લાગે છે એટલું સહેલું નથી હોં ,
સીટી વગાડતા આવડવું !
આમ બે હોઠ ને શ્વાસ ને ફૂંક એમાં જરુરી એ ખરું
પણ એ તો તનનો વિષય.
સીટી તો મનનું ક્ષેત્ર.
મન રાજી હોય , મન ઉદાસ હોય
ત્યારે સીટી વાગે.
સીટી એકલા એકલાય વગાડાય.
સીટી કોઇને જોઇનેય વગાડાય – હેતુપૂર્વક.
સીટી કોઇને જોઇને વાગીય જાય – અનાયાસ.
કોઇ કે કશું … કૈં પણ હોઇ શકે સીટીનું કારણ.
સીટીનું વૈવિધ્ય છે.
એ મંદથી તીવ્ર સુધીની હોય.
એ દીર્ઘથી અલ્પકાલીન હોય છે.
એ સૂરથી શબ્દ સુધીની હોય છે.
સીટીનો અર્થકોષ અંગત હોય છે.
એને સમજનારને એનું ઈંગિત સમજાય
અન્ય કેવળ સીટી સંભળાય.
યુવતી અને એના પિતા બંને
એક જ સીટીના જૂદા અર્થ તારવે છે.
કેટલાક સીટીને સીસોટી પણ કહે છે
પણ એમાં અર્થભેદ છે.
આમ પણ
સી.. ટી વચ્ચે સો આવતાં પરિણામ બદલાય છે.
બાળપણમાં ગાતાં
“ બા , મને ચપટી વગાડતાં આવડી ગઇ !”
આવું સીટી વગાડતાં આવડે ત્યારે નથી ગવાતું.
સાધના માંગે સીટી.
એ સીટીના મહિમાનું યુગલગીત –
સજનીઃ
સાજન, તમને સીટી વગાડતા આવડી નહીં !
સીટીમાં સાદ દઇ બોલાવો અમને
ને કહેવાનું હોય એ દ્યો કહી
વાંસળી ગીટાર તો છે અઘરા પણ
સાજન , આ સીટી વગાડવી તો સહેલી
કોશિશ કરો તો કૈં અઘરું નથી ,કે એય
આવડી જવાની મોડી વહેલી
દૂધ મહીં મેળવણ નાખો તો જામવાનું
એની જાતે જ જેમ દહીં
સાજન, તમને સીટી વગાડતા આવડી નહીં.
સાજનઃ
આંખો જે મૂંગી રહી બોલે એ વાતને
સીટી વગાડી કહે હોઠ
સીટી વગાડતા શીખવાની વાતે હું
પહેલેથી કહેવાતો ઠોઠ
હૈયાની વાત તોય સમજી ગઇ સજની તું
એથી તો મળી ગયા અહીં
છોને મને સીટી વગાડતા આવડી નહીં.
– તુષાર શુક્લ