“મમ્મી, કેટલા વર્ષો સુધી ચાનો પ્યાલો અધૂરો મુકશો?”
મે વૈભવીની ટ્રેમાં કપ મુક્યો અને ખુશીની સાથે કહ્યું,
“તને ખબર છે ને દીકરી, હવે હું ચાનો આખો કપ એમની જોડે જ પીશ.”
તે હસી પડી અને મને આલિંગનમાં લેતા કહ્યું,
“ઓહ હો મમ્મી! તો મારી દુલ્હન આતુરતાથી તેના વરની રાહ જોઈ રહી છે! છેવટે ઇચ્છાઓની બારીઓ ખુલી ગઈ હ..!”
હું મારી પોતાની દીકરીથી શરમાઈ ગઈ.
વધુ કમાવવા અને પરિવારને સારું જીવન આપવાની ઉત્કટતા, મારા પતિ વિરાજને વિદેશ લઈ ગઈ. પરંતુ કાયદેસર દસ્તાવેજો વિના અને કાયદાકીય હિજરત નીતિઓનું ઉલ્લંઘન કરવા માટે, તેમને દસ વર્ષ માટે વિદેશમાં અટકાયતમાં રાખ્યો હતો. લગ્નના પાંચ વર્ષ પછી અને ચાર વર્ષની વૈભવી સાથે વિરાજ અમને છોડીને જતો રહ્યો. કોઈને ખબર ન હતી કે અમને એકબીજા વગર એક દસકો જીવવું પડશે અને જીવનના મહાસાગર જેવા સંઘર્ષનો એકલા સામનો કરવો પડશે.
પહેલીવાર જ્યારે આ ખરાબ સમાચારનો ફોન આવ્યો ત્યારે હું મારી સાંજની ચા પી રહી હતી. તે સમયની મારી ચીસો, આંસુ અને દુઃખથી ભરેલું હૃદય ક્યારેય નહીં ભૂલું. વિરાજ વિના જીવન એક વમળથી ઓછું ન હતું. છેલ્લા દસ વર્ષોમાં, તેને પાછો લાવવાનો દરેક પ્રયાસ વ્યર્થ રહ્યો. બચત બહુ પહેલા સમાપ્ત થઈ ગઈ અને પછી સંઘર્ષનો સમય શરૂ થયો.
આખરે ભગવાનના આશીર્વાદ સાથે, અંતે અધિકારીઓને દયા આવી અને મારા પતિ, વૈભવીના પિતા, વિરાજને ઘરે પાછા આવવાની રજા આપી.
આજે વૈભવી પંદર વર્ષની છે દસ વર્ષમાં અમારા દુઃખના સમયમાં એ મારી મિત્ર બની ગઈ હતી. એ બોલી,
“મમ્મી, તમને ડર નથી લાગતો? ”
તેના પ્રશ્ને મને મૂંઝવણમાં મૂકી દીધી.
“ડર શેનો દીકરી?”
“દસ વર્ષ એક મોટો સમય હોય છે. જો એમનામાં પરિવર્તન આવી ગયું હશે તો? જો તે આપણી સાથે રહી નહી શકે તો..? અથવા આપણે હવે એમને ન ગમીએ તો?”
“વૈભવી, વિરાજ તારા પિતા છે, મારા પતિ છે. આપણે જેટલું એમને મિસ કર્યા છે, એણે પણ એટલા જ મિસ કર્યા હશે. એડજસ્ટ કરતા થોડો સમય લાગી શકે, પણ અંતે આપણે એક પરિવાર છીએ.”
મારી વાત સાચી નીકળી. વિરાજ અમને બન્નેને ભેટીને બાળકની જેમ રડ્યા. તેણે વૈભવીને પુષ્કળ વાર ચુંબન કર્યું અને આંસુ લૂછતી વખતે કહ્યું.
“મને માફ કરજે મારી ગુડિયા. હું તને મોટી થતા ન જોઈ શક્યો પણ હવે હું ક્યાંય નહીં જાઉં. મારી દુનિયા ફક્ત તમે બન્ને છો.”
વૈભવીએ એના પિતાને ગળે લાગી અને તેની બધી આશંકાઓ ઉડી ગઈ.
તે સાંજે અને તે પછી દરરોજ, આખો કપ ચા પર, અમે લાંબી વાતો કરીએ છીએ, અંતે તો દસ વર્ષનો ખાડો પુરાવાનો બાકી છે ને!!
શમીમ મર્ચન્ટ