આજે મારે દિલ્લી આવે 5 વર્ષ થઈ ગયા, હું અહીં એક ફ્લૅટમાં મારા બીજા ત્રણ મિત્રો સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહું છું. મારી જેમ મારા મિત્રો પણ ગામડામાંથી અહીં દિલ્લીમાં ભણવા અને કામ કરવા આવ્યા છે. અહીંનું જીવન ખૂબ જ ઝડપી છે, અહીં લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે તેના આડોશ, પાડોશમાં કોણ રહે છે, શું કરે છે કાઇ ખબર નથી હોતી. અહીં આવ્યા પછી અમે ચારેય મિત્રો અહીંના જીવનમાં મદહોશ થઈ ગયા. રાત રાત ભર જાગવું, રખડવું, સીગરેટ પીવી, ક્યારેક ક્યારેક દારૂની મહેફિલ, હવે એ ગામડાનું સાદું જીવન અહીં વિસરાઈ ગયું.
એક દિવસ બપોરે હું ઓફિસથી વહેલો ઘરે આવી ગયો અને આરામથી બેઠો બેઠો લેપટોપ પર મૂવી જોઈ રહ્યો હતો, એવામાં ડોરબેલ વાગે છે અને મને થયું કોઈ દિવસ નહીં અને આજે આ સમયે કોણ હશે? મે જઈને દરવાજો ખોલ્યો તો સામે એક પરિણીત યુવાન સ્ત્રી, હજુ હમણાં જ લગ્ન થયા હોય તેવું મને લાગ્યું, તેઓ હાથ લંબાવી દરવાજા સામે ઊભા હતા, હાથમાં તુલસીનો છોડ હતો.
તેમણે મને કહ્યું, “નમસ્કાર, અમે તમારી સામેના જ ફ્લૅટમાં રહીએ છીએ. મારે તમારું એક નાનું અમથું કામ છે, શું તમે મદદ કરશો?” મે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર કહ્યું, “હા જી, કહો શું કામ છે?” “અમે એક મહિના માટે અમારા ગામડે જઈએ છીએ તો ઘરમાં બધી વસ્તુઓ તો અમે વ્યવસ્થિત મૂકી છે પણ આ તુલસીનો છોડ, એને નિયમિત પાણી અને સવારે નિયમિત દીવાબત્તી કરવા પડે, તો અમારી અનુપસ્થિતમાં તમે મહેરબાની કરીને આનું ધ્યાન રાખશો?” તેમણે વિનમ્રતાથી મને પૂછ્યું.
હું તો ઘડીક વિચારમાં પડી ગયો કે મારે એમને શું જવાબ આપવો? એક તો અહીં અમે ચાર નાલાયક છોકરાઓ, ના તો ભગવાનની પૂજા, ના તો કોઈ ભક્તિ અને આ બહેન અમારા જેવા નાસ્તિકને આ કામ સોંપે છે. હવે પહેલી વાર આવેલા, ના કેમ પાડવી એટલે મને થયું આપણે શું? છોડ છે, થાય તો સેવા કરશું એટલે મે એમના હાથમાંથી છોડ લીધો અને અમારા ફ્લૅટની બાલ્કનીમાં મૂકી દીધો અને યાદ હતું એટલે એક ડબલું પાણી ત્યારે ને ત્યારે એમા રેડી દીધું.
સાંજ થતાં મારા મિત્રો બધા આવ્યા અને મયંક જેવો બાલ્કનીમાં સીગરેટ પીવા ગયો કે તેની નજર છોડ પર પડી અને તરત મારી પાસે આવીને મને બધુ પૂછવા લાગ્યો. મે બધા મિત્રોને બપોરે થયું એ વાત કરી અને મારા મનમાં આવેલી એક વાત કરવાનું મે વિચાર્યું, “મયંક, સુધીર, નિલેશ તમને ત્રણેયને એક વાત કહેવાની ઈચ્છા છે.” “હા, હા બોલને શું વાત છે?” ત્રણેએ મળીને જવાબ આપ્યો.
