ગયા રવિવારે પ્રકાશિત થયેલ મારો લેખ “જીવન તરંગાત્મક છે એટલે જ જીવન છે” અંતર્ગત મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મને મેસેજ કર્યો કે મેડમ બહુ મસ્ત ઉદાહરણ દ્વારા તમે સમજાવ્યું છે કે ખૂબ સહજતાથી જીવનની લાક્ષણિકતા સમજાઈ જાય અને જીવનના વ્યર્થ અફસોસ દૂર થઈ જાય. પરંતુ મેડમ મારી તમને નમ્ર અપીલ છે કે તમે અફસોસ પર કંઈક લખો એટલે આજનો આર્ટીકલ તે વિદ્યાર્થીને સમર્પિત છે.
જીવનમાં લગભગ દરેક વ્યક્તિને કંઈકને કંઈક અફસોસ આજીવન રહેતો જ હોય છે. અફસોસ વગરની વ્યક્તિ સંસારમાં શોધવી કે જડવી મુશ્કેલ છે. જેથી મને થાય કે પ્રથમ એ સમજવું જોઈએ કે અફસોસ કોને કહેવાય? અફસોસ શા માટે થાય છે? એની જીવન પર શું અસર પડે છે? અફસોસ કેટલા પ્રકારના હોય છે એટલે કે કઈ કઈ બાબત માટે સામાન્ય રીતે આપણે અફસોસ અનુભવાય છીએ અને અફસોસથી મુક્તિ શક્ય છે ખરી? જો શક્ય હોય તો કેવી રીતે?
સામાન્ય સમજણ અનુસાર અફસોસ એટલે જીવનમાં કશુંક આપણી મરજી કે ઇચ્છા અનુસાર ન થવું. આપણી આપણા જીવન પાસે કે સંબંધો પ્રત્યે ઇચ્છા કે અપેક્ષા જુદી હોય અને જીવનમાં થાય બિલકુલ વિરુધ્ધ, જે સામાન્ય રીતે આપણને માન્ય ન હોય જેથી અફસોસ જન્મતો હોય છે. સામાન્ય રીતે અફસોસ અનેક પ્રકારના હોય છે જેમ કે અન્ય જેવું સૌદર્ય મરી પાસે નથી, અન્ય જેવું જ્ઞાન, શક્તિ કે ધન નથી, અન્ય જેવું પદ-પ્રતિષ્ઠા કે મોભો નથી, અન્ય જેવા મધુર સંબંધો, પ્રેમ કે હૂંફ નથી વગેરે વગેરે. જીવનમાં મારી સાથે કશું સારું થતું જ નથી, બધા જે સરળતાથી મેળવી લે છે તે કાં તો મને મળતું નથી અથવા જો મળે છે તો ખૂબ મુશ્કેલી બાદ મળે છે, જેથી મેળવ્યાનો આનંદ રહેતો નથી. આવા પારાવાર અફસોસ પાછળ મારી સમજ અનુસાર ત્રણ કારણો જવાબદાર છે.
૧) પરમશક્તિ પરની શ્રદ્ધાનો અભાવ
૨) કર્મના સિદ્ધાંતની યથાર્થ જાણકારીનો અભાવ
૩) “સ્વ”ની સાચી ઓળખનો અભાવ એટલે કે પોતાનું શું છે આ દુનિયામાં તેનું અજ્ઞાન.
