નમસ્કાર મિત્રો,
અગાઉના સપ્તાહોમાં આપણે ગુરુ ગ્રહના એકથી ત્રણ સ્થાનમાંના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. હવે આપણે ચોથા સ્થાનમાં રહેલા ગુરુ મહારાજના પ્રભાવો વિશે ચર્ચા કરીશું.
ચોથા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
सिंहासन विक्रमी ३२ परिया, ब्रह्म पूर्ण कोई अपना हो |
जमीन मुरब्बे दूध की नदिया, शेर सीधा पानी तैरता हो |
मंद शनि बुध ईज्जत मंदी, १० वे पेरी जर डोलता हो |
केतु बुरे शाह लेगा फकीरी, राहु भले सब उन्नत हो |
शुक्र चंद्र औऱ मंगल मोती, दूद्ध भरे त्रिलोकी जो |
नाश बडो का कुल सब होता, ईश्क गंदे जब स्वयं करता हो |
મિત્રો, લાલ કિતાબમાં ચોથું સ્થાન એ ચંદ્રનું છે, જે ગુરુનો મિત્ર ગ્રહ છે. ચોથા સ્થાનમાં ગુરુ ઉચ્ચના થઈને ચાલે છે. આ સ્થાનના ગુરુ જાતકને સંપૂર્ણ સુખ આપે છે. કુંડળીમાં ચંદ્ર, મંગલ, શુક્ર તથા ત્રીજા સ્થાનમાં બેઠેલા ગ્રહો પણ પોતાનું શુભ ફળ આપશે. આવો જાતક પોતાના ગામ, શહેર કે કસબામાં સારું એવું નામ ધરાવતો હશે. પરિવારના લોકો સાથે સારા સંબંધો અને વડીલો તથા આદરણીય લોકોને માન આદર આપવાની ટેવને લીધે લોકોમાં જાણીતો અને પ્રિય હશે. આવા જાતકો ધર્મમાં તટસ્થ, વાયદાના પાક્કા, દરેક ધર્મના લોકોને આદર આપનાર તથા તેમને મદદ કરનારા હોય છે. હસમુખા સ્વભાવ અને પોતાની મહેનતથી ધન કમાવવું – એ ચોથા સ્થાનના ગુરુની મુખ્ય નિશાની છે.
હવે આપણે ચોથા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
ચોથા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ :
આવા જાતકોએ પોતાના અભ્યાસમાં જેટલા પણ પૈસા લગાવ્યા હોય એ તમામ પૈસા પાછા મળે એટલે કે જે પણ ફિલ્ડમાં અભ્યાસ કર્યો હોય એ જ ફિલ્ડમાં કામ કરીને ખૂબ પૈસા કમાય. જો કુંડલીના ૨-૫-૯-૧૨માં સ્થાનમાં બુધ, ગુરુ, શુક્ર કે રાહુ ના બેઠા હોય તો આવા જાતકો ખૂબ નામના મેળવનાર અને સરકાર તરફથી લાભ પ્રાપ્ત કરનાર હોય છે. આવા જાતકો સાહસી અને ૨૪ વર્ષની ઉંમર સુધી પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરનારા જણાય છે. આવા જાતકોને ગુપ્ત ધન, ભેગું કરેલું ધન, બિનવારસી મિલકત વગેરેમાંથી કોઈ પણ રીતે અચાનક ધનલાભ થઇ શકે છે. આવા જાતકોને સામાન્ય રીતે જીવનમાં કોઈ ખાસ જહેમત ઉઠાવવી પડતી નથી. કોઈને કોઈ રીતે તેમને કુદરતી મદદ મળતી રહે છે. જો આવા જાતકની કુંડળીમાં દસમું સ્થાન ખાલી હોય તો આ ગુરુ સૂતેલો ગણવામાં આવે છે એટલે કે ગુરુ મહારાજ ચોથા સ્થાનમાં હોવા છતાં પોતાનું શુભ ફળ આપી શકતા નથી.આ સંજોગોમાં આવા જાતકોએ કોઈની પણ સામે ખુલ્લા શરીરે આવવું ના જોઈએ.
