આપણાં દેશમાં ૧૩૫ કરોડ લોકો રહે છે, અને જેટલા લોકો છે એટલી જ એમની અલગ અલગ નજર લગાડવાની પદ્ધતિ છે. વિશ્વાસ નથી આવતો ને? જોવો તમને ડેમો આપું:
નાનું બાળક ખૂબ રોવે એટલે માથેથી લીંબુ ઉતારીને નાખી દે કારણ, નજર લાગી હશે. છોકરી ખુલ્લા વાળ રાખી બહાર જાય એ પહેલા કે આવે પછી એની નજર ઉતારવાની, આ બુકાની બાંધવાનું એમા જ શરૂ થયું! કોઈ શુભકામ શરૂ કરો ને શ્રીફળ વધેરતાં એ જો સડેલું નીકળે તો કારણ, કોઇની નજર લાગી હશે. શ્રીફળ પણ વિચારમાં પડેલું, “ભાઈ, હું પંદર દિવસથી જેમ તેમ પડેલું એટલે સડયું!” ધંધામાં ખોટ જાય તો કારણ કોઇની નજર લાગી ગઈ, અને એ જ ધંધામાં જો નફો થાઈ તો એજ સલાહ, “બહુ હરખાય નો જા, નજર લાગતાં વાર નો લાગે.” વરરાજા બિચારા ખાલી કહેવાના વરરાજા, લગ્નના સાત દિવસ પહેલા એકલાં કાઇ જાય તો નજર લાગી જાય. બિચારો વરરાજો પણ વિચારે, “આ નજર લાગી એમા તો લગ્નની મોકાણ થઈ!” નજરના પ્રકાર પણ જોવા મળે છે, “જીવતી નજર, મરેલાની નજર, ભિખારીની નજર, ઈર્ષાવાળી નજર, પ્રેમની નજર, નફરતની નજર અને આ નજરનું તો ખાસ નામ છે “કાતર મારવી”. ઘણીવાર આંખ પણ વિચારતી હશે, “મને તો કોઇની નજર નથી લાગી ને!
વધુ નથી કહેવું નહીં તો મારા શબ્દોને પણ નજર લાગી જશે!