પાપમુક્તિ માટે આ બંને આવશ્યક છે. આમ તો આ બંને સગા ભાઈ જેવા છે કેમ કે બંનેમાં છોડવાની જ વાત છે. પરંતુ તેમ છતાં બંનેમાં તાત્વિક તફાવત છે. આપણી વસ્તુ છોડવી એટલે કે પોતાની વસ્તુ અન્યને આપવી એને દાન કહેવાય. જ્યારે પોતાનું ન હોય તે છોડવું એટલે ત્યાગ. આપણે આ શરીર, સંબંધો, ધનદોલત, સત્તા, પદ, પ્રતિષ્ઠા વગેરેને પોતાનું સમજી બેઠા છીએ, જે વાસ્તવમાં આપણો ભ્રમ છે કેમકે આજે જે બધું તમારી પાસે છે જે ગઈકાલે કોઈ અન્ય પાસે હતું અને આવતીકાલે કોઈ બીજા પાસે હશે. વળી મૃત્યુ પહેલા કે મૃત્યુ પછી આપણે આ છોડવાનું જ છે, એનો અર્થ એ થયો કે આ સર્વેના આપણે માલિક નથી. જેથી આવી તમામ બાબતોને છોડવી એટલે ત્યાગ. આ ઉપરાંત આત્મશુદ્ધિ માટે વિકારભાવ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા છોડવા એ જ સાચો ત્યાગ. આમ જુઓ તો સાચું દાન આ તમામ વિકારભાવને છોડવા તે જ છે કેમ કે તે આપણા પોતાના છે તેને આપણે ઊભા કર્યા છે. હા એ વાત ચોક્કસ છે કે વાસ્તવમાં એ આપણા આત્માનો સ્વભાવ નથી, પણ અજ્ઞાનરૂપ ભ્રમમાંથી ઉભા થયા છે. ટૂંકમાં પોતાનું કે પારકુ છોડવું તે “સ્વ” પરના ઉપકારની દ્રષ્ટિએ ઉત્તમ છે. દાનથી અહંકાર વધે છે જ્યારે ત્યાગથી અહંકારનું વિસર્જન થાય છે. ત્યાગથી પાપનું મૂળધન સમાપ્ત થાય છે જ્યારે દાનથી પાપનું વ્યાજ સમાપ્ત થાય છે. દાન પ્રિય વસ્તુઓનું થાય જયારે ત્યાગ અપ્રિય વસ્તુનો થાય. કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ જેવા કષાયો અપ્રિય વસ્તુ છે જ્યારે ધન-દોલત, રાચરચીલું, પદ, સત્તા, સંબંધો વગેરે વ્યક્તિને પ્રિય વસ્તુ છે. જે માગે છે તે ભિખારી છે જે ત્યાગે છે તે શ્રીમંત છે. સમગ્ર પ્રકૃતિનો અફર નિયમ જ ત્યાગ છે. સમગ્ર સંસાર ત્યાગથી જ ચાલે છે, જેમ કે વૃક્ષ ફળ ત્યાગે છે, નદી જળ ત્યાગે છે, અગ્નિ ઉષ્મા ત્યાગે છે, સૂર્ય પ્રકાશ ત્યાગે છે. વિચારો કે આ કોઈ કંઈ ત્યાગે જ નહીં તો સૃષ્ટિનું શું થાય? ત્યાગ પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. જો સમુદ્ર વાદળને જળ ન આપે, વાદળ જળ સંઘરી રાખે અને તેનો ત્યાગ ન કરે તો શું થાય? વાસ્તવમાં ગ્રહણ અને ત્યાગ અતિ આવશ્યક છે જો તમે ગ્રહણ કરો છો તો ત્યાગ કરવો જ રહ્યો. શ્રીમદ્ ભગવદગીતા એટલે જ ભોગવીને ત્યાગ કરવાનું કે ત્યાગીને ભોગવવાની સલાહ આપે છે. સમગ્ર સૃષ્ટિ ગ્રહણ કરી ત્યાગે છે અને આજે આપેલું કાલે હજારગણું થઈને પાછું આવે જ છે. જેમ સમુદ્ર થોડું પાણી ત્યાગી વાદળોને આપે છે જે અનેકગણું વરસાદ રૂપે વરસી નદીઓ દ્વારા સમુદ્ર પાછું મેળવે છે. એ જ રીતે જમીનમાં નાખેલા થોડા દાણા હજારગણા થઈ પાછા મળે છે. વૃક્ષ ધરતીનો રસ ગ્રહણ કરી તેના ફળ સૃષ્ટિને પાછા આપે છે. ગાય ઘાસ ખાઈ દૂધ સ્વરૂપે ઋણ ચૂકતે કરે છે. સમગ્ર પ્રકૃતિ સતત આ જ સંદેશ આપે છે કે જો તમે ગ્રહણ કર્યું છે તો તેનો ત્યાગ પણ કરો. શ્વાસ લઈને શ્વાસ છોડવો કેટલો આવશ્યક છે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યાગના અનેક ફાયદાઓ છે
૧) આત્મશુદ્ધિ થાય છે
૨) વિકાર ભાવો સમે છે.
૩) સૃષ્ટિનું ચક્ર કોઈ અશાંતિ કે અવરોધ વગર ચાલે છે.
૪) આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.
૫) ત્યાગવાથી વ્યક્તિ સાચા અર્થમાં મોટો બને છે.
૬) જીવનના તમામ સુખ શાંતિ ત્યાગને આભારી છે.
ટૂંકમાં મારાપણું છોડવું એ જ સાચો ત્યાગ છે. હું અને મારાનો વિસ્તાર અટકાવો એટલે ત્યાગ. જે મુક્તિનો કારક છે અને પરમ શાંતિનો માર્ગ છે. પોતાનું માનીને છોડવાનો ભાવ એટલે દાન અને પોતાનું છે જ નહીં એવું સમજી છોડવું તે ત્યાગ. ટૂંકમાં બંનેમાં છોડવાની જ મહત્તા છે માત્ર વ્યક્તિની તેની પાછળની સોચ કે વિચાર જુદો છે. એકમાં પોતાનું હોવા છતાં છોડવામાં આવે છે જ્યારે બીજામાં પોતાનું નથી એટલે છોડવાનું છે. ટૂંકમાં દાન અને ત્યાગ એ જ મુક્તિનો માર્ગ અને શાંતિનું ઘર છે.
પીડાદાયક લાગણીઓ
પીડાદાયક લાગણીઓ "શ્રીમતી માધવી સોની, અમારા અનાથાશ્રમમાં બીજા ઘણા બાળકો છે. શું તમે ખરેખર મેહરાંશને જ દત્તક લેવા માંગો છો? તે વિનાશક અકસ્માતનો ભાગ હોવાની સાથે, તેના માતાપિતાના જીવલેણ મૃત્યુનો સાક્ષી હતો. શું તમે જાણો છો કે તેની આડઅસર શું હતી? છ વર્ષની નાજુક ઉંમરે, તેને એ દુર્ઘટનાનો ભયાનક આઘાત લાગ્યો છે. તે છોકરો સંપૂર્ણપણે હૈયાની વેદનાથી પડી ભાંગ્યો છે. તેને અપનાવવાથી તમને ખુશી કરતાં વધુ નિરાશા મળશે. માધવી અને તેનો પતિ હેમંત, છેલ્લાં પાંચ વર્ષથી નિઃસંતાન હોવાના દુઃખને સહન કરી રહ્યા હતા. તમામ દવાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી. જ્યારે પહેલી વાર તેઓ અનાથાશ્રમમાં પ્રવેશ્યા, ત્યારે અન્ય બાળકોની...