સત્યઘટનાઓ પર આધારિત:
એ 2018નો આકરો ઉનાળો હતો. તે સમયે મારું ‘પૉસ્ટીંગ’ સાબરમતી નદીના કાંઠે આવેલી બેંકની એક તાલુકા શાખામાં હતું. મે મહિનાની પ્રચંડ ગરમી અને એમાંય ખરો બપોર. એટલે શાખામાં ગ્રાહકોની સામાન્ય અવર જવર હતી. છત ઉપર લટકી ફરતા પંખા મોંઘવારી સામે લડતા ગરીબોની જેમ ગરમીને હંફાવવાનો મિથ્યા પ્રયાસ કરતા હતા. શાખાના કર્મચારીઓ પોતાના રોજીંદા કામકાજમા વ્યસ્ત હતા, તો હું પણ કામના તુમારનો નિકાલ કરતો હતો.
એ વખતે એક સફેદ વસ્ત્રધારી ટોળું શાખામાં પ્રવેશ કરે છે.ટોળામાં ત્રણ પુરુષો અને બે સ્ત્રીઓ હતી. પુરુષોએ માથાં અને દાઢી-મુછ મુડાવી ચહેરા સફાચટ કર્યા હતા અને ખભે ખેસ વીંટ્યા હતા તો સ્ત્રીઓએ સાડી પહેરી માથાં ઢાંક્યા હતા. તેમાંથી એક સૌથી મોટા દેખાતા અને ચપળ લાગતા પુરુષના હાથમાં એક થેલી હતી. આખું ટોળું સીધું જ શાખામાં નવનિયુક્ત ફરજ પરના અધિકારી પાસે પહોંચે છે. કાપડની થેલીમાંથી કેટલીક બાંધી મુદતની થાપણોની રશીદો કાઢી તેની રકમનો દાવો કરે છે.
વાત જાણે એમ હતી કે બાજુના ગામના એક વયોવૃદ્ધ વ્યક્તિની અમારી શાખામાં ૧૪ લાખની થાપણો હતી અને તેમનું હમણાં ત્રણ દિવસ પહેલાં જ અવસાન થયું હતું.અને, આ શ્વેતાંબર ટોળું એમના સંતાનોનું હતું. સંતાનોમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ. તેમણે આપેલી ‘ફિક્સ્ડ ડિપોઝીટ’ની રશીદોની તપાસ કરી અધિકારી એ કહ્યું :
“તમારા પિતાજીએ આ થાપણો માટે કોઈ વારસદારની નિમણૂંક કરેલ નથી એટલે આ નાણાં લેવા માટે તમારે કેટલીક કાર્યવાહી કરવી પડશે.”
” કેવી કાર્યવાહી, સાહેબ ? ”
“સૌ પ્રથમ તો તમારે નોટરી સમક્ષ સોગંદનામું કરી વારસાઈ કરવી પડશે. તે પછી મૃતકનો મરણનો દાખલો, કાયદેસરના તમામ વારસદારોના ઓળખપત્રોની નકલ, તેમનો એક-એક ફોટોગ્રાફ, રૂ. ૩૦૦ના સ્ટેમ્પ ઉપર ‘ઈન્ડૅમનીટી બૉન્ડ’ ઉપર તમામની સંમતિ સાથે એક દાવેદારની નિયુક્તી અને તેની બેંકની વિગત વિ. આપ્યા પછી તેના ખાતામાં દાવાની રકમ આવશે.”
આટલું સાંભળતા તો તે પાંચેયના ચહેરા વધારે શોકાતુર બન્યા.કારણકે તેમને તો આજે જ કામ પતાવી દેવાની ઉતાવળ હતી.સમજો ને કે આ નાણાં માંથી જ પિતાનો ક્રિયા-કર્મ કરવાનું આયોજન હતું.ફરજ પર ના અધિકારી સાથે થોડીક રકઝક પછી તે ટોળું મારી ‘કૅબિન’માં આવે છે.તે પૈકીના સૌથી સક્રિય હતા તે ભાઈ એ રજુઆતનો દોર શરૂ કર્યો…
” સાહેબ, પેલા અધિકારી કહે છે તે સાચી વાત છે ?
તપાસના અંતે મેં અધૂરી વાત પૂરી કરી :
” હા…અને વધુમાં દાવાની રકમ મોટી હોવાથી અમારા શાખાના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી માટે તે મંજૂરી અર્થે ક્ષેત્રીય કાર્યાલયમાં જશે.એટલે એકાદ અઠવાડિયું એમાં પણ થશે. ”
પરિસ્થિતી અપેક્ષિત ન સર્જાતા અકળાયેલા એ મહાશયે પોતાના સહોદરોને સંબોધીને કહ્યું :” આ બાપા પણ છે ને…! ‘સાવ ડોબા જેવા’ હતા. એમણે જો આ થાપણોમાં વારસદારની નિમણૂંક કરી હોત તો આજે આપણને આટલી તકલીફ ના પડતી હોત…! ”
બાકી ના બે ભાઈઓએ આ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો.બે બહેનોનું મૌન પણ સંમતિ સૂચક જ હતું.એટલે, હવે મારી અંદરનો માણસ ઉશ્કેરાયો.
હાથનો ઈશારો કરી મેં તેમને વધારે નજીક બોલાવી કહ્યું :”તમે એ વિચાર કર્યો કે જે રકમની રોકડી કરતાં તમને આટલી તકલીફ પડે છે, એ રકમને એકઠી કરતાં એ ‘સાવ ડોબા જેવા’ માણસને જીદગીમા કેટલી તકલીફો પડી હશે..?!? ”
અને, આટલું સાંભળતા જ સાડી ઓઢેલા અને મુંડન કરેલા માથાં શરમથી ઝૂકી ગયા.