એક માન્યતા છે કે શિયાળામાં ડ્રાયફ્રુટ ખવાય. ખરેખર એવુ નથી હોતુ કે માત્ર શિયાળામાં જ ડ્રાયફ્રુટ ખવાય. ડ્રાયફ્રુટ ગમે તે સિઝનમાં ખાઈ શકાય છે. દરેક ડ્રાયફ્રુટનાં અલગ અલગ ફાયદા હોય છે. તેમાં આજે આપણે જાણીશું અંજીર વિશે. અંજીરમાં રહેલી ન્યૂટ્રીશનલ વેલ્યું વિશે અને આપણા શરીરને થતા ફાયદા વિશે વાત કરીશુ. અંજીરમાં ફાઇબર ખુબ સારા પ્રમાણમાં જોવા મળે છે, 4 થી 5 અંજીર આશરે 5ગ્રામ જેટલું ફાઇબર ધરાવે છે,ઉપરાંત તેમાં વિટામિન A,આયર્ન ,વિટામિન B1,કેલ્શિયમ,સોડિયમ,ફોસ્ફરસ,મેન્ગેનીઝ,વિટામિન B2 વગેરે પોષકતત્વો રહેલા છે.
➤ અંજીર પેક્ટિન નામનું તત્વ ધરાવે છે જે,શરીરની વધારાની ચરબીનો નિકાલ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. તેમાં રહેલું ફાઇબર પેટ માટે લેગેઝેટિવ જેવું કાર્ય કરે છે. તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે,તેમાં ફેનોલ,ફેટ્ટી એસિડ,ઓમેગા 3,વગેરે આવશ્યક તત્વો હોવાથી હૃદયને લગતી બીમારી અટકાવે છે.
➤ મોનોપોઝ દરમ્યાન મહિલાઓ અનેક નાનીમોટી પીડાઓનો સામનો કરતી હોય છે જેમકે, ચીડિયાપણું, પાચનની સમસ્યા, હોર્મોનસ બેલેન્સ ન રહેવા વગેરે, સમસ્યામાં અંજીર ખાવાથી રાહત મળે છે. તે બ્રેસ્ટ કેન્સરને રોકવા મદદ કરે છે.
➤ કબજિયાતને દૂર કરવા અંજીર અકસીર ઔષધ માનવામાં આવ્યું છે. તેમાં રહેલા ફાઇબર કબજિયાતને દૂર કરી પેટને લગતી અન્ય સમસ્યાઓથી પણ બચાવે છે. જો લાંબી બીમારી પછી શરીર એકદમ કમજોર બની ગયું હોય તો,અંજીર નવી શક્તિનો સંચાર કરે છે અને વજન વધારવામાં પણ મદદ કરે છે. દૂધ સાથે અંજીર લેવાથી શરીર માટે વધુ ફાયદાકારક રહે છે.
➤ તેમાં રહેલું પોટેશિયમ શરીરમાં રહેલી શુગરનું પાચન કરવામાં મદદ કરે છે અને સાથે જ શરીરમાં શુગર લેવલ જાળવી રાખે છે. અંજીરના પાન ઈન્સુલિનનું પ્રમાણ ઓછું કરે છે જેથી, ડાયાબિટીસ પણ નિયંત્રિત કરી શકે છે.
ઉપરોક્ત ફાયદા ઉપરાંત પણ અંજીર ત્વચા,આંખ અને વાળ માટે પણ તેટલું જ લાભકારક છે. દિવસ દરમ્યાન માત્ર 3 થી 4 અંજીર લેવાથી પણ આપણા શરીરમાં નવી શક્તિનો સંચાર અચૂક થશે.