તારા વિના શ્યામ મને એકલડું લાગે આ ગરબાની લોકપ્રિયતા દેશદેશાવરમાં કેટલી બધી છે એ કહેવાની જરૂર નથી. પરંતુ આ સુંદર ગરબો જેમણે લખ્યો અને કમ્પોઝ કર્યો છે એનું નામ તો મોટા ભાગના ગુજરાતીઓ માટે સાવ અજાણ્યું જ છે. આ ગરબો એટલી હદે લોકપ્રિય થયો છે કે એના પ્રભાવમાં ગરબાના ગીતકાર – સંગીતકાર કોણ છે એ જાણવાનો ય કદી વિચાર આવ્યો નહીં કોઈને! તમે ગમે તેટલું મગજ કસો તો ય ખ્યાલ નહીં આવે કે આ ગરબાના રચયિતા કોણ છે. એ જીનિયસ કલાકાર છે વડોદરાના વિનોદ આયંગર.
આયંગર અટક વાંચીને તમને નવાઈ લાગશે પણ હા, આ તમિળભાષી એટલે કે એક બિનગુજરાતીએ આ લાજવાબ ગરબાની રચના કરી છે. આમ તો એ પોતે બહુ સારા વાયોલિનવાદક છે પરંતુ, સિત્તેરના દાયકામાં રાગ આહિર ભૈરવમાં એમણે આ ગરબાની ધૂન બેસાડી. આ કલાકારે એવી જાદુઈ ધૂન સર્જી કે પ્રગટ થતાં જ હજારોના દિલમાં દીવો કરી ગઈ.
“આહિર ભૈરવ મારો ખૂબ પ્રિય રાગ છે. ગુજરાતી મારી ભાષા ન હોવા છતાં મને આ ભાષામાં ગરબો લખવાનો વિચાર આવ્યો કારણ કે આમ તો હું વડોદરાનો, ગુજરાતનો જ છું એટલે જન્મભૂમિ – કર્મભૂમિ ગુજરાત જ. એક દિવસ અચાનક ગરબાના શબ્દો ઉતારવા માંડ્યા, જેને મઠારવામાં મારા મિત્ર રાહુલ તિવારીએ મને મદદ કરી.” કહે છે ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા વિનોદ આયંગર. “રાગ આહિર ભૈરવ પર આધારિત મન્ના ડેએ ગાયેલું પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ… ગીતનો મારા પર બહુ પ્રભાવ હતો એટલે એ રાગને લઈને ગરબો કમ્પોઝ કરવો એમ વિચાર્યું. ૧૯૮૦માં પહેલી વાર અતુલ પુરોહિતે આ ગરબો ગાયો અને ઈન્સ્ટન્ટ હિટ થઈ ગયો. તારા વિના શ્યામ… ને અત્યંત લોકપ્રિય કરવામાં અતુલભાઇનો મોટો ફાળો છે. પછી તો દરેક નવરાત્રિનું એ અવિભાજ્ય અંગ બની ગયો હતો. સાવ સહજ રીતે તેઓ કહે છે.
એમ.એસ. યુનિવર્સિટીના સ્નાતક વિનોદ આયંગરે સંગીત વિશારદ કર્યું છે અને ગરબા સહિત ઘણા કાર્યક્રમોમાં વાયોલિન વગાડે છે. તેઓ કહે છે કે, “મારી મા કર્ણાટક સંગીતનાં કલાકાર છે. એમના આગ્રહથી મેં વાયોલિન શીખવાનું શરૂ કર્યું. મ્યુિઝકમાં ખૂબ મજા આવવા લાગી. જો કે ડી.જે. કલ્ચરને કારણે ગરબો એનું મૂળ સ્વરૂપ ગુમાવી રહ્યો છે એનું મને દુ:ખ છે, કહે છે વિનોદભાઈ. એમની વાત સાથે આપણે સહમત થવું જ પડે. ડી.જે. કલ્ચરને લીધે સોસાયટીઓમાં નાને પાયે થતાં ગરબા અને ગૃહિણીઓનું ઇન્વોલ્વમેન્ટ સાવ ઘટી ગયાં છે. પહેલાં સાચી રે મારી સત રે ભવાનીના ગરબા ગવાતા હતા, હવે સંજય ભણસાલીના ગરબા ગવાય છે. જો કે એમનાં માતા લીલા ભણસાલી ગરબાનાં બહુ જ સારા કોરિયોગ્રાફર છે એટલે સ્વાભાવિક છે કે સંજયના લોહીમાં પણ ગરબા ઘૂમતા હોય. અલબત્ત, પ્રાચીન ગરબાનું માહાત્મ્ય ઘટવું ન જ જોઈએ. એટલે પાંચ દસ હજારના ગ્રાઉન્ડમાં કાલા કૌઆ કાટ ખાયેગા કે પછી નગાડા સંગ ઢોલ બાજે ભલે ગવાતાં હોય પણ નાગર ગૃહિણીઓએ ગરબાની પરંપરા સચવાઇ રહે એ માટે બેઠા ગરબા દ્વારા પ્રાચીન ગરબાઓને જીવંત રાખ્યા છે. ગુજરાત અને મુંબઈમાં તો આ ગરબા થાય જ છે પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ નાગરોએ બેઠા ગરબાની પરંપરા સાચવી રાખી છે.
🌹નંદિની ત્રિવેદી🌹