તમે તો કહો
કે stress નહીં લેવાનું
એમ તો અમેય મિત્રોમાં કહીએ કે just chill
પપ્પા મમ્મી પણ કહે છે જ કે ચિંતા નહીં,
આવડે એટલું લખવાનું.
પાડોશી કહે છે કે છેલ્લી ઘડીએ વાંચવાનો
કૈં અર્થ નહીં .
એ કોઇ ખોટા પણ નથી.
પણ હું કહું એ તમેય સાંભળો ને ?
આમ છેલ્લી ઘડીએ સારું સારું કહેવાનોય
કૈં અર્થ ખરો ?
હું ડોક્ટર બનું કે CA એ ક્યારનુંય નક્કી હતું !
રમત રમું એ સારું જ છે
પણ એમાં કૈં career ના બને.
ગાવા વગાડવાનું , નાચવા , ચિતરડા કરવાનું
બધું બેઘડી બરાબર
પણ ધો. ૮ માં આવો કે બધું બંધ.
સવારે ને સાંજે ટ્યુશન
બપોરે સ્કુલ
રાત્રે વાંચવાનું.
ટીવીની ચેનલ cut.
“ અમે પણ નહીં જોઇએ , બસ “
જ્યાં જગ્યા મળી ત્યાં ચોંટાડ્યા timetable
નજર સામે બીજું કૈં આવે જ નહીં.
ઘરમાં વાતો પણ
Percentage અને Percentile ની.
મમ્મી મોબાઇલ પર પણ એજ વાત કરે
“ હમણાં તો no guest ! “
ઘેર આવતાવેંત પપ્પાનો પણ એક જ સવાલ ,
“ કેટલું પત્યું ? “
સફળ થયેલાના દાખલા અપાય
નિષ્ફળ ગયેલાની નિંદા થાય
પેલી કવિતા સાંભળે ખરા
“ સઘળાને નંબર વન શાને બનાવવા ?
આટલા વિદ્વાનોને ક્યાં જઈ સમાવવા ?
સાથે મળી સૌ બેસો વિચારવા
ક્યાં સુધી છોકરા ને રોબો બનાવવા ?
કૈક એની મરજી પર તો છોડો
કે દીકરો દસમામાં આવ્યો.”
પણ મમ્મી કહે , “ એ બધું વાતોમાં સારું લાગે.
એમના છોકરાંને શું કરે છે
એ આપણને ક્યાં ખબર છે ? “
ને પપ્પા કહે, “ એને જે કરવું હોય તે કરે.
આપણે Life બનાવવાની છે, બસ “
વરસોવરસ , રોજેરોજ આ જ સાંભળ્યું છે
ને હવે ઓચિંતા ફેરવે છે માથે હાથ !
ને મનમાં એ જ કવિતા યાદ કરે છેઃ
“ દીકરાને ગમશે શું, એ ક્યાં વિચાર્યું !
આપણી જ ઈચ્છાનું ભારણ વધાર્યું,
ઢાળ જોઈ દોડ્યા ને દોડાવ્યે રાખ્યું,
એક ઘડી થોભીને એ ન વિચાર્યું –
આ દીકરો કે રેસ તણો ઘોડો ? “
કે દીકરો દસમામાં આવ્યો.
આ જ હાથ હતા ને આ જ માથું
પણ યાદ મોડું આવ્યું ?
પણ તમે ચિંતા ન કરશો.
Stress management મને આવડે છે.
મેં શક્ય મહેનત કરી જ છે.
સારું પરિણામ આવે તે મનેય ગમે જ.
Doctor , Engineer, CA , Architect
બની પણ જઇશ.
રુપિયા પણ કમાઇશ.
તમારો ને મારો વટ પણ પડશે.
તમેય કહી શકશો કે
તમારી પદ્ધતિ સાચી હતી, આ એનું જ પરિણામ.
ભલે .
રાજી થાવ.
પણ હું મારાં સંતાનો સાથે આમ નહીં કરું.
હા , એમને નહીં કહું કે
mom dad તરીકે તમે કેવા નિષ્ફળ ગયા છો !
પણ મારા હાથ ફરે એ માટે
એમના માથાને રાહ નહીં જોવા દઉં.
હું જાણું છું કે એની હૂંફ
એમનો રસ્તો સરળ કરશે.
તમારા Best of luck માટે Thank you. 🌹
– તુષાર શુક્લ