સૌરાષ્ટ્રના નાના ગામમાં રહેતા દરેક જણનું એકબીજાને ઓળખતા હોવું સામાન્ય છે. આવા જ એક નાના ગામમાં ઉંમરમાં છન્નું વરસના પણ તબિયતમાં કડેધડે ઝમકુ ડોશી. કોઈ નાના-મોટા કેસમાં સાક્ષી પૂરવા અદાલતનાં સાક્ષીના પીંજરામાં ઊભા હતા.
સરકારી વકીલ વજુભાઈ વખારીયાએ ઊભા થઈને પૂછ્યું.
‘આ દાવામાં હું સરકારી વકીલ છું. તમે મને ઓળખો છો?’
‘ઓળખું છું. અરે દીકરા તું પેદા નહોતો થયો ત્યારથી જાણું છું. તારી માનો ખોળો ભરાતો નો’તો તી તારા બાપ જગમોહને એને ગામની બહાર આશ્રમમાં પડ્યા રહેતા બાબા બજરંગી પાસે આશીર્વાદ લેવા મોકલેલી. તી પૂરા પંદર દિવસ-રાત બાબાએ આશીર્વાદ આપેલા તીયારે તું પેદા થયેલો.
તું નાનો હતો ત્યારથી જ નપાવટ હતો. શેરીના નાકે ઊભા રહી ચરસ-ગાંજો ચઢાવી, આવતી જતી છોડીઓને ખરાબ નજર્યથી જોતો રહેતો. એક દી જ્યારે તે લખમશીની દીકરી ચંપા પર હાથ મેલ્યો તીઆરે એણે તને ગામની વચમાં ચંપલે ચંપલે ધીબી નાખેલો. પછી તારા બાપાએ તને બોર્ડિંગ સ્કૂલમાં મૂકેલો ત્યાંથીય તારી ચોરી ચપાટીની ફરિયાદ આવતી રેતી’તી, પણ તારો બાપ કાવડીયાને જોરે તને બચાવી લેતો’તો. મને તો સમજમાં નથી આવતું કે તને વકીલ બનાવ્યો કોણે?’
‘માજી એ બધી વાત જવા દો.’ વકીલ વજુભાઈએ છોભીલા પડતા કહ્યું, ‘માત્ર મારા સવાલનો જવાબ આપો.’
‘તો તારા સવાલનો જવાબ છે, હા, તને બરાબર ઓળખુ છું.’
‘ઠીક છે અને આ સામે બેઠા છે એ ચુનીલાલ ચોવટીયા બચાવ પક્ષના વકીલ છે એને ઓળખો છો?’
ઝમકુ ડોશીએ આંખ ચુંચી કરી ચુનીલાલ સામે જોયુ. અને ઘડીક પછી યાદ આવ્યું હોય એમ બોલ્યા.
‘કેમ નહિ ઈને તો જીયારથી ચડ્ડીમાં સૂ સૂ કરતો’તો તીઆરથી ઓળખું છું. એ પણ તારા જેવો નાલાયક હતો. નિશાળમાં જાવાને બદલે મોઢામાં માવો ભરી ગામને ચોરે ઊભો રહી છોડિયુ સામે ખી ખી ખી ખી કરતો રેતો’તો. તે દી દેશી દારૂ પી છાકટા થઈ ઇણે કરસનની બૈરી કમુડીનો ઘાઘરો પકડેલો તે દી કરસને ઈને લાકડીએ લાકડીએ ધીબી નાખેલો. તીયારથી ગામના લોકો ઈને ઘાઘરી ઘેલો, ઘાઘરી ઘેલો કહેવા લાગ્યા એટલે ઇ ગામ છોડીને ભાગી ગએલો.
તી દીથી ઠેઠ આજે ઇને વકીલ થઈને સામે ઊભેલો જોઉ છું તયારે મુને સમજ નથી પડતી કે મારે હસવું કે રોવું? લે તારા સવાલનો જવાબ છે ઇનેય ઓળખુ છું.’
વકીલ વજુભાઈ વખારીયા બીજો સવાલ પૂછવા ઊભા થયા ત્યારે જજ કાનજીભાઈ કડકીયાએ બંન્ને વકીલોને ઇશારાથી પોતાની નજીક બોલાવ્યા અને ધીરેથી કહ્યું.
‘તમારા બેઉમાંથી જેણે પણ ઝમકુ ડોશીને તમે જજ કાનજીભાઈ કડકીયાને ઓળખો છો એમ પૂછ્યું છે એને જેલમાં નાખી દઈશ.’