મનુષ્યને પ્રાપ્ય પરમાત્માની અમૂલ્ય ભેટ એવી જીભ તેની લાક્ષણીકતાના સંદર્ભમાં અનેક રીતે વિશિષ્ટ છે. અન્ય ઇન્દ્રિયોની સરખામણીમાં તે વધુ કાર્યો કરે છે. કદાચ ભગવાનને પણ જીભની તાકાત પર વિશેષ ભરોસો હશે એટલે જ એને એક કરતા વધુ કાર્યો સોંપ્યા છે.
જીભના મુખ્ય બે કાર્યો સ્વાદ અને વાદ, બંને જ ખૂબ અગત્યના અને અનિવાર્ય, જેના પર સંપૂર્ણ માનવજીવનનો આધાર છે. બંનેનો જેટલો વિવેકપૂર્ણ ઉપયોગ એટલું જીવન શાંત, સુરક્ષિત અને સુખી. આપણા શરીરના અનેક અંગોમાંથી શ્રેષ્ઠ અંગ પણ જીભ અને કનિષ્ઠ અંગ પણ જીભ કેમ કે તેનામાં જીવનથી હતાશ અને નિરાશ માણસમાં જોશ, તાકાત અને ઉત્સાહ ભરવાની તાકાત પણ ખરી અને જોશથી ભરેલા ઉત્સાહપૂર્ણ વ્યક્તિને ખતમ કરી નાખવાની એટલે કે સુખીને દુઃખી કરી નાખવાની તાકાત પણ ખરી. વાણીમાં બે પ્રકારની શક્તિ છે એક સર્જનાત્મકશક્તિ અને બીજી વિનાશાત્મકશક્તિ. જેથી જીભનો ઉપયોગ ઊંડી સમજણ સાથે કરવો અનિવાર્ય બને છે. જીભના બંને કાર્યો સ્વાદ અને વાદ અતિ જોખમી છે જેમાં વિવેક અનિવાર્ય છે અન્યથા જીવનમાંથી પીડા અને અશાંતિને દૂર કરવી લગભગ અશક્ય બની રહે. એટલા માટે શાસ્ત્રોમાં વાણીના અનેક નિયમો વર્ણવ્યા છે, ઉપનિષદની દ્રષ્ટિએ મુખ્ય છ નિયમ અને વ્યવહારની દ્રષ્ટિએ કુલ આઠ નિયમ જે આપણે અગાઉના લેખમાં જોઈ ગયા જેથી આજે માનવ જીભની ખાસિયત, લાક્ષણીકતા કે વિશિષ્ટતા પર વાત કરીશું.
જીભની મુખ્ય અગિયાર લાક્ષણીકતા નીચે મુજબ છે :
૧) શરીરના અનેક અંગોમાં શ્રેષ્ઠ અંગ પણ જીભ અને કનિષ્ઠ અંગ પણ જીભ કારણ કે તેનામાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ છે. માનવશરીરની તમામ ઇન્દ્રિયો માત્ર એક જ કામ કરે છે જેમ કે બે આંખો માત્ર એક જોવાનું કામ કરે, બે કાન માત્ર એક સાંભળવાનું અને નાક સૂંઘવાનું પરંતુ એક જીભ બે કાર્ય કરે છે વાદ અને સ્વાદ. આમ જીભ અન્ય કરતાં સંપૂર્ણ ભિન્ન અને મહત્વની છે. કેમ કે જો જીભ તેના બંને કામ સુપેરે કરે તો જ જીવનમાં નિરોગિતા અને શાંતિ બની રહે.
૨) ક્યારેક પ્રશ્ન થાય કે દરેક ઇન્દ્રિયો પર હાડકાનું નિયંત્રણ ગોઠવનાર કુદરતે જીભમાં હાડકું કેમ નહીં ગોઠવ્યું હોય? કોઈ કદાચ વિચારી શકે કે મનુષ્ય અનિયંત્રિત રહે એવું જ કુદરત ઈચ્છતી હશે પરંતુ સમજદાર માણસ જાણે છે કે કુદરતે જીભનિયંત્રણની જવાબદારી બ્રહ્માંડના સમજદાર પ્રાણી એવા મનુષ્ય પર છોડી છે. વળી હાડકાની ગેરહાજરીમાં જીભને મૃદુ રાખવામાં આવે એમ કદાચ કુદરત ઈચ્છતી હોય. આમ જુઓ તો અન્ય ઇન્દ્રિયોની સરખામણીમાં જીભનું નિયંત્રણ આસાન છે કેમ કે ખાવા કે બોલવા ચોક્કસ પ્રયત્ન કરવા પડે છે. તે અન્ય ઇન્દ્રિયોની જેમ અનાયાસે થઇ જતું નથી. જેમ કે ખરાબ વાસ અનાયાસે સૂંઘાય જાય, ન જોવાનું ભૂલમાં જોવાઈ જાય, ન સાંભળવાનું કદાચ ઓચિંતુ કાને પડી જાય, જ્યારે જીભને કુદરતે મુખરુપી દરવાજો આપ્યો છે જેથી અનાયાસે ખાવાનું કે બોલવાનું કાર્ય થઈ જાય એવું કદી બની શકે નહી. આ દ્વારા ઈશ્વર સમજાવે છે કે ખાવા અને બોલવા જેવા કાર્યોમાં હંમેશા વિવેક જાળવવો.