ચોથા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ :
મિત્રો, ઉપરના શ્લોકમાં એક સરસ વાત કહી છે :
“नाश बडो का कुल सब होता, ईश्क गंदे जब स्वयं करता हो”
જો આ કુંડળીમાં બુધ દસમા સ્થાનમાં બેસેલો હોય અને વર્ષફળ અનુસાર બીજા સ્થાનમાં આવે ત્યારે, જો આવા જાતક કોઈ ખોટી વ્યક્તિના પ્રેમમાં પડે એટલે કે લગ્નેતર સંબંધો બાંધે અથવા વ્યભિચાર કરે તો તે પોતે જ પોતાના કુળના નાશનું કારણ બને છે. પોતાની મૂર્ખામીભરી હરકતોને લીધે બધે જ બરબાદ થાય પરંતુ જો આવા સમયે એ પોતાનું ચારિત્ર્ય શુદ્ધ રાખે અને વડીલોની વાત સાંભળીને એ મુજબ સમજી વિચારીને આગળ વધે તો આ ગુરુ ચોક્કસ પોતાનું શુભ ફળ આપે છે. જો આ કુંડળીમાં શનિ નીચ અવસ્થામાં હોય અથવા જો શનિને આપણા કર્મો દ્વારા નીચ કરવામાં આવે એટલે કે સાપને મારી નાખવો, કોઈનું મકાન પચાવી પાડવું અથવા તોડી નાખવું, મજૂરોને તકલીફ એવી અથવા ઠેમના નાણાં રોકી રાખવા, શરાબ અને માંસનું સેવન કરવું તથા પરસ્ત્રી સાથે યૌન સંબંધ બાંધવા – વગેરે જેવા કર્મો કરવામાં આવે તો આ માણસની આંખોની દ્રષ્ટિને તકલીફ આવે છે તથા કેતુનું ફળ પણ ખરાબ થાય છે.
મિત્રો, કોઈ પણ ગ્રહો ક્યારેય ખરાબ હોતા જ નથી પરંતુ આપણા પૂર્વજન્મના કર્મો મુજબ આપણે આપણી જન્મકુંડળીમાં જે તે ગ્રહદશા લઈને જન્મીએ છીએ. જો કોઈ ગ્રહ પોતાનું અશુભ ફળ આપતો હોય તો આપણે ચોક્કસ ઉપાયો અને આપણા કર્મો સુધારીને એ અશુભ ફળને શુભ ફળમાં પરિવર્તિત કરી શકીએ છીએ.
ચોથા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. પોતાના શરીરને કોઈના સામને ખુલ્લું ના કરવું.
૨. પોતાના વડીલોની આજ્ઞા માનવી.
૩. તક મળે ત્યારે સાપને દૂધ જરૂર પીવડાવવું. (અગાઉ કહેલ તેમ મજૂરને દૂધ પીવડાવવું.)
૪. માંસ, મદિરા, પરસ્ત્રીગમનથી દૂર રહેવું.
૫. જો મકાનની આજુબાજુમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય તો તેની અવશ્ય પૂજા કરવી.
૬. ઘરમાં મંદિર હોય તો હટાવી દેવું. (કહેવાનો અર્થ એ છે કે ઘરના મંદિરમાં કોઈ પણ મૂર્તિ ના રાખવી. ભગવાનની છબી રાખીને તેને પૂજી શકાય છે. જે વિદ્વાનો લાલ કિતાબને નથી જાણતા તેઓ કાયમ આ વાક્યનું ખોટું અર્થઘટન કરે છે.)
૭. બુધના પ્રાણી પક્ષી જેવા કે, પોપટ, બકરી, ઘેટું, મેના વગેરે પાળવા નહિ.
૮. પોતાના માતા પિતા, બુઝુર્ગો તથા ગુરુનો હંમેશા આદર કરવો અને તેમને ખુશ કરવા.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