તેજાબી હુમલો
“આ ખુદાની કરની હોય જ નથી શકતી, સર્વશક્તિમાન અલ્લાહ આટલો ક્રૂર નથી!”
શિરાઝ તેના ઊંડા ભાવનાત્મક વિચારોને દર્શાવતા ધ્રુજી ગયો. તે એસિડ એટેક પર આધારિત ફિલ્મ જોયા પછી ખૂબ જ હચમચી ગયો હતો, જે વાસ્તવિક જીવનની ઘટનાથી પ્રેરિત થયેલી હતી. તેની મમ્મીએ તેને હળવેથી પૂછ્યું, “શિરાઝ, તું શું વિચારી રહ્યો છે?”
શિરાઝ તેની મમ્મી સામે વળ્યો, તેના પપ્પા પણ સાંભળી રહ્યા હતા. “મમ્મી, મને સમજાતું નથી કે અલ્લાહ આ દુનિયા પર કેવી રીતે રાજ કરી રહ્યો છે. જો આપણે માનીએ કે આપણે જે વાવ્યું છે તે પ્રમાણે બધાને મળે છે, તો ચોક્કસપણે પેલી છોકરીએ આટલું ખરાબ કાંઈ જ નહીં કર્યું હોય, જેના લીધે તેને આટલી ક્રૂરતા સહન કરવી પડી. એનો અર્થ તો એ થયોને કે અલ્લાહએ આપણને બનાવીને છોડી દીધા, કે બધા પોતપોતાનું ફોડીલો. તો પછી દુઆ માંગવાનો શું ફાયદો?”
શિરાઝ અતિશય કડવાહટ અનુભવી રહ્યો હતો.
તેના પપ્પા ગુસ્સે થઈ ગયા, “શિરાઝ, આપણે અલ્લાહના નિર્ણય ઉપર પ્રશ્ન નથી ઉપાડી શકતા. આપણે કોણ છે એના ફેસલા પર શક કરવા વાળા? તે સારી પેઠે બધું જ જાણે છે.”
“હું સંમત છું પપ્પા. પણ આપણી આસપાસ જે અમાનવીય પ્રવૃતિઓ ચાલતી રહે છે તેને કેવી રીતે અવગણી શકાય? નિઃસંદેહ અલ્લાહ આવું તો નહીં ઇચ્છતો હશે ને! મારો પ્રશ્ન એ છે કે તો પછી તે શા માટે આ અન્યાય અને જુલમ થવા દે છે? અગર આ બધું ખુદાને મંજુર નથી, તો પછી દુનિયામાં આટલું દુઃખ શા માટે છે? તદઉપરાંત, સૌથી ખરાબ બાબત એ છે કે જે વેદના દુનિયામાં ચાલી રહી છે એ કોઈ કાળે વાજબી પણ નથી.”
શિરાઝના માતા-પિતા નિ:શબ્દપણે તેની સામે જોઈ રહ્યા. તેઓ શું બોલતે? તેની ચર્ચા યોગ્ય અને સમાન માપમાં ચોંકાવનારી હતી. હવામાં મૌન ફેલાઈ રહ્યું, ઘરના સદસ્યોની અધૂરી દલીલની જેમ, જે હજી પણ અનુત્તરિત પ્રશ્નોના જથ્થા સાથે ધબકતી હતી.
શમીમ મર્ચન્ટ,