નમસ્કાર દોસ્તો,
હું છું આદિત શાહ. નભોમંડળના નવરત્નો કોલમની અગાઉની શ્રૃંખલામાં આપણે જે તે ગ્રહો વિશે મૂળભૂત જાણકારી મેળવી. લાલ કિતાબ જ્યોતિષ શું છે? તે કેવી રીતે કાર્ય કરે છે ? તેનાથી ફાયદો શું ? તેને કેમ અપનાવવું જોઈએ ? તેમાં ગ્રહોની ગણતરી કેવી રીતે થાય છે ? કયા સ્થાનમાં કયા ગ્રહો ઉચ્ચના કે નીચના થાય છે ? – એ તમામ બાબતો વિશે માહિતી મેળવી. ત્યાર બાદ તેના બીજા ભાગમાં સૂર્યાદિક નવ ગ્રહો વિશે જાણકારી મેળવી. હવેથી આપણે દર સપ્તાહે જે તે ગ્રહના ભાવસ્થ ફાળો વિશે જાણકારી મેળવીશું.
મિત્રો, આજે આપણે જે ગ્રહ વિશે ચર્ચા કરવાના છીએ, તે છે દેવગુરુ બૃહસ્પતિ – આપણું જ્ઞાન અને આપણા જીવનમાં રહેલી સ્થિરતા જેના પ્રભાવ હેઠળ આવે છે તે બૃહસ્પતિ. આપણા શરીરમાં જે પ્રાણ રહેલા છે તેના કારક ગ્રહ બૃહસ્પતિ છે. પીળા રંગ ઉપર બૃહસ્પતિનો પ્રભાવ જોવા મળે છે. પીળું વસ્ત્ર, પીળું અનાજ, ચણાની દાળ, સોનું, પીપળો, હળદર, પીળા ફૂલો, કેસર, ગુરુ, પિતા, વૃદ્ધો અને વડીલો, પૂજારી, ભણતર અને પૂજાપાઠ, વગેરે તમામ બાબતો પર બૃહસ્પતિનું આધિપત્ય છે. હવે એ જોઈએ કે બૃહસ્પતિ આપણા જીવનમાં તેમજ આપણી જન્મકુંડળીમાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે તો એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વ્યક્તિ પાસે બધું જ સુખ છે, સંપત્તિ છે, ધન છે, વૈભવ છે, ઐશ્વર્ય-આરામ-એશોઆરામ-સંતતિ-પત્ની સુખ- આ તમામ વસ્તુઓ છે પરંતુ તેના જીવનમાં સ્થિરતા નથી. કંઈક ને કંઈક ઉથલપાથલ ચાલ્યા કરે છે, તો શું તે માણસ આ તમામ સુખને માણી શકશે ? ના, નહીં માણી શકે. કેમ ? કારણકે તેના જીવનમાં સ્થિરતા નથી તો જીવનમાં સ્થિરતા લાવવા શું કરવું જોઈએ ? આના માટે આપણે બૃહસ્પતિને શરણે જવું જોઈએ અને તેમના ઉપાયો કરવા જોઈએ પરંતુ તે પહેલા આપણે બૃહસ્પતિને વિસ્તારથી જાણવા પડશે તો ચાલો આપણે આજે જોઈએ કે બૃહસ્પતિ તેમના શુભ પ્રભાવ અને અશુભ પ્રભાવ કેવા સંજોગોમાં અને કેવી રીતે આપે છે. તેમના શુભ તથા અશુભ પ્રભાવને કુંડળી તથા જે તે વ્યક્તિના વ્યવહાર ઉપરથી કેવી રીતે પારખી શકાય ?
આપણા પરિવારમાં રહેલા વડીલો, દાદા, તથા મોટી ઉંમરના બુઝુર્ગ વ્યક્તિઓ ગુરુ સંબંધિત સંબંધીઓ કહેવાય છે. જે જાતકની કુંડળીમાં ગુરુ શુભ સ્થાનોમાં કે શુભ અવસ્થામાં બેસેલો હશે તે જાતકનું શિક્ષણ સંપૂર્ણ હશે. તેણે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન તો મેળવ્યું જ હશે. જો જાતકની કુંડળીમાં ગુરુ નર ગ્રહો સાથે યુતિમાં હશે તો તે હંમેશા પોતાનું ફળ શુભ જ આપશે. જો તે કોઈ સ્ત્રી ગ્રહો સાથે યુતિમાં હશે તો મધ્યમ ફળ આપશે અને જો કોઈ પાપી કે ક્રૂર ગ્રહો સાથે હોય તો જે તે ગ્રહની પ્રકૃતિને અનુરૂપ થઇ પોતાના ક્ષેત્રમાં નીચ ફળ આપશે.