જે વ્યક્તિને પરમાત્મા પર ભરોસો છે કે તે જે કાંઈપણ કરશે તે મારા માટે ઉત્તમ અને કલ્યાણકારી જ હશે, તો જીવનમાંથી અફસોસની બાદબાકી ખૂબ સરળતાથી થઈ શકે કેમ કે આપણી પોતાની સમજણ કે જ્ઞાન કરતા વસ્તુની પરખ પરમાત્માને વધુ છે. આપણા માટે શું સારું અને શું ખરાબ તેની વાસ્તવિક સમજ આપણને ક્યારેય હોતી જ નથી. પરંતુ પરમાત્માને તેની ખૂબ સૂક્ષ્મ અને યથાર્થ સમજ છે. ઘણીવાર આપણે જેને ઉત્તમ, કલ્યાણકારી અને લાભદાયી માનીએ છીએ તે વાસ્તવમાં આપણા માટે આવનાર સમયમાં અકલ્યાણકારી, નુકસાનકારક અને પીડાદાયક સાબિત થતું હોય છે એ આપણા સૌનો અનુભવ રહ્યો છે. કેમ કે આપણે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ અને આપણી ઇન્દ્રિયોની શક્તિ ખૂબ મર્યાદિત છે જેથી દેખાય, સંભળાય કે અનુભવાય તે ઘણીવાર સત્ય હોતું નથી. જ્યારે પરમેશ્વર ત્રિકાળ જ્ઞાની છે, તેની દૃષ્ટિમાં એટલું સાતત્ય છે કે તે જીવના જન્મોજન્મના કર્મો, વૃત્તિ અને ઈચ્છાને જાણે છે અને એ અનુસારનું જ આયોજન કર્યા કરે છે. જે આપણી સ્થૂળબુદ્ધિને સમજાતું ન હોવાથી આપણને તે અયોગ્ય લાગે છે અને જીવનમાં આપણે અનેક અફસોસઓને પાળીએ છીએ,પોષીયે છીએ. જે અવિરત આપણને દુઃખી કર્યા કરે છે. આપણે તે અફસોસ દૂર કરવા અવિરત પ્રયત્નશીલ અને સક્રિય રહીયે છીએ. જે સક્રિયતા આપણને થકવી નાખે છે કેમ કે તે અયોગ્ય દિશાનો વ્યર્થ પ્રયત્ન હોય છે જે કદી ફળીભૂત થઇ શકતો નથી જે સમાપ્ત ન થઈ શકે એવી અફસોસની શૃંખલા સર્જે છે અને વ્યક્તિ તેમાં ફસાતો જ જાય છે. અફસોસને દૂર કરવા કે અફસોસમાંથી બહાર નીકળવા ઈશ્વર પર ભરોસો અનિવાર્ય છે. ઈશ્વરશ્રદ્ધા કેળવવાથી જીવનમાં કોઈ પ્રકારનો અફસોસ રહેતો નથી કે જે વ્યક્તિને દુઃખી કરી શકે.
અફસોસ પાછળનું બીજું કારણ કર્મના સિદ્ધાંતનું આપણું અજ્ઞાન છે એટલે કે જન્મો-જન્મના અનેક કર્મો આપણા જીવનમાં અનુકૂળતા-પ્રતિકૂળતા, હર્ષ-શોક, સુખ-દુખ, અંતરાય, વેદના, આસક્તિ સર્જતા હોય છે. હિંદુધર્મ અનુસાર કર્મ ત્રણ પ્રકારના છે, ક્રિયામણ કર્મ, સંચિતકર્મ અને પ્રારબ્ધકર્મ. જે કર્મો આપણે કરીયે છીએ તે જો તરત ફળ આપે તો તે પ્રારબ્ધ બનીને સામે આવે છે. પરંતુ જો તે તાત્કાલિક ફળ આપવા સક્રિય ન બને તો તે સુસુપ્ત અવસ્થામાં પડી રહે છે જેને સંચિત કર્મો કહે છે. પરંતુ તે કર્મો ગમે ત્યારે પાકીને સામે અવશ્ય આવે છે જે વ્યક્તિનું પ્રારબ્ધ ઘડે છે અને પ્રારબ્ધકર્મોનો છુટકારો ભોગવ્યા કે સહન કર્યા વગર થઈ શકતો નથી. જૈનધર્મમાં કર્મોની ખૂબ સૂક્ષ્મ સમજ દર્શાવાઈ છે જેમાં આઠ પ્રકારના કર્મોની છણાવટ છે.
૧) જ્ઞાનાવરણીયકર્મ – કે જે જ્ઞાનની કક્ષા નક્કી કરે છે. જ્ઞાનને ઢાંકતા આવરણની સમજૂતી આપે છે.જે અનુસાર વ્યક્તિને કેટલું જ્ઞાન મળશે? તે કેટલું જ્ઞાન પચાવશે અને કેટલા જ્ઞાનનો લાભ મેળવી શકશે તેનો અંદાજ આપે છે.
૨) મોહનીયકર્મ – કે જે જીવની સંસાર પ્રત્યેની આસક્તિ અને મોહની સમજ આપે છે.
૩) વેદનીયકર્મ – કે જે જીવાત્માનીની સંવેદના નક્કી કરતું મહત્વનું પરિબળ છે. સુખ-દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે જીવને જુદા-જુદા પ્રકારની વેદના આપે છે અને એ વ્યક્તિએ સહન કરવી જ પડતી હોય છે.
