છેલાજી રે
મારે હાટુ મે’હોણાથી માસ્ક મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોતીડાં ચિતરાવજો
મે’હોણાથી માસ્ક મોંઘાં લાવજો
છેલાજી રે……
પોતાની મસ્તીમાંજ અને પોતાની રીતે જ શબ્દો ગોઠવીને હસુમતીબેન ઘરની સાફસફાઇ કરતાં કરતાં ગણગણતા હતાં અને આ બાજુ બેઠકરૂમમાં બેસેલા હસમુખભાઈ ( ઉર્ફે હસુકાકા) સાંભળી ગયા અને તરત જ થોડા ઊંચા અવાજે બોલ્યા: “ચૂપ બેહ છોની મોની, મે’હોણાથી માસ્ક લાવજો વારી ના જોઈ હોય તે મોટી, માસ્કમાં તે વરી મોતીડાં ચોય જોયા’તા….” ના…. ના…. ઊંધું ઘાલી ન બસ ભૈડ ભૈડ કરવું સ તે.
હસુમતી બેને વળતો ઘા કર્યો: ” તે તમારું હું જાય સ, બરાડા તો એવી રીતે પાડો સો જીમ લાઈ ન ઊંધા ના વરી જ્યાં હોય….” ખબર સ ક તમે કોઇ લઈ આલવાના નહિ. તે હું અમાર ગાવાનુંય નઈ….
આ પડકારો સંભાળી હસુકાકા થોડા ઘીમાં પડ્યા અને મનમાં જ બોલવા લાગ્યા: “આ કવિયોય મારા હારા જબરું જબરું લખી દોય સ. ના, ના, કોઈ ભોન જ નહિ પડતું ન, લખી એ બધા અન લઈન અમાર આલવું પડ સ, એવું ઈમ્ન કુણ હમજાવ… અન અમણથી તો મારા દિયોરના બઉ ફાટ્યા સ ગમે ઇમ લખ લખ ન લખ લખ…, લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલુ તન… એ નેના દિયોર ન કુણ હમજાવ ક દીયોર… આ બૈરું ખાલી ઘાઘરો લાખ રૂપિયાનો લેશે તે એ હાલ્લો ચેટલા નો હશે”
ફરી પાછા હસુમતીબેનને ધ્યાનમાં રાખીને બોલ્યા: “આ બધું ઓસુ પડતું હોય ઇમ અમ આ મંડોણ્યો સ ક મે’હોણાથી માસ મોંઘો લાવજો…” દિયોર ખબર જ નહિ પડતી કોય.. ક આ ખાલી પોંચ રૂપિયાનું માસ લેવા સેક મે’હોણા જવાનું હિત્તેર રૂપિયાનું ભાડું બગાડી ન….
માસ મોય પાસી આખા ગોમની જફા. દિયોર હખણું રે જ નઈ. કો’ ક દાડો લબ્બડ ઢીલું થઈ જાય, તો કો’ ક દાડો ટુટી જાય, અન જો ભૂલથી હેમ્લેટ પેર્યું હોય તો તો પત્યું…. માસ પેરી કોઈ દાડો હેમ્લેટ પેરાય જ નઈ… મારું હાળું હેમ્લેટ પેરવા જઈએ, એવું એક બાજુનું માસનું પડખું નેહરી જ જ્યું હોય… આવું બે-તૈણ વાર થાય એટલ એવું મગજ સટક ન…. ક ના પુસો વાત…. પણ આવી બધી આ બૈરો ન ચો ખબર જ પડ સ.. ઈમ્ન તો બસ ગીતો જ ગાવો સ ન……
છેલાજી રે
મારે હાટુ મે’હોણાથી માસ્ક મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોતીડાં ચિતરાવજો
મે’હોણાથી માસ્ક મોંઘાં લાવજો
છેલાજી રે……