મે વાત આગળ વધારી, “જો આજે આ તુલસીનો છોડ આવતા મને મારા ગામડાના દિવસો પાછા યાદ આવી ગયા. કેવા સુંદર એ દ્રશ્યો હતા, સવારે ફળિયાંમાં બા રોજ પહેલા એક લોટો તુલસી ને જળ ચડાવે, એને અગરબત્તી કરે, પગે લાગે અને ઘરના બધા સદસ્યોનો આજ ક્રમ સવારમાં કાઇ પણ કામ શરૂ કરતાં પહેલા કે કામે જતાં પહેલા તુલસીને પગે લાગીને જ જવાનું, અને આજે એ સમય આપણે આપણાં ઘરમાં પાછો આવ્યો છે, આપણે ચારેય મિત્રો આ શહેરની ચકાચોધમાં એટલા ખોવાયા કે આપણાં સંસ્કારને નેવે મૂક્યા અને એ હદે મુકાઇ ગયા છે કે ક્યારનો હું તુલસીમાતાને તુલસી, છોડ ને એ બધુ કહીને સંબોધુ છું. મારી એવી ઈચ્છા છે કે એક મહિનો તુલસીમાતા આપણી સાથે છે તો આપણે સુધરવાની કોશિશ કરીએ અને આ જે વ્યસનો અને ખરાબ આદતોની લત લાગી છે એને છોડીએ. તમારો શું વિચાર છે?”
ત્રણેય મિત્રો હતા મારી જેમ ગામડાના અને મારી જેવી જ રૂઢિવાળા એટલે માની ગયા. બસ ત્યારથી જે હાથ જોડતા હું ભૂલી ગયેલો એ હાથ હવે રોજ મંદિર માં અને તુલસીમાતા સમક્ષ જોડાવા લાગ્યા અને સમયસર ઘરમાં સાફ સફાઇ અને પૂજા, આરતી થવા લાગ્યા. સાચા મનથી અમે તુલસીમાની એક મહિનો પૂજા કરી. એક સાંજે હું ઘરે પહોંચ્યો અને સીધો ગયો બાલ્કનીમાં તો તુલસીમાતા હતા નહીં, એટલે મયંક ઘરે હતો તો મે એને પૂછ્યું, “કયા તુલસીમા, કાઇ સમસ્યા થઈ છે?” મયંકે મને શાંત કરતાં કહ્યું, “ભાઈ, એ તો જેના હતા એ લઈ ગયા.”
એ રાત્રે મને નિંદર ના આવી, જાણે એવું લાગ્યું કે ઘરનું કોઈ સદસ્ય દૂર જતું રહ્યું. બીજા દિવસે સવારે હું નર્સરીમાં ગયો અને નાનો એક તુલસીમાનો છોડ ઘરમાં લઈ આવ્યો અને એ દિવસથી લઈને આજનો દિવસ છે અમારા ચારેયના જીવનમાં કોઈ મુસીબત નથી આવી, સફળતા અમને ખૂબ મળી અને મુખ્ય વાત અમારી બધી જ ખરાબ આદતો ને દૂર થઈ.
તુલસીમાતા ને એટલે જ ઘરના ફળિયામાં બિરાજમાન કરવામાં આવે છે, એ એટલા પવિત્ર છે કે તે દરેક ખરાબ બાબતને ઘરના ફળિયાથી દૂર કરે છે, અંદર પ્રવેશવા દેતા નથી. તુલસીમાતા એકમાત્ર દુનિયામાં એવો છોડ છે, જેને માતા કહેવાંમાં આવે છે, દરેક રોગ માટે ઉપચારી છે, જમવામાં સ્વાદમાં ઉપયોગી છે, સ્વાસ્થ્યવર્ધક છે અને એકમાત્ર છોડ છે જેના લગ્ન ભગવાન સાથે કરવામાં આવે છે અને એટલું એનું મહત્વ છે કે તુલસીમાતા ના લગ્ન પછી જ મનુષ્યના લગ્નનું મૂરત નીકળે છે.