૪) અંતરાયકર્મ – જે જીવનમાં કેટલા વિઘ્નો અવરોધો કે અંતરાય આવશે તે અંગેની માહિતી આપે છે. કેટલા અને કેવા અંતરાય (અવરોધો અને વિઘ્નો) જીવનમાં આવશે તેનો આધાર વ્યક્તિના પોતાના અંતરાયકર્મ પર રહેલો છે.
૫) આયુષ્યકર્મ – જે જીવાત્માના જીવનની લંબાઈ નક્કી કરે છે.
૬) નામકર્મ – જે વ્યક્તિના નામ-રૂપ, રંગ, અંગોપાંગ, યશ, સૌદર્ય, સૌભાગ્ય વગેરે નક્કી કરે છે.
૭) દર્શનાવરણીયકર્મ – જે વ્યક્તિના સમ્યક દર્શનને અસર કરે છે જેના કારણે તે વાસ્તવિકતાને સમજી શકે છે. યોગ્ય દર્શનમાં આવરણ ઉભું કરતુ કર્મ એટલે દર્શનાવરણીયકર્મ.
૮) ગોત્રકર્મ – કે જે મનુષ્યની જ્ઞાતિ, વર્ણ, કુળ, ધર્મ, ગોત્ર વગેરે નક્કી કરે.
સામાન્ય રીતે મનુષ્યની શોધના સાત કેન્દ્ર છે જ્ઞાન, પ્રેમ, શક્તિ, સૌંદર્ય, શાંતિ, આનંદ અને અમરત્વ વ્યક્તિ અવિરત આ સાતની ઝંખનામાં જ રચ્યોપચ્યો રહે છે. જે તેના ઉપર જણાવેલ આઠ કર્મોને આધીન છે. હવે જો આમાંનું કશું આપણને ન મળવાનો અફસોસ હોય તો તેનો અર્થ એ છે કે કર્મની થીયરીનું યથાર્થ જ્ઞાન આપણી પાસે નથી. જેથી અમૂલ્ય જીવન આપણે અફસોસમાં વિતાવીએ છીએ. જો કર્મસિદ્ધાંતના યથાર્થ સ્વરૂપને ખૂબ સૂક્ષ્મ રીતે જાણી લઈએ તો જીવનમાંથી અફસોસ દૂર કરવો સહજ અને સરળ બની જાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિને જ્ઞાન, શક્તિ, સફળતા, પ્રેમ, સૌદર્ય, આયુષ્ય, આનંદ, શાંતિ પર્યાપ્ત નથી મળી તેનો અફસોસ હોય છે જે વાસ્તવમાં અન્ય સાથે સરખામણી કરવાથી સર્જાય છે એ દ્રષ્ટિએ દેખાદેખીનો સદંતર ત્યાગ કરવો જોઈએ. વળી જે કંઈ આપણને મળ્યું છે તે આપણા પોતાના કર્મોને આધીન છે એ તો સમજવું જ રહ્યું.
અફસોસ માટે જવાબદાર ત્રીજું સૌથી મહત્વનું કારણ એ “સ્વ”ની સાચી ઓળખનો અભાવ છે. “સ્વ” એટલે “હું” સ્વનું એટલે પોતાનું. આમ આપણને “હું કોણ” અને “મારું કોણ” એ ખબર હોતી જ નથી. પારકા કોણ અને પોતાનું કોણ એ ખબર ન હોવાને કારણે સામાન્ય રીતે પારકાને ખુશ કરવાના ચક્કરમાં પોતાનાની આપણે આજીવન ઉપેક્ષા કરતા રહીએ છીએ. જેને કારણે જીવનમાં સંબંધો દ્વારા જે સુખ, પ્રેમ, સ્નેહ અને હુંફ મળવી જોઇતી હતી તે મેળવી શકતા નથી. વળી સૌથી પીડાદાયક વાત તો એ છે કે આપણા સુખનો આધાર અન્ય પર છે અને “અન્ય” તો હંમેશા અન્ય જ રહેવાના. “અન્ય” કદી સુખનું કારણ ન બની શકે એ દૃષ્ટિએ આપણા સુખનો આધાર આપણા પોતાના (સ્વ) પર હોવો જોઈએ અન્ય પર કદાપિ નહીં. આમ તો આ દુનિયામાં આપણું પોતાનું કે અંગત સંપૂર્ણ ભરોસાપાત્ર આપણા પોતાના આત્મા સિવાય કોઈ જ નથી. “સ્વ”ની ઉપેક્ષા અને અન્યની અપેક્ષા એ જીવનના દરેક અફસોસનું મૂળભૂત કારણ છે. મનુષ્યજીવનની શોધના સાતેય કેન્દ્ર (શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, શાંતિ પ્રેમ, આનંદ અને અમરત્વ) ની પ્રાપ્તિ સ્વની સાચી ઓળખ અને સ્વની પ્રાપ્તી સાથે જ થાય છે. પરંતુ આપણે આજીવન સ્વને ઓળખી કે પામી શકતા નથી જેથી અફસોસ આપણું કિસ્મત બની જાય છે.
