આજની રાતથી લઈને જીવનભર મારી ઊંઘ હરામ રહેશે. આ નવા ડર અને ગભરાટના કારણે , કદાચ મારી જિન્દગીના અમુક વર્ષો પણ ઓછા થઈ જાય. બસ હાર્ટ એટેક આવવાનું બાકી છે.
હું રાજેશ શાહ, ચાલીસ વર્ષનો કુંવારો, મારી મા અને વૃદ્ધ દાદી સાથે રહું છું. હું અમારા ખેતરમાં ખૂબ મહેનત કરું છું, પણ દારૂ અને જુગાર મારા ગળેથી નથી છૂટતા. મારી ઐયાશી આખા ગામમાં બદનામ છે જેના લીધે કોઈ મને છોકરી નથી આપતુ. નિરાશા મારા લોહીમાં સમાઈ ગઈ છે, પણ બારમા પગ મુકવાની સાથે બધુ ભુલાઈ જાય.
દાદાજીને ગુજરી ગયાને, પંદર વર્ષ થઈ ગયા. એમના દસ સોનાના સિક્કા ગોતવામાં દાદીની આખી જિંદગી નીકળી ગઈ. દાદીને નથી ખબર કે એને મે અમારા ઘરના કાતરિયામાં સંતાડી રાખ્યા છે, જે મારી ઐયાશીની ભૂખને મટાડે છે.
વીજળીનો કડાકો અને ધોધમાર વરસાદનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો જ્યારે સાંજે હું અંધારિયા કાતરિયામાં જવા ઉપર ચડ્યો. હવે દસમાંથી ફક્ત બે સિક્કા વધ્યા છે. આવતા મહિનાથી પૈસા ક્યાંથી લાવીશ?
મમ્મીને સફાઈ કરવા પણ ઉપર આવા નથી દેતો , એટલે બધું ખૂબ વેરવિખેર પડ્યું છે અને ગંંધાય પણ છે. આજે ખકડાતા દાદરે ઉપર ચડતી વખતે એક વિચિત્ર આભાસ થયો અને હાથ-પગ ધ્રુજવા લાગ્યા. ખબર નહીં શા માટે આટલો પરસેવો છૂટી રહ્યો હતો. કાતરિયામાં પગ મુકતા દિવાનું ઉજાસ ઊંચું કર્યું અને મારી ચીસ નીકળી ગઈ. દીવો હાથમાં થી પડી ગયો અને હું પાછળ લથડાયો. ટેવ મુજબ, ધોતિયું ઊંચું કરીને લાકડીના ટેકે, પોતાની મૂછોને તાવ આપતા, મારા દાદાજી સામે બેઠા હતા.
શમીમ મર્ચન્ટ