નમસ્કાર મિત્રો,
અગાઉના સપ્તાહોમાં આપણે ગુરુ ગ્રહના એકથી પાંચ સ્થાનમાંના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. હવે આપણે જોઈએ કે છઠ્ઠા સ્થાનમાં રહેલા ગુરુ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે.
છઠ્ઠા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
મિત્રો, લાલ કિતાબમાં છઠ્ઠું સ્થાન બુધનું કહેવાયુ છે, જે ગુરુનો શત્રુ ગ્રહ છે. આ સ્થાન પર કેતુનો પણ પ્રભાવ હોય છે. આ સ્થાનમાં બિરાજમાન ગુરુ મહારાજ જાતકને સાધુ સ્વભાવનો બનાવે છે જો કે આવા જાતકો મફતનું ખાવાના શોખીન હોય છે એટલે કે આવા જાતકોનો સ્વભાવ એવો હોય છે કે ફ્રીમાં મળતી કોઈ પણ વસ્તુ તેઓ જતી ના કરે. આવા જાતકો એકદમ સાધારણ જીવન જીવતા હોય છે. જો કુંડલીના બીજા, પાંચમા, નવમા, અગિયારમા અને બારમા સ્થાનમાં બુધ, શુક્ર, શનિ અને રાહુ પાપી અવસ્થામાં ના હોય તો જ જાતકનું જીવન સામાન્ય હોય છે અન્યથા આવા જાતકને પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા તનતોડ મહેનત કરવી પડે છે. જો આ સ્થાનનો ગુરુ શુભ અવસ્થામાં હોય તો જાતકને તમામ વસ્તુઓ વગર માંગે પ્રાપ્ત થાય છે. આવા જાતકોને લોકો તેમના બાપ દાદાના નામથી ઓળખતા અને માન આપતા હોય છે. આવા જાતકને ત્યાં જે દિવસે સંતાન જન્મે એ દિવસથી અથવા જે દિવસે જાતક બુધ સંબંધિત કારોબાર કરે તે દિવસથી તેની બધી આશાઓ નિરાશામાં પરિવર્તિત થાય. આવો જાતક ખોટી આશાઓ ધરાવનાર હોય છે.
હવે આપણે છઠ્ઠા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
છઠ્ઠા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
મિત્રો, જયારે કુંડલીના બીજા, પાંચમા, નવમા, અગિયારમા અને બારમા સ્થાનમાં બુધ, શુક્ર, શનિ અને રાહુ પાપી અવસ્થામાં ના હોય અને જો બીજા સ્થાનથી દ્રષ્ટિપાત ના થતો હોય તો જ કુંડલીના બુધ અને કેતુ શુભ ફળ આપશે. જો પુરુષ જાતકો આ ગ્રહદશા મુજબ જો કેતુ સંબંધિત કારોબાર કરે તો તેઓ ગણેશજીની જેમ માન પામે છે. આવી વ્યક્તિ જોડે આર્થિક રકમ ઓછી જોવા મળે એટલે કે જો એક સાથે સો માણસને જમાડવાના થાય તો આ માણસ જમાડી લે પણ ખિસ્સામાં પાંચ હાજર જોવા ના મળે.
છઠ્ઠા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
જો કુંડળીમાં છઠ્ઠા સ્થાનનો ગુરુ કોઈ પણ રીતે અશુભ અવસ્થામાં હોય અને સાથે બુધ પણ નીચ અવસ્થામાં હોય તો ૩૪ વર્ષ સુધી જાતકનું ભાગ્યચક્ર ઉલટું ફરે છે એટલે કે તમામ કામ તેની ધારણા કરતા અલગ જ થાય છે. જો કેતુ પણ કુંડળીમાં નીચ અવસ્થામાં હોય તો જાતકને હાથમાં ભિક્ષાપાત્ર લઈને ફરતા ફકીર જેવું જીવન વિતાવવું પડે. આવા સમયે કેતુના ઉપાયો શુભ ફળ આપે છે. જ્યાં સુધી આવા જાતકના પિતા જીવે ત્યાં સુધી એને ગુરુનું શુભ ફળ મળે. જો ગુરુ સંપૂર્ણ રીતે અશુભ હોય તો જાતકની નાની ઉંમરમાં તેના પિતા મૃત્યુ પામે છે.
છઠ્ઠા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. જો જાતક બુઝુર્ગોના નામથી દાનકર્મ કરે, નિયત ચોખ્ખી રાખે અને મનથી પવિત્ર રહે તો તેનું જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થાય છે. આવા સત્કર્મોને લીધે તેને પોતાનું જીવનયાપન કરવા તનતોડ મહેનત નહિ કરવી પડે.
૨. કેતુના ઉપાયો કરવા.
૩. કૂતરો પાળવો.
૪. રોજ પીપળાને પાણી આપવું.
૫. પોતાના પત્ની અને પુત્રો સાથે ઇજ્જતથી વર્તવું.
૬. હંમેશા પોતાના પિતાની સાથે રહેવું અને તેમની સેવા કરવી.
૭. શરીર પર સોનુ ધારણ કરવું અથવા રોજ કેસર કે હળદરનું તિલક કરવું.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