મહિલાઓ જેટલી જ શોખીન જુદા જુદા પર્સ વાપરવા માટે હોય છે, તેટલી જ આળસુ તે પર્સની સંભાળ રાખવા માટે હોય છે. હંમેશા ડ્રેસ પ્રમાણે પર્સ ચેન્જ કરનારથી લઈ વર્ષો સુધી એક જ પર્સ ચલાવનારી નારીનાં પર્સમાં પણ એટલી બીનજરૃરી ચીજવસ્તુઓ પડી રહી હોય છે તે જોવાનો તેમને ખ્યાલ પણ આવતો નથી અને ખાસ્સા સમય સુધી પર્સમાં આ બધો સામાન ઉઠાવીને ફર્યા કરે છે. ખાસ કરીને વર્કીંગ વુમન તેમનાં પર્સની કેર લેવામાં બહુ લેઝી હોય છે.
- સૌ પ્રથમ તો તમારી જરૃરીયાત અને પ્રસંગ પ્રમાણે પર્સનો સામાન ચેન્જ કરતાં રહો.
- અઠવાડિયે એક વાર આખા પર્સને ખાલી કરીને તેની અંદર બેકીંગ પાવડર કે બેબી પાવડર છાંટવો જોઈએ.
- દરેક ખાનામાંથી દરેક વસ્તુને બહાર કાઢીને જરુરી વસ્તુનાં ફિક્સ પાર્ટીશન પાડવા જોઈએ. ઘરની કે વ્હિકલની ચાવી હંમેશા એક જ બાજુ મૂકવી જોઈએ, જેથી જરુર પડે ત્યારે તરત મળી જાય. તેવી જ રીતે મોબાઈલ માટે પર્સમાં ફિક્સ જગ્યા રાખવી જોઈએ.
- પર્સની અંદર મેકઅપનાં સામાન માટે અલગ પાઉચ રાખવું જોઈએ. યુઝ કર્યા પછી દરેક સામાન તે જ પાર્ટીશનમાં મૂકવાની ટેવ રાખો જેથી તમારું પર્સ મેસી ન લાગે.
- પૈસા અલગ અલગ ખાનામાં છુટ્ટા ન મૂકતાં એક જગ્યાએ વોલેટમાં જ મુકવાનું રાખો. આપ ચાહો તો પરચૂરણ માટે અલગ પાઉચ પણ રાખી શકો છો.
- જો તમે પરફ્યુમની કાચની બોટલ પર્સમાં રાખતાં હોવ તો તેને પ્લાસ્ટિક બેગમાં, બોક્સમાં કે અલગ પાઉચમાં રાખો. હેર કોમ્બ પણ પ્લાસ્ટિકની બેગમાં જ રાખો. જરૃરી ડોક્યૂમેન્ટ જેવા કે આઈકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ રોજેરોજ પર્સમાં લઈને ન ફરતાં તેની ડુપ્લીકેટ કોપી કે ઝેરોક્ષ જ સાથે રાખો. જરુર પડે ત્યારે જ સાથે લઈ જાવ. પેન અને ડાયરી રાખતા હોવ તો પણ પર્સમાં છૂટા ન મુકતા એક પાઉચ કે પ્લાસ્ટિક લોક વાળી બેગમાં રાખો જેથી આસાનીથી મળી પણ રહે અને ના તો ડાયરીનાં પાના ખરાબ થાય,ના તો પેનની સાહીથી પર્સ ખરાબ થાય. હેન્કી, ટીશ્યૂ, વ્હાઈપ્સ કે સેનેટાઈઝર પણ અલગ પાર્ટીશનમાં રાખો.
- દરેક મહિલાઓએ ખાસ પોતાના પર્સમાં ડાર્ક પ્લાસ્ટિક બેગમાં સેનેટરી નેપકીન હંમેશા સાથે રાખવું જ જોઈએ.
- એ ઉપરાંત એક પાઉચમાં સેફ્ટીપીન, હેરપીન, ક્લચર અને થોડા ઈલાસ્ટીક બેન્ડ હંમેશા સાથે રાખવા જોઈએ.
- જો પર્સ વોશેબલ હોય તો મહિને એકવાર અવશ્ય ધોવું જોઈએ, જો પર્સ લેધરનું હોય તો અંદર બેકીંગ પાવડર અને બહાર વિનેગરથી સાફ કરવું જોઈએ.
- આપ ચાહો તો પર્સમાં એક નાની ડબ્બીમાં માઉથ ફ્રેશનર, મુખવાસ કે ઈલાઈચી અથવા થોડી સાકર રાખી શકો છો.
યાદ રાખો દરેક દિવસની પ્રાયોરીટી પ્રમાણે પર્સમાં રાખેલો સામાન ચેન્જ કરતાં રહો. દરેક સામાન તેજ પાર્ટીશનમાં પાછો વ્યાવસ્થિત ગોઠવીને મૂકો જ્યાંથી લીધો હોય. પર્સને ગમે ત્યાં નીચે જમીન પર કે બેન્ચ પર મૂકવામાં આવે તો ઘરે જઈને વેટ ટીશ્યૂથી પર્સને લૂછીને સાફ કરી લો.