લાલ કિતાબમાં કુંડળીનું બીજું, પાંચમું, નવમું અને બારમું સ્થાન ગુરુનું પાક્કા ઘર ગણવામાં આવેલું છે. જો આ સ્થાનો પૈકી કોઈ પણ એક સ્થાનમાં બુધ, શુક્ર, કે રાહુ એકલા કે યુતિમાં હશે તો ગુરુનું ફળ અશુભ થશે કારણ કે ગુરુના પાક્કા ઘરમાં રહેલા તેના શત્રુ ગ્રહો ગુરુનું ઋણ (ગુરુનો પિતૃદોષ – જેની માહિતી અગાઉના અંકોમાં આપવામાં આવેલી છે.) પ્રસ્તુત કરે છે. રાહુ કે કેતુ જયારે પોતાનો અશુભ પ્રભાવ આપવાના હશે ત્યારે ગુરુ પોતાના સંબંધિત વસ્તુઓ, કારોબાર કે સંબંધીઓ થાકી નિશાની કે અણસાર આપવાનો પ્રયત્ન કરે છે. બારમું સ્થાન એ ગુરુ અને રાહુનું ભેગું સ્થાન ગણવામાં આવ્યું છે. બારમા સ્થાને રહેલો રાહુ જો સારો તો ગુરુ પણ સારો અને બારમે રાહુ ખરાબ તો ગુરુનો પ્રભાવ પણ ખરાબ.
ગુરુ એ દેવોના ગુરુ તથા શુભ પ્રકૃતિ ધરાવનાર ગ્રહ છે. તે પોતે અશુભ હશે તો પણ બીજા ગ્રહો ને મદદ જરૂર કરશે. જો ગુરુ કુંડળીમાં લગ્નથી પાંચમા સ્થાનની વચ્ચે અથવા બારમે હશે તો શનિ અને સૂર્યને મદદ આપશે તથા જો છઠ્ઠાથી અગિયારમા સ્થાનની વચ્ચે હશે તો ફક્ત શનિને મદદ પહોંચાડશે.
હવે આપણે કુંડળીના બારેય સ્થાનોમાં ગુરુની સામાન્ય હાલત વિશે જાણીશું.
પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, નવમા તથા બારમા સ્થાનમાં રહેલા ગુરુ શુભ તથા છઠ્ઠા, સાતમા, દસમા અને અગિયારમા સ્થાને બેસેલા ગુરુને અશુભ જાણવા.
- લાલ કિતાબ મુજબ પહેલા સ્થાનમાં કે લગ્ને બેસેલા ગુરુ મહારાજ મધ્યમ ફળદાયી ગણાય છે. કુંડળીમાં રહેલા અન્ય ગ્રહોની સ્થિતિ મુજબ ગુરુના શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે.
- બીજા સ્થાને બેસેલા ગુરુને જગતગુરુ કહેવામા આવ્યા છે.
- જો કુંડળીમાં ત્રીજા સ્થાને ગુરુ હોય અને બુધ શુભ સ્થિતિમાં હોય તો જાતકને ગર્જના કરતા સિંહ જેવો પરાક્રમી બનાવે છે.
- ચોથે બેસેલા ગુરુ મહારાજ જાતકને સર્વ દિશાઓ થી સફળતા પ્રાપ્ત કરાવે છે.
- પાંચમા સ્થાનનો ગુરુ પૂર્ણ બ્રહ્ન કહેવાય છે. આવા જાતકને ઘેર તેના પુત્રના જન્મ થયાં દિવસથી તેની ખૂબ ચડતી થાય છે.
- છઠ્ઠા સ્થાનના ગુરુ જાતકને વણમાંગે તમામ સુખ અર્પે છે.
- સાતમે ગુરુ એટલા સારા નથી કહેવાયા. જો આ ગુરુ અશુભ પ્રભાવ આપતા હોય તો જાતકનું સંતાન પણ દુઃખી રહે છે. આવા જાતકો જ્યાં સુધી મફતની વસ્તુઓ લીધે રાખે ત્યાં સુધી તેમને દુઃખ રહે છે.
- આઠમે ગુરુ જાતકને દીર્ઘાયુષી બનાવે છે અને ભવિષ્યમાં થનારી કોઈ ઘટના વિશે અગાઉથી જાણ કરાવે છે.
- નવમે ગુરુ હોય તો જાતક યોગી કે અધ્યાત્મ ક્ષેત્રે પ્રગતિ કરે છે.
