જીવન : તું ઘણો પીડાદાયક છો ! તારા લીધે લોકો રડે છે.
મૃત્યુ : મારા કરતાં તો તું વધુ પીડાદાયક છો, હું એક વાર રડવું, તું તો વારંવાર લોકોને રડાવે છે.
જીવન : તો ચાલ એક સ્પર્ધા કરીએ, એ જાણવા કે કોણ વધારે પીડાદાયક છે ? મૃત્યુ કે જીવન ?
મૃત્યુ : હા ! હા ! કરીએ.
બીજા દિવસે “જીવન” અને “મૃત્યુ” બન્ને એક જ ઘરને શોધે છે. જીવન ત્યાં જઈને બે બાળકને જન્મ દેવડાવે છે. તેમાંથી એક બાળક પાસે “મૃત્યુ” જાય છે અને તે જ ક્ષણે તેનો અંત કરી નાખે છે. ત્યારે બધાં જ લોકો ખૂબ રડે છે. ત્યારે પણ જીવન મૃત્યુને કહે છે, “જો તું કેટલો પીડાદાયક છો, તારા લીધે કેટલા લોકો રડ્યા !”
તે પછી બીજુ બાળક ધીમે ધીમે મોટું થાય છે. તે બાળકનું નામ અંકુશ છે. અંકુશ મોટો થયો ત્યારે તેને જીવનમાં મુશ્કેલીઓ આવવા મંડે છે. પગલે પગલે તેને પરીક્ષાઓ દેવી પડે છે, તે ઠોકરો ખાય છે. હવે તે રોજ રડે છે.
ત્યારે મૃત્યુ જીવનને કહે છે, “જોયું! તે રોજ કેટલો રડે છે. મારો ઘા તો એક જ વાર લાગ્યો. બધાં પહેલા બાળકને ભૂલી પણ ગયા, પણ અંકુશને તો રોજ મરી મરીને જીવવું પડે છે. કાલે આપણી સ્પર્ધાનો અંત છે. કાલે છેલ્લો દિવસ છે. જો તે કાલે રડશે તો તું હારી જઈશ!”
બીજો દિવસ આવે છે. આજે પણ અંકુશ જીવનની કઠીનાઇઓ વિચારીને રડવા જાય છે. સ્પર્ધાનો નિર્ણય બોલાવવાનો જ હોય છે મૃત્યુ આ સ્પર્ધાને જીતે છે પણ ત્યાં જ કંઈક અલગ જોવા મળે છે. અંકુશ બહુ ખુશ દેખાવા લાગે છે. આટલા વર્ષની પરિક્ષાઓનું ફળ આજે તેને મળે છે. તે ખૂબ ખુશ થઈ જાય છે. અને સ્પર્ધા જીવન જીતી જાય છે.
ચોક્કસ જીવન મૃત્યુ કરતા વધારે પીડાદાયક હોય છે પણ જ્યારે આપણને ફળ મળે ત્યારે તે ખૂબ મીઠું લાગે છે.
મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે પણ એ વિચારીને કોઈ થંભી નથી જતું. તે તો અનિશ્ચિત છે. પણ તે પણ નિશ્ચિત છે કે કુદરતે આપેલું આ જીવન સાર્થક જરૂર થાય છે.
તેથી પરીક્ષાઓ દેતી રહેવી અને કદી હાર ન માનવી.
નિતી સેજપાલ “તીતલી”