સુરેશના ગયા પછી રોહન વિચારતો રહ્યો. ક્યારે બપોર પડી ગઈ ખબર પણ ન પડી. પ્યુન એનું ટિફિન લાવીને સામે મૂકી ગયો. માયા રોજિંદી ટેવ પ્રમાણે, છેલ્લા ડબ્બામાં એક મીઠી વાત લખી ચિઠ્ઠી મૂકી દેતી. શરૂ શરૂમાં રોહનને આ વાત છોકરમત લાગતી પણ પછી એને આદત થઇ ગઇ અને ગમવા પણ લાગી.
રોજ જમવાનું જોવાના પહેલા, ચિઠ્ઠી વાંચવાની ઉત્સુકતા રહેતી. આજે જેનો ડર હતો એ જ થયું. છેલ્લો ડબ્બો ખાલી હતો. રોહન એ જમવાનું શું છે, એ જોયું પણ નહિ. સુરેશને મેસેજ કર્યો અને ઘરે જવા નીકળી ગયો.
સુરેશ ની વાત સાંભળયા પછી એને વિચાર આવ્યો,
“માયા વગર કેમ જીવી શકાય?”
જ્યારે રોહન ઘર માં દાખલ થયો, તો માયા રસોડામાં હતી. રોહનને જોતા જ ડરી ગઇ.
“રોહન? શું થયું? તમારી તબિયત તો સારી છે? તમે આ સમયે ઘરે?”
રોહન એની પાસે ગયો અને એનો ચેહરો પોતાના બન્ને હાથમાં લેતા બોલ્યો.
“I’m sorry Maya.”
“રોહન..?”
“It was Suresh. મારે તારી વાત સાંભળવી જોઈતી હતી. તારા પર વિશ્વાસ કરવો જોઈતો હતો.”
માયા ધીમેથી મલકાઈ.
“રોહન હું હંમેશા તમારી સાથે છું અને તમારું ભલું જ વિચારીશ.”
રોહન એ હામી ભરી અને માયાને ભેટી પડ્યો.
“મને ખબર છે.”
માયાએ એની સામે જોઈ ને પૂછ્યું,
“તો સવારે શું થયું હતું?”
રોહન હસી પડ્યો.
“બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ હતી.”
માયાનું સ્મિત પણ હાસ્યમાં પરિવર્તિત થઈ ગયું.
રોહનએ માયાના કપાળ પર ચુંબન ભર્યું અને બોલ્યો,
“માયા, તું છે, તો હું છું. તું છે, તો આપણો પ્રેમ છે. તારા વગર કોઈ વસ્તુનું કંઇ અસ્તિત્વ જ નથી.”
માયા ખુશીથી ફુલાઈ ગઈ.
“એટલી romantic વાત તો તમે મને આજ સુધી નથી કરી.”
“જમી?” રોહન એ પ્રેમ થી પૂછ્યું.
“નહિ. અને મને લાગે છે કે તમે પણ નથી જમ્યા.”
“Right. તારી ચિઠ્ઠી ન્હોતી, તો બાકીનું ટિફિન મેં ખોલીને જોયું પણ નથી.”
માયા હસી પડી.
“રોજ શું ચિઠ્ઠીથી પેટ ભરો છો?”
“ચિઠ્ઠીથી મન ભરાય જાય છે અને જમવાની મજા આવે છે.”
માયાનું મન હળવું થઈ ગયું, એ ખુશીથી શરમાઈ ગઈ.
“માયા, મારા જીવનમાં તું અને તારી ચિઠ્ઠી અત્યંત જરૂરી છે.”
“અને મારા જીવનમાં તમે.”