એક સુંદર નિરાંત રવિવારની સાંજે આખો પારેખ પરિવાર તેમના મોટા હોલમાં સાપ્તાહિક કાર્યક્રમ માટે એકત્ર થયો હતો. પરિવારના વડા, જગદીશ પારેખે વર્ષોના અનુભવ પછી, બધા સભ્યો માટે હાજર રહેવું અને એક-બે કલાક સાથે વિતાવવું ફરજિયાત પાડ્યું હતું. તે કૌટુંબિક સમયનું મહત્વ જાણતા હતા અને ઇચ્છતા હતા કે તેના બાળકો પણ આ બાબતની કિંમત સમજે.
વધુમાં, આ કોઈ આડેધડ ટાઈમપાસ નહોતો. ચા, બિસ્કિટ અને ભજીયા સાથે, પરિવારના સભ્યો કોઈ એક ખાસ વિષય પર ચર્ચા કરતા, જ્યાં દરેક વ્યક્તિને પોતપોતાના મંતવ્યો આપવાનું અપેક્ષિત હતું, તે સકારાત્મક, કે પછી નકારાત્મક કોઈ પણ હોય શકે. આજની ચર્ચાનો વિષય હતો, સર્વકાલીન, બધાની મનપસંદ, તાજગી આપનારી; ચા!
જગદીશનો પુત્ર જય તેની નવી પરણેલી પત્ની માલા તરફ ફરીને બોલ્યો. “આપણે ચા વિશે વાત કરી રહ્યા છીએ, તો હું તને કંઈક કહેવા માંગુ છું જે મને ખૂબ ગમે છે, પરંતુ આજ સુધી ક્યારેય કહ્યું નથી.”
હોલમાં બેઠા બધાએ તેની મશ્કરી કરી, “ઓ…..હ! જલ્દી બોલ, શું વાત છે?”
માલા શરમાઈ ગઈ અને જયએ પ્રેમથી કહ્યું, “કિચનમાંથી કપ અને રકાબીનો રણકાર મારા કાનમાં સંગીતનું કામ કરે છે. તે વિચારીને મને ખુશી થાય છે, કે થોડીકવારમાં તું તારી સુગંધિત મસાલાવાળી ચા લઈને બહાર આવીશ.”
માલાના ગાલ ગુલાબી રંગની ઊંડી છાયામાં ચમકતા થયા અને તે પોતાનું સ્મિત રોકી ન શકી.
જયની મમ્મી, ગીતાએ હર્ષનો મધુર અવાજ શાંત પાડ્યો, કારણ કે તે ચાના વિષય ઉપર પોતાના વિચારો સાથે તૈયાર હતી. “ઠંડી ચા કંઈ મજા ન આપે, અને તે ગરમ હોવાથી, ફરજિયાત આપણને આપણી ગતિ ધીમી કરવી પડે છે અને ચાને ચુસ્કી ભરતા ભરતા પીવી પડે છે. આપણે આપણુ જીવન પણ આ જ રીતે જીવવું જોઈએ, ક્ષણમાં અને એક દિવસ એક સમયે; ન ભૂતકાળ માટે પસ્તાવવું અને ન ભવિષ્ય વિશે ચિંતા કરવી.”
ઘરના સભ્યોએ તાળીઓ પાડી અને જગદીશે તેની પત્નીની પીઠ થપથપાવી. “વાહ ગીતા! શાનદાર. શું અદ્ભુત વિચાર છે!”
સંધિકાળના કલાકો આનંદ, હાસ્ય અને મનમોહક વિચારો અને લાગણીઓના આદાનપ્રદાન સાથે આગળ વધ્યા. જયે તેની નવી પત્ની સાથે ફિલ્મ જોવા જવાની યોજના બનાવી હતી, તેમ છતાં તે પરિવારના સમયને ખૂબ જ સારી રીતે સમાપ્ત કરવા માંગતો હતો. તે તેના પિતા તરફ વળ્યો, “પપ્પા, ચાલો આજનો વિષય ધડાકા સાથે પૂરો કરીએ.”
જગદીશે તેને મૂંઝવણભરી નજરે જોયું, “તું શું કહેવા માંગે છે દીકરા? હું સમજ્યો નહીં.”
જય સ્મિત કરતા પ્રેમથી બોલ્યો, “ચાલો, તમારી ચા પર લખેલી ટૂંકી કવિતા અમને બધાને સંભળાવો.”
જગદીશે ખુશખુશાલ થઈ શરૂ કર્યું,
“ચાથી ચાહના વધે,
વધે વેરથી વેર,
અમૃતથી અમૃત વધે,
અને વધે ઝેરથી ઝેર!”
આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
શમીમ મર્ચન્ટ
_________________________
લેખિકાની નજરે
નમસ્કાર મિત્રો,
પરિવારીક સમય અત્યંત મહત્વપુર્ણ હોય છે. મસ્તી મજાક, વિચારો અને અભિપ્રાયોની આપલે, અને ખાટી મીઠી નોકજોક. એ વખતે જે લાગણીઓ ફરે છે અને જે સંબંધો મજબૂત થાય છે, એની આપણે કલ્પના પણ નથી કરી શકતા.
_________________________