રૂપિયો નબળો પડવામાં દેશના વેપાર ખોટનું યોગદાન
છેલ્લા 75 વર્ષોમાં રૂપિયાની નબળાઈ પાછળ અનેક પરિબળો કારણભૂત છે. આ માટે દેશની વેપાર ખાધ મહદઅંશે જવાબદાર છે. દેશની વેપાર ખાધ હાલમાં 31 બિલિયન ડોલરની વિક્રમી ઊંચી સપાટીએ છે, જે ભારતની આઝાદીના શરૂઆતના સમયગાળામાં કંઈ ન હતી. રૂપિયો નબળો પડવા પાછળ તેલના ઊંચા આયાત બિલનો પણ મોટો ફાળો રહ્યો છે. આંકડાઓ અનુસાર, આઝાદી બાદ રૂપિયામાં લગભગ 20 ગણો ઘટાડો થયો છે.
છેલ્લા 75 વર્ષમાં રૂપીયાનું પ્રદર્શન
1966 સુધી, ભારતીય ચલણ બ્રિટિશ પાઉન્ડ સાથે જોડાયેલું હતું, જેનો અર્થ છે કે, યુએસ ડૉલરને પ્રમાણભૂત વૈશ્વિક ચલણ તરીકે અપનાવવામાં આવ્યું તે પહેલાં રૂપિયો યુએસ ડૉલરને બદલે પાઉન્ડ હતો. સેન્ટર ફોર સિવિલ સોસાયટી માટે દેવિકા જોહરી અને માર્ક મિલર દ્વારા પ્રકાશિત પેપર મુજબ, બ્રિટિશ ચલણનું 1949માં અવમૂલ્યન થયું હતું અને ભારતીય રૂપિયો પાઉન્ડની બરાબરી પર રહ્યો હતો. 1966માં સૌપ્રથમ રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું અને યુએસ ચલણ સાથે પેગ કરવામાં આવ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર, સાઠનો દશક ભારત માટે ગંભીર આર્થિક અને રાજકીય તણાવનો સમયગાળો હતો. 1965-66માં નબળા ચોમાસાને કારણે અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો.