આમ તો આ પત્ર લખવાની જરૂરત નથી, મારી લાગણી તને મેં આ પહેલા જણાવી છે, તો પણ તારી યાદગીરી માટે તને હું મારી લાગણીને શબ્દોમાં કંડારી તને ભેટ રૂપે આપવા માંંગુ છું.
પ્રેમએ એક પવિત્ર લાગણી છે. કોઈને પ્રેમ કરવો એ માણસ હોવાની સાર્થકતા છે.
પોતાના અસ્તિત્વને કોઈના માં સમર્પિત કરી દેવું એ પ્રેમ છે……. કોઈને જોયા વગર ચેન ના પડવું એ પ્રેમ છે…….
કોઈના ચહેરા પર ખુશી જોઈ પોતે દુનિયા જીતી લીધી હોય એવું અનુભવવું તે પ્રેમ છે……. તારું નામ માત્ર સાંભળતા મને આ બધું અનુભવાય છે…….. તને જ્યારે પહેલી વખત જોઈ બસ ત્યારથી હું તારો બની ગયો છું…… પ્રેમ વિશે ઘણું સાંભળ્યું હતું પણ તને જોયા પછી પ્રેમ ઓળખી લીધો અનુભવી લીધો……
મેં તને ઘણીવાર મારા મનની વાત કીધી અને ઘણી રીતે કીધી, તને ખોઈ દેવાનો ડર મને ક્યારેય નહોતો કેમ કે તને પામવાની ઈચ્છા જ નહોતી, બસ હું તો તને ખુશ જોવા માંગતો હતો, હા તારી સાથે જીવન વિતાવવાની ઈચ્છા છે પરંતુ તારી ખુશી મારા માટે મહત્વની છે જો એ ખુશી તને કોઈ બીજું આપી શકે તો હું પણ ખુશ છું.
તું મને પ્રેમ કરે કે ના કરે પણ હું તને હમેશા પ્રેમ કરતો રહીશ અને એ ક્યારેય ખતમ નહીં થાય, સમય સાથે પ્રેમ સઘન થતો થતો મૌન થઈ જાય છે, તારી ફરીયાદ છે આજકાલ હું શાંત રહુ છું શાયદ હવે મારો પ્રેમ સઘન થઈ ગયો લાગે છે. થોડા દિવસો પછી કોલેજ પુરી થઈ જશે, તું અને હું અલગ અલગ રસ્તે પોતાની મંઝિલની ખોજમાં નીકળી પડીશું પણ આ છેલ્લી વાર તને આ પત્રમાં એટલું જ કહીશ કે,
બસ છેલ્લી વાર મને એવી રીતે મળજે કા મને રાખી લે, કા મારામાં રહી જા………
કોલેજ પછી હું તને ક્યાંય નહીં દેખાઉં કે નહીં સંભળાઉ નીકળી જઈશ તારા જીવનમાંથી એક ગુમનામ સપનું બનીને, તારો પ્રેમ મારા દિલમાં સદાય રહેશે પણ હા હવે તને એ ક્યારેય નહીં દેખાડું હું જઉં છું દૂર બહુ જ દૂર તારા અને તારા શહેરથી પણ આ દિલમાં તારી યાદો હમેશા રહેશે.
જીવનમાં તારા આવ્યા પહેલા ખાલી શ્વાસ લેતો હતો, મારો ગુસ્સો અને નાદાનીયત ભર્યો સ્વભાવ.
આ બે વર્ષમાં જાણે અજાણે પણ તારા લીધે મારામાં ઘણા સારા બદલાવ આવ્યા છે એના માટે હું તારો આભારી છું.
મારી આ સ્માઈલ તારી જ દેન છે………
મારા દિલ, દિમાગ અને આત્મા હંમેશા તને ચાહતા રેહશે, મારા મૃત્યુ સુધી. તારો પ્રેમ પામવો એ મારી જીંદગીનુ સૌથી મોટું સૌભાગ્ય હશે. બસ તુ મારાથી કયારે દૂર પણ થાય તો તું ખુશ રહેવી જોઈએ, જીંદગી ખુબ નાની હોય છે અને આ નાની જીંદગીનો એક એક ક્ષણ હું તારી સાથે વીતાવવા માગું છું. કોઈ ને પ્રેમ કરવા તમે મજબૂર ના કરી શકો પણ પોતે તો એને અંત સુધી અનંત પ્રેમ કરી શકો. બસ તારો જવાબ ના જ છે અને એ મેં દિલથી સ્વીકારી પણ લીધો છે,
હવે તને હેરાન કરવા હું નહીં હોઉં………
છેલ્લે ખાલી એટલું જ કહીશ……..
“અંતે તને કહેવી તો એક જ વાત છે,
તું ધારે એના કરતાં વધારે તું ખાસ છે”