આ વખતે તો ગમે તે થાય ૩૫ માર્કસ તો લાવી જ દેવા, બાકી આ વખતે પણ નાપાસ થઈશું, જયે કિશનને કીધું.
હા એલા.. બે વરસથી ૧૦મું કરીએ છીએ, જો આ વખતે સરખું નઈ કરીએ તો ૧૦મું આપણું ૧૨મું કરી નાખશે. કિશનએ જયની વાત ઉપર એની ટિપ્પણી મૂકી.
થોડા દિવસો વીત્યા અને પરીક્ષાની તારીખ પણ આવી ગઈ, પણ બંને હજુ વાતોમાં અને ગામના પાદરે આવેલ ઓટલાઓમાં જ વ્યસ્ત હતા. હા, પણ ૩૫ માર્કસ લાવવાની વાત હજુ ભુલાય ના હતી. આ ૩૫ માર્કસની વાત પરિણામ આવવા સુધી ફક્ત વાત બનીને જ રહી ગઈ. અહીં થયું એવું કે, બંનેએ કર્મનું ફળ તો નક્કી કરી લીધું હતું પણ કર્મને પ્રાપ્ત કરવા જે જવાબદારીઓ માથે લેવી પડે એમ હતી એ ના લીધી. આમ જ આપણે પણ કેટકેટલા પ્લાન અને કેટકેટલા સપનાઓ ધારીને જીવન જીવીએ છીએ. પણ ખરેખર આપણને શું ખબર છે કે એ કર્મને, સપનાને મેળવવા આપણે શું શું જવાબદારીઓ માથે લેવી પડશે? અને સત્ય તો એ છે કે, આપણે કૈક ઊંડાઈએ જાણીએ પણ છીએ કે કેવા કેવા પ્રકારની જવાબદારીઓ માથે લેવી પડે છે, પણ આખરે જવાબદારીઓ માથે લેવી ગમે કોને!
જીવનમાં કંઈ કેટલી નતનવીન વસ્તુઓ આપણે કરવી હોય છે. પણ જ્યારે નક્કી કરેલી વસ્તુઓને પામવા મહેનત કરીએ તો કોઈને કોઇ કારણોસર આળસ વચ્ચે આવી જાય અને મહેનતમાં ભંગ પડે. અહીં મહેનત એટલે બીજું કંઈ નહીં, મહેનત એટલે જવાબદારી! ઘણીવાર બને એવું કે કોઈ સફળ વ્યક્તિને જોઈને આપણા ખિસ્સે થોડો ઉમંગ ચઢે કે આપણે પણ આ વ્યક્તિ જેવું બનવું છે. પણ એ વ્યક્તિ જેવું બનવા કેટકેટલી જવાબદારીઓ માથે લેવી પડે, એ બધી જવાબદારીઓને શું સહન કરી શકીશું?
આજે ખુદના ફોનની ફોનબુક ખોલીએ તો એમાં હજાર જેટલા લોકોના નામ સુંદર રીતે આંખોની સામે વંચાઈ આવે. પણ શું એ બધા સાથેના આપણા સંબંધો સરખા હશે? ના, નહિ હોય. કારણ કે, બધા પાસે એકસરખી જવાબદારી આપણે નથી નિભાવી શક્યા.
રોજબરોજ આપણે સૌ એક વસ્તુને અનુભવીએ છીએ અને એ ઉપરથી એક પ્રશ્ન પણ ઉદભવે કે, જવાબદારીના બોજ નીચે જે માણસ દબાઈ જાય, શું એ સફળ બનશે? ના, સત્ય તો એ છે કે, જવાબદારીને માથે ઉપાડી જિંદગીમાં ડગ ડગ ડગલાં માંડે એ વ્યક્તિ સફળ બની શકશે. બાકી જવાબદારી નિભાવતા તો કેટલાય લોકોને આપણે જોતા હઈશું, પણ શું બધા સફળ છે! “જવાબદારી એટલે એક સજા નહિ, પણ જીવનમાં સફળ થવા માટેનું ડગલું”, જો આવું વિચારીને જવાબદારીને સ્વીકારીશું તો સફળતાની હદ પણ આપણને પામીને સફળ થઈ જાશે.
દીપ ગુર્જર