૩) આરોગ્ય અને આયુષ્યની બાબતમાં જીભ ઘણી જ પુણ્યશાળી છે વૃદ્ધાવસ્થામાં દરેક ઇન્દ્રિયો નબળી પડે છે. આંખે ઝાંખપ આવે છે. કાને બહેરાશ, દાંત ઢીલા પડે, હાથ-પગ ધ્રુજે પરંતુ જીભની શક્તિ હણાતી નથી. ઉમર સાથે કદાચ બોલવાના અને ખાવાના ચટાકા વધે છે. વળી મેડિકલ સાયન્સ એ ઘણી પ્રગતિ સાધી છે. આંખો, કિડની, દાંત બદલી શકાય છે. નાક અને કાનની પણ પ્લાસ્ટિક સર્જરી કરી શકાય છે. પરંતુ જીભ જીવનના અંત સુધી ઓરીજનલ જ હોય છે. જીભની આ અસલિયત તેને સર્વ અવયવોમાં ગૌરવભર્યું સ્થાન અપાવે છે. જેથી યોગ્ય ઉપયોગ દ્વારા તેનું ગૌરવ જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જીભ સખણી રહેતી જ નથી એટલે જ તો કદાચ જીભના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર જોવા મળતા નથી. કેમ કે ખોટો અપજશ કોણ પોતાના શિરે લે? જીભનું રીપેરીંગ પણ શક્ય જ નથી અને જો કરવું હોય તો વ્યક્તિ પોતે જ કરી શકે અન્ય (કોઈ ડોકટર) તેમાં કંઈ ખાસ મદદરૂપ થઈ શકે નહીં.
૪) જીભ સમગ્ર શરીરની પારાશીશી છે જીભને જોઈને શરીરની સમસ્યાઓનું અનુમાન લગાવી શકાય છે. એટલે તો બીમાર માણસની ડૉક્ટર કે વૈદ સૌપ્રથમ જીભ તપાસે છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દનું સૂચન કરે છે. જીભમાં વચ્ચે છારી અપચો કે પેટના રોગ દર્શાવે છે. ફિક્કી જીભ પાંડુરોગનું સૂચન કરે છે. જાડી અને સુજી ગયેલ જીભ હોજરી તથા મજ્જાતંતુનો વિકાર દર્શાવે છે. જીભ પર પીળા રંગનો થર પિત્ત વિકાર બતાવે છે. કાળા ઝાંખા ભૂરા રંગનું પડ તાવની નિશાની છે. જીભ સીસાના રંગ જેવી થઈ જાય તો મૃત્યુ નજીક હોવાનું સૂચન કરે છે. આમ જીભ આખા શરીરનું દર્પણ છે. સામુદ્રિકશાસ્ત્ર પણ માનવીના લક્ષણો તપાસવામાં જીભનો ઉપયોગ કરે છે. પેટ બગડે ત્યારે જીભ પર ચાંદા પડી જાય છે તે જોઈને કુદરતના ન્યાયતંત્ર પર ઓવારી જવાય છે કેમ કે જીભના તોફાનને કારણે જ પેટમાં બગાડો થાય છે જેથી તેને તેના ગુનાની સજા મળે છે. પેટ અને શરીરનો બગાડો જેમ જીભની છારી પરથી જણાય છે. તેમ મન અને જીવનનો બગાડો જીભ દ્વારા આવતા શબ્દો દ્વારા વર્તાય છે. ટૂંકમાં જીભ મનુષ્યની શારીરિક અને માનસિક તંદુરસ્તીનો ઘણો બધો તાગ આપી દે છે.
૫) મનુષ્ય તેના નાક, કાન, હાથ-પગ, પરથી ભલે જલ્દી ન ઓળખાય પરંતુ જીભ દ્વારા થતા ભોજન અને ભાષણ પરથી ઓળખાય છે. જીભ એ માણસની કક્ષાનું માપ કાઢતું થર્મોમીટર છે. એટલે જ કદાચ શરીરનું ઉષ્ણતામાન જાણવા દર્દીની જીભ નીચે થર્મોમીટર મુકાય છે. માત્ર શરીરનું જ નહીં મગજના ઉષ્ણતામાનનું માપ પણ જીભ પાસેથી સહજ જાણવા મળી જાય છે.
