ઉતરાયણ આવી રહી છે એટલે બધા પતંગપ્રેમીઓનો ઉત્સાહ આસમાન પર હશે, સાચું ને? ઘણા બધાએ તો પતંગ – દોરા ની ખરીદી પણ કરી લીધી હશે. તો ઘણા હવે કરવાના હશે. ઉતરાયણના દિવસે રંગબેરંગી પતંગોથી ભરેલું આકાશ કેટલું સુંદર લાગે! પણ ઉતરાયણના બીજા દિવસે આપણી મહેરબાનીથી ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા પક્ષીઓનો આંકડો સાંભળતી વખતે કદાચ આપણને દુઃખ નહીં થતું હોય કેમ કે, જો દુઃખ થતું હોત તો આપણે પતંગ ચગાવવા માટે પાક્કા દોરાઓનો ઉપયોગ ક્યારેય ન કરત.
આપણે માણસો પણ કેટલા વિચિત્ર છીએ; નિર્જીવ પતંગોને આકાશમાં સૌથી ઊંચી ઉડાડવાની હોડમાં સજીવ પક્ષીઓને આકાશની ઊંચાઈએથી જમીન પર પટકીને નિર્જીવ બનાવી દઈએ છીએ, પણ કદાચ આપણે પાક્કા દોરાઓનો ઉપયોગ એટલે નથી ટાળી શકતા કારણ કે, આપણે આપણી પતંગને કપાતા નથી જોઈ શકતા કેમ કે, એની સાથે આપણો અહમ્, આપણી ખુશી જોડાયેલ હોય છે. માટે જ આપણને નિર્દોષ પક્ષીઓની ડોક અને પાંખો કપાતા જોઈને જરા પણ અફસોસ નથી થતો. અહીં પ્રશ્ન એ થાય છે કે શું આપણી ક્ષણીક ખુશી કોઈના જીવનના અંત કરતા મોટી હોઈ શકે?
હવે આપણને એમ પણ થાય કે જો પક્ષીઓ ઘાયલ થઇ જાય તો તેમના માટે સારવાર પણ ઉપલબ્ધ છે જ પરંતુ આ તો પહેલા ઘા આપીને પછી મલમ લગાવવા જેવું થયું. જો કોઈ ડોક્ટર ને જોડે લઈને આપણી પાસે આવે અને પહેલા આપણને મારીને પછી આપણી સારવાર કરાવે તો શું તે આપણને મંજૂર હશે ? ચોક્કસ પણે નહીં જ હોય.
માણસ,પશુ કે પક્ષી બધા માં જીવ તો સરખો જ હોય છે માત્ર ખોળિયા અલગ હોય છે, પણ ખબર નહીં કેમ આપણને પક્ષીઓના અમુલ્ય જીવ ની સરખામણીમાં આપણી ક્ષણીક ખુશી કેમ વધુ મહત્વ ની લાગતી હોય છે. પાછું આપણને એમ પણ થાય કે જો માત્ર આપણે જ પાક્કા દોરાઓની બદલે કાચા દોરાઓથી પતંગ ચગાવીશું તો તેના થી શું ફેર પડશે? બાકી બધા તો પાકકા દોરાઓ થી ચગાવશે જ પણ જો બધા એમ જ વિચારતા હોય તો! એટલા માટે જ સોચ બદલો દેશ બદલો. માત્ર ઉતરાયણના દિવસે SAVE BIRDS ના મેસેજ ફોરવર્ડ કરવાથી કંઈ નહીં થાય. ખરેખર તો પક્ષીઓને બચાવવા માટે દરેકે દરેક વ્યકિત એ પોતાનું યોગદાન આપવું પડશે.
જરા વિચાર કરી જોજો, એક વખત કપાયેલી પતંગ પાછી ઉડાડી શકાશે પણ એક વખત પાંખો કપાઈ ગયેલું પક્ષી પાછું કયારેય નહીં ઉડી શકે.
Related