ખાન-પાનની કેટલીક ખોટી આદતોના કારણે સ્વાસ્થ્યને ઘણાં ગંભીર નુકસાન થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો ભોજન બાદ કેટલીક ભૂલો કરે છે, જેના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેમાં પણ રાતના ભોજન બાદ આ ભૂલો તો ન જ કરવી જોઈએ. આપણામાંથી મોટાભાગના લોકો રાત્રે જમ્યા બાદ સીધા બેડ પર સૂવા જ જાય છે. કોઈ શારીરિક ગતિવિધિ કરવાનું ટાળે છે અને સાફ-સફાઈનું ધ્યાન પણ નથી રાખતા. પરંતુ લોકો જાણતા નથી કે, આપણી રોજની આદતોના કારણે જ ભવિષ્યમાં કેટલાંક માઠાં પરિણામો ભોગવવાં પડી શકે છે.
ભોજન બાદ આપણા હાથ અને મોંમાં નુકસાનકારક બેક્ટેરિયા હોય છે, જે આંતરડાં માટે નુકસાનકારક હોય છે.જો તમે રાતના ભોજન બાદ બેસી રહેતા હોવ કે સીધા સૂઈ જતા હોવ તો, તેનાથી તમારાં આંતરડાંને બહુ નુકસાન થાય છે. તેનાથી ભોજનનું સરખુ પાચન થતું નથી અને શરીરમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે શરીર ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બને છે. મોટાભાગના લોકોના મનમાં એ સવાલ હોય છે કે, સ્વસ્થ રહેવા માટે રાતના ભોજન બાદ શું કરવું જોઈએ. આ બાબતે આયુર્વેદિક ડૉક્ટર વરાલક્ષ્મી યનામંદ્રએ તેમની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં કેટલાક મહત્વના નિયમો જણાવ્યા છે, જેને રાતના ભોજન બાદ અચૂક ફોલો કરવા જોઈએ. તો ચાલો આજે આ યુર્વેદના ઉપાય જાણીએ વિસ્તારમાં.
પાણી પ્રક્ષાલન
વૈદિક ભારતમાં હાથથી જમવું એ એક મહત્વનો શિષ્ટાચાર ગણાય છે. પરંતુ જમ્યા બાદ હાથની બરાબર સફાઈ કરવી બહુ મહત્વનું છે. એટલે જ રાત્રે જમ્યા બાદ હાથની બધી જ ગંદકી દૂર કરી હાથની બરાબર સફાઈ કરવી જોઈએ.
મુખ અને દંત શોધન
રાતના ભોજન બાદ દાંતને બ્રશ કરવા જોઈએ અને ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ. તેનાથી મોં તો સ્વસ્થ રહેશે જ અને આપણાં આંતરડાં સ્વસ્થ રાખવામાં પણ મદદ મળશે. દાંત અને મોંની સફાઈ કરવાથી ઓરલ હેલ્થ સારું રહેશે.
નેત્ર સ્પર્શ
આપણી આંખો અગ્નિ તત્વનો સ્ત્રોત હોય છે. એટલે જ તેને ઠંડી રાખવા માટે આંખની આંગળીઓને થોડીવાર માટે આંખ પર મૂકવી જોઈએ. ઠંડા હાથને આંખ પર મૂકવાથી આંખો ઠંડી કરવામાં મદદ મળે છે અને આંખો તરોતાજા રહે છે. સાથે-સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે.
તંબુલા સેવન
રાતના ભોજન બાદ વરિયાળી કે પાન ચાવવાથી પાચક રસ સક્રિય બને છે અને પાચન સારું થાય છે, તેમજ મોંમાંથી દુર્ગંધ આવતી નથી.
ગમન
રાત્રે જમ્યા બાદ ઓછામાં ઓછાં 100 પગલાં તો ચાલવાં જ જોઈએ. તેનાથી પાચનમાં સુધારો થાય છે અને મેટાબૉલિઝમ પણ તેજ થાય છે. એટલે જ તમારે કોઈ ભારે કસરત કે ગતિવિધીની જગ્યાએ થોડાં પગલાં અચૂક ચાલવું જોઈએ.
આ સરળ અભ્યાસોની મદદથી પાચન સારું થાય છે અને ઊંઘ સારી આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. એટલે જ અહીં જણાવેલ ટિપ્સ અચૂક ફોલો કરવી જ જોઈએ.