અમુક પરિસ્થિતિ, અમુક શબ્દો જીવનમાં સૌથી પહેલો વિચાર નકારાત્મક જ આપે છે, સન્નાટો શબ્દ મૌલિકના જીવનમાં એક મધુર અવાજ લઈને આવ્યો છે. મૌલિક એક હસતો ખેલતો ૧૪ વર્ષનો નમણો છોકરો, ઘરમાં બધાનો લાડકો, ચાર બહેનોનો એકલો ભાઈ. ભણવામાં હોશિયાર, રમત ગમત માં અગ્રેસર – એમ કહીએ કે બધી જ રીતે એક સંપૂર્ણ છોકરો.
રમત ગમતમાં કબડ્ડીનો બહું શોખ અને સારો ખેલાડી પણ ખરો. એક કબડ્ડીની મેચ રમતા સમયે તેના જીવનમાં હમેશાં માટે સન્નાટો લાવી દીધો. રમતા રમતા સામેની ટીમમાં રેડ કરતા સમયે તેને ઘેરી લેતા, મૌલિકના ડાબા કાનની નસ પર બધા જ ખેલાડીઓનો ભાર આવતા, એમાં ત્યાં ને ત્યાં જ એ સુન્ન થઈને સૂઈ રહયો. તાત્કાલિક શાળાના મેનેજમેન્ટ દ્વારા તેને દવાખાને ખસેડવામાં આવ્યો.
બે થી ત્રણ કલાક ખાસ્સું તેનું ચેક અપ ચાલ્યું અને હોસ્પિટલની બહાર એકદમ બધા ચૂપ, એકબીજાની સામે જોવે અને એક અજીબ સન્નાટો. ડોક્ટર બહાર આવ્યા અને મૌલિકના માતા – પિતાને પોતાની કેબિનમાં બોલાવીને પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કર્યા. મૌલિક જેના એક અવાજથી તેનું આખું ઘર જે ગુંજી ઊઠતું, આખી શેરી તેના રમતના ઘોંઘાટમાં સાત સૂર પુરાવતી, તેના શિક્ષકો બધા જ આ સમાચાર સાંભળીને ચોંકી ઉઠયા કે મૌલિક હવે એક કાને સાંભળી નહીં શકે અને ધીરે ધીરે એની અસર બીજા કાન પર થશે અને આગળ સમય જતાં સાંભળી ના શકવાના કારણે તે મૂંગો પણ થઈ શકે છે. અચાનક આવેલા આ વાવાઝોડાએ બધુ વેરવિખેર કરી નાખ્યું અને બધુ જ સંભળાતું, દેખાતું હોવા છતાં એકદમ સુન્નમય સન્નાટો!
મૌલિક એમ કાઇ હિંમત હારે તેવો હતો નહીં, ઘરના બધા જ ભલે હિંમત હારી ગયા, મિત્રો ભલે દુખી રહ્યા પણ મૌલિક તો એમ જ સામાન્ય રોજની જેમ જ હતો. તેને તેના પર વિશ્વાસ હતો કે તે આ મુસીબતનો સામનો ચોક્કસ કરશે. સમય વિતતો ગયો, વધુ ને વધુ કપરી પરિસ્થિતિ બનતી ગઈ અને મૌલિક માત્ર ૧૭ વર્ષનો એક યુવાન છોકરો પણ હિંમત હારવા લાગ્યો, જ્યારે એ સામાન્ય રોજબરોજના કામ ના કરી શકતો. તેને પણ થયું તેના માટે હવે આ દુનિયા એક અંધારી ગુફા છે અને તેનું જીવનમાં આ સન્નાટો હમેશાં માટે વસવાટ કરી ચૂક્યો છે.
સાંજના સમયે તે બગીચામાં ચાલતા ચાલતા બાજુના તળાવમાં પત્થર ઘા કરે છે અને ત્યાં તેની નજર અમુક અનાથ ભિખારી બાળકો પર પડે છે. તેઓ બધા જ આ દુનિયાએ તરછોડેલા બાળકો છે, છતાં પણ એકબીજાનો સાથ મેળવીને કેટલા ખુશ છે. તેમના જીવનમાં તો ખુશીઓનો પૂરેપૂરો સન્નાટો છે તો પણ તેઓ તે સન્નાટાને તેઓના હાસ્યના, તેઓની મિત્રતાના મીઠા મધુર અવાજથી દૂર કરે છે.
મૌલિક ત્યાં ઊભો ઊભો ઘણીવાર સુધી એ દ્રશ્ય જોયા કર્યો અને અચાનક એક નાના બાળકએ તેનો હાથ પકડીને તેને પૂછ્યું, “શું થયું? કેમ આમ રડો છો? તમારા કોઈ મિત્ર નથી? અમારી સાથે મિત્રતા કરશો?” મૌલિકને કાને એકપણ શબ્દ સમજાયો નહીં પરંતુ તે મનની લાગણી સમજી ગયો અને તેના મન પર જે નકારાત્મકતાનો સન્નાટો છવાયેલો હતો તે દૂર કરી તે બાળકને એને જવાબ આપ્યો, “મને તમારો મિત્ર બનીને રોજ તમારી સાથે અહી રમવું છે, શું તમે મને રમાંડશો? મિત્ર બનાવશો?” પેલો નાનો બાળક, મૌલિકનો હાથ પકડીને તેની ટોળી પાસે લઈ ગયો અને કહ્યું, “આપણો નવો સાથી છે અને આપણી સાથે રમશે હવે.” બધા જ નાના ભૂલકાઓ ખૂબ ખુશ થઈ ગયા અને મૌલિકને વચ્ચે રાખી એકબીજાના હાથ પકડી ગોળ ગોળ ફરવા લાગ્યા.
મૌલિકને આ જોઈને આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા અને એ આંસુ એના જીવનના છેલ્લા આંસુ હતા કારણ કે એ આંસુઓએ તેના જીવનમાં રહેલા સન્નાટાને ધોઈ નાખ્યો હતો.