- દસમે ગુરુ હોય તો જાતકે મહેનત કરીને ધન કમાવવું પડે છે. આવો જાતક ગમે તેટલો આવડત વાળો હોય પણ વગર મહેનતે તેને એક પણ રૂપિયો ના મળે.
- અગિયારમે એટલે કે કર્મ સ્થાનના ગુરુ જાતકને તનતોડ મહેનત કરાવીને પછી જ સફળતાનો સ્વાદ ચખાડે છે.
- બારમે ગુરુવાળા જાતકોએ ધર્મકર્મમાં ખાસ માનવું જોઈએ જેથી તેમનો શત્રુનાશ થતો રહે. જોકે બારમું સ્થાન રાહુનું પણ હોવાથી ઘણી વાર આવા જાતકો ધર્મને નામે દંભ અને આડંબર રચનારા હોય છે. બારમે ગુરુવાળા જાતકો જો કોઈ એજન્સી લઈને ધંધો કરે તો તેમને ચોક્કસ ફાયદો થાય છે.
ઉપરોકત બાબતો ફક્ત તમારી જાણકારી માટે છે. ગુરુની શુભ કે અશુભ પરિસ્થિતિ જાણવા માટે કુંડળીનો વિગતવાર અભ્યાસ પણ એટલો જ જરૂરી છે.
હવે આપણે જોઇશુ કે વ્યક્તિના વર્તન કે શારીરિક લક્ષણો કે જીવનમાં બનનારી ઘટના પરથી કેવી રીતે ગુરુની શુભતા કે અશુભતા જાણી શકાય.
જો ગુરુ શુભ હશે તો જાતકના ઘરમાં વડીલો સ્વસ્થ જીવન અને માન-મર્તબાવાળી જિંદગી જીવતા હશે. આવા જાતકોએ કોઈ સારી ડિગ્રીનો અભ્યાસ પૂરો કરેલ હોય છે. આવા જાતકના તમામ કામો કુદરતી રીતે જ સરળતાથી પર પડી જતા હોય છે. કોઈ પણ બાબત માટે તેમને તરસવું પડતું નથી. પરંતુ જો આ ગુરુને સાચવવામાં કે શુભ સ્થિતિમાં જાળવી રાખવામાં ના આવે તો આનાથી વિપરીત ફળો મળે છે.
જો કોઈ જાતકનો અભ્યાસ અધૂરો રહ્યો હોય, કોઈ પણ કારણોસર તેના ઘરેથી સોનુ ચોરી થવા લાગે, માથામાં શિખાના સ્થાને થી વાળ ખરી જાય, અકાળે વાળ સફેદ થવા લાગે, વગર કારણે તેના વિશે જૂઠી અફવાઓ ફેલાય અને તેને બદનામી વહોરવી પડે તો આ તમામ લક્ષણો ગુરુના અશુભ થવાના છે. જો અચાનક કોઈ જાતક ગાળામાં માળા પહેરવા લાગે અને એ પછી આવી ઘટનાઓ ઘટે તો ચોક્કસ એને ગુરુનો અશુભ પ્રભાવ જાણવો.
ગુરુને શુભ સ્થિતિમાં જાળવી રાખવા નીચે મુજબ ઉપાયો કરતા રહેવું.
- રોજ સવારે કેસરનું તિલક કરવું.
- ગુરુની કોઈ પણ વસ્તુઓ જેમકે સોનુ, પોખરાજ, પીળું વસ્ત્ર, ચણાની દાળ, હળદર અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તક નું દાન કરવું.
- કોઈ પણ કામની શરૂઆત પેહલા પોતાનું નાક સાફ કરવું.
- કોઈ વિદ્વાનની સલાહ લઈને પોખરાજ ધારણ કરવો અને જો તે શક્ય નથી તો પીળા કપડાંમાં હળદરની ગાંઠ બાંધીને તેને પોતાના બાવડાંપાર બાંધવું અથવા પોતાના પોકેટ કે બેગમાં રાખવું.
- પોતાના ઘરમાં અને બહાર પણ વડીલોનું માં સન્માન જાળવવું.
- પીળો રૂમાલ પોતાની પાસે રાખવો
- જો શક્યતા હો તો કોઈ પણ ધાર્મિક સ્થળે સાફ સફાઈ કરવી.
તો ચાલો મિત્રો.. હવે મળીશું આવતા સપ્તાહે.. હવે થી દર સપ્તાહે જાણીશુ કુંડલીના અલગ અલગ સ્થાનોમાં ગુરુ ગ્રહનો શુભાશુભ પ્રભાવ અને તેના ઉપાયો.