એક પુસ્તક “five regrets of my life”માં જણાવ્યા અનુસાર મૃત્યુ પથારીએ પડેલા અનેક લોકોને પૂછવામાં આવ્યું કે તમારા જીવનના પાંચ મુખ્ય અફસોસ વિશે લખો, સંશોધન જણાવે છે કે મોટાભાગના લોકોનો પ્રથમ અને સૌથી મહત્વનો અફસોસ એ હતો કે “અમે અમારી ઇચ્છા પ્રમાણે જીવી શક્યા નથી અને જો ફરી જીવન મળે તો પોતાની ઈચ્છા પ્રમાણે વ્યતિત કરવાની અમારી અદમ્ય ઈચ્છા છે”. આ સંશોધન પરથી સમજાય છે કે વ્યક્તિ આજીવન પોતાની ઈચ્છા પ્રમાણે જીવી જ નથી શકતો એનું એક મુખ્ય કારણ એ છે કે તેને ખબર જ નથી વાસ્તવમાં તેની ઈચ્છા શું છે કારણ કે ક્ષણે-ક્ષણે તેની ઈચ્છા બદલાયા કરે છે. આ જ રીતે જીવન ભટકવામાં પસાર થાય છે અને મંઝિલ પ્રાપ્ત થઈ શકતી નથી. વળી મેં અગાઉ કહ્યું એમ આપણે આપણી દરેક ઈચ્છાપૂર્તિ માટે અન્ય પર આધારિત છીએ. એક તો સ્વની સાચી ઓળખ આપણને છે નહીં અને બીજું જીવનમાં અન્ય બધા જ આપણને અનુકૂળ થઈને રહે અથવા જેના પર તમારી ઈચ્છાપૂર્તિનો આધાર છે એ તમને સંપૂર્ણ સંતોષ આપે એ બનવું લગભગ અશક્ય છે.
જીવનને જો અફસોસમુક્ત કરવા ઇચ્છતા હો તો સ્વને સમજો, સ્વને ઓળખો, પારકા અને પોતાના એવા દ્વંદમાંથી બહાર આવો.
અપેક્ષા, ઉપેક્ષા અને ફરિયાદોના વમળમાંથી બહાર નીકળ્યા વગર જીવનનો સાચો આનંદ શક્ય નથી. આપણું સમગ્ર જીવન વાસ્તવમાં અસંખ્ય અપેક્ષા અને ફરિયાદોમાં જ વ્યતિત થતું હોય છે. અપેક્ષાનો મતલબ જ છે કે તમારા સુખનો આધાર અન્ય ઉપર છે અને અન્ય કદી પોતાના થઈ શકે નહિ. પરંતુ આપણને એ સનાતન સત્ય આજીવન સમજાતું જ નથી અને જ્યારે અપેક્ષા પરિપૂર્ણ થતી નથી ત્યારે અફસોસ અને ફરીયાદોની વણઝાર સર્જાય છે. જેમાંથી વ્યક્તિ ક્યારેય બહાર નીકળી શકતો નથી. આમ “સ્વ”ની ઉપેક્ષા અને અન્યની અપેક્ષા જીવનમાં અનેક અફસોસનું મૂળ કારણ છે. જેથી અન્ય પરની અપેક્ષાને ઓછી કરો, સ્વને ઓળખો કેમ કે એની પ્રાપ્તિ સાથે જીવનની શોધના સાતેય કેન્દ્રો સિદ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. ઇશ્વર પરની શ્રદ્ધાને વધારો જેથી દ્રષ્ટિદોષ દૂર કરી શકાય (આપણને ક્યારેય વસ્તુ કે વ્યક્તિ જેવી હોય તેવી દેખાતી નથી જેને દૃષ્ટિદોષ કહેવાય) અને કર્મસિદ્ધાંતના યથાર્થ સ્વરૂપને સમજો તો મને વિશ્વાસ છે કે દરેકના જીવનમાંથી વિભિન્ન પ્રકારના અફસોસની બાદબાકી અવશ્ય થઈ શકશે.
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