તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.
તેમની મૂળ અવટંક શાહ હતી, પણ પોતાના ગામ બોટાદ પરથી તેમણે ‘બોટાદકર’ અવટંક અપનાવી. એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫), ‘ચંદન’ મળ્યા છે. ‘રાસતરંગિણી’ ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે.
ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે. એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિવ્યર્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે. રામાયણનાં ઓછા જાણીતા પાત્ર ઉર્મિલા વિષેનું ભાવવાહી ખંડકાવ્ય ઉર્મિલા તેમની રચના છે. લક્ષ્મણનાં વનમાં જવાના પ્રસંગને અનુલક્ષીને તેમાં છંદો અને સંસ્કૃત શબ્દોનો સુંદર ઉપયોગ થયો છે. તેમની કવિતામાં દલપતરામ અને ન્હાનાલાલની ઘણી અસર હતી. ગુજરાતી ભાષાના વૈભવને વધારી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર કવિ શ્રી બોટાદકરને એમની જન્મજયંતી પર શત શત ભાવવંદન..