રાખવા માટે ભગવાનનો આ કોઈ ભેદ છે?
લાંબા કલાકો સુધી, હું નજીકના ફૂટપાથ પર બેઠી રહી અને છોકરીને મારા ખોળામાં હળવેથી ઝૂલાવતી રહી. ઈશ્વરે મને અચાનક એક મા ની ભૂમિકામાં મૂકી દીધી, હું મારા બાળકને કેવી રીતે છોડી દઉં અને મારું જીવન સમાપ્ત કરવાનું કેવી રીતે વિચારી શકું? નિષ્ફળતા અને શૂન્યતાની લાગણી અચાનક જવાબદારી અને નિશ્ચયની નવી ભાવના સાથે બદલાઈ ગઈ.
“અંજલિ. હું તને અંજલિ નામ આપું છું, મારા માટે તું પ્રભુની ભેટ છે. હું તને વચન આપું છું દીકરી, કે તને તે બધું આપીશ જેનાથી હું વંચિત રહી છું. અને તને ક્યારેય એ પીડા સહન નહીં કરવી પડે જેમાંથી હું પસાર થઈ છું. આપણે આપણું પોતાનું ઘર, આપણું પોતાનું સ્વર્ગ બનાવીશું!”
હવે હું નવા જીવનની શરૂઆત તરફ ચાલી રહી છું; મારા માટે અને મારી દીકરી માટે!
શમીમ મર્ચન્ટ