૬) ચંચળતા એ જીભની ખાસિયત છે. આંખ તેના ખાડામાંથી ક્યારેય બહાર નીકળતી નથી. નાક બિચારું હંમેશા સ્થિર રહે છે. કાન અને દાંતને પણ ત્યાંના ત્યાં જ ચોટેલા રહેવાનું. પરંતુ જીભ ગમે ત્યાં હરીફરી શકે, લાંબી ટૂંકી થઈ શકે, બખોલમાંથી બહાર આવી શકે, વળી મુખના સૌંદર્યનો આધાર પણ ઘણો જીભ પર અવલંબિત છે. જીભ બહાર નીકળેલી હોય તો ચહેરો રૌદ્ર લાગે અને અંદર હોય તો સૌમ્ય લાગે.
૭) લાગણી અને ભાવો વ્યક્ત કરવા પણ જીભનો ઉપયોગ થાય છે જેમ કે આશ્ચર્ય અને ખેદની લાગણી વ્યક્ત કરવા તેને બહાર કાઢો, અન્યને ચીડવવા તેનો જુદી રીતે ઉપયોગ કરો વગેરે વગેરે.
૮) હવે જોઈએ જીભના સ્વાર્થીપણાની વાત, એક ચિત્ર અનેક લોકો જોઈ શકે. એક ફૂલ અનેક લોકો સૂંઘી શકે. પરંતુ વાનગીના એક જ પિંડનો સ્વાદ એકથી વધુ લોકો માણી શકે નહિ. આમ અન્ય ઇન્દ્રિયો ઉદાર જયારે જીભ સંકુચિત છે.
૯) પ્રતિભાવ વ્યક્ત કરવાની અધીરાઈ પણ જીભ જેટલી બીજી કોઈ ઈન્દ્રિયોમાં નથી. પ્રિય વાનગી સામે આવતા ખાધા પહેલા જીભમાંથી પાણી છૂટે તેમજ ગમતું કે ન ગમતાની બાબતમાં વાણી દ્વારા પણ પ્રતિભાવ ત્વરિત આવે. આમ જીભ તેના બંને કાર્યો કરવામાં ખૂબ અધીરાઈ દર્શાવે જે અતિ જોખમી હોવા છતાં મનુષ્ય તેના પરના નિયંત્રણના અભાવે ઘણા દુષ્પરિણામો ભોગવે છે. સમગ્ર વિશ્વની ગતિશીલતાનો યસ જીભને અપાયો છે. તેના વિવેકપૂર્ણ ઉપયોગથી સમગ્ર જગત શાંતિનો શ્વાસ લઈ શકે છે.
૧૦) માત્ર ઝેરી પ્રાણીઓ જેવા કે સાપ અને વીંછીમા જ ઝેર હોય છે એવું નથી, મનુષ્યની તો જીભમાં પણ ઝેર હોય છે જે આપણે વાણીના અનેક અનુભવો પરથી જીવનભર અનુભવ્યું છે. એટલે જ તો રાતભર મુખમાં ધાન્ય રાખીને સવારે બહાર કાઢતા વિષમય બની જાય છે જે આ વાતની વૈજ્ઞાનિક સાબિતી છે.
૧૧) તોફાની મિજાજવાળી જીભને અંકુશમાં રાખવા માટે કુદરતે દાંતની રચના કરી છે પરંતુ જીભની ઉંમર મનુષ્યની ઉંમર જેટલી જ હોય છે જ્યારે દાંતની આવરદા તેના કરતા ઓછી હોય છે. કેમ કે તોફાની મિજાજવાળી જીભની પહેરેદારી કરતા કરતા તેઓ ખતમ થઇ જાય છે. ઢીલીપોચી લાગતી જીભ મજબૂત અને તીક્ષ્ણ એવા દાંતનો ફૂરચો બોલવા શક્તિમાન છે. હાડકું ન હોવા છતાં ભલભલાના હાડકા ખોખરા કરી નાખવાની તાકાત જીભમાં છે.
આવી જીભની તાકાતને સમજી તેનો હિતકર ઉપયોગ કરવાની સલાહ ધર્મશાસ્ત્રો આપે છે જે મારી દ્રષ્ટિએ ખૂબ વૈજ્ઞાનિક છે. કોઈ પણ ઇન્દ્રિયોના દુરુપયોગથી નુકસાન માત્ર વ્યક્તિને પોતાને જ સહન કરવું પડે છે જ્યારે અનિયંત્રિત જીભ અનેકોના સુખ-શાંતિ હણી લે છે. જેથી શબ્દોનું સૌંદર્ય સમજી, વાણીના નિયમોનું પાલન કરવું, સમગ્ર સમાજના હિતમાં છે તે કદી ન ભૂલવું.
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