“તે શ્રીમતી દિવ્યા દેશમુખ છે ને, આપણા સોસાયટીના ચેરમેનની પત્ની?”
“હા જો તો, પાછી ચાલતી થઈ! હમણાં હમણાં મેં તેને પેલા યુવાન સાથે ઘણી વાર બહાર જતા જોયું છે. મને જિજ્ઞાસા છે કે તે કોણ હશે.”
આદર્શ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીનું મહિલાઓનું ટોળું ફરી ગપસપ કરી રહ્યું હતું. મીરા આચાર્ય, તે મહિલાઓ સાથે ઉભી હતી, અને દિવ્યાને હલકી નજરથી જોઈ રહી હતી. મીરા સ્થાનિક અખબારમાં રિપોર્ટર હતી, અને બી વિંગમાં, બીજા માળે, બરાબર દેશમુખના એપાર્ટમેન્ટની સામે રહેતી હતી. ફક્ત મનોરંજન માટે, પરિણામ વિચાર્યા વિના, મીરાને રસદાર અફવાઓ ફેલાવવાનું ખૂબ ગમતું.
મીરા તરત જ ડ્રામા ક્વીન બની ગઈ અને એવું વર્તન કર્યું જાણે તે બધું જ જાણતી હોય. ખાનગી, દબાયેલા સ્વરે બોલી,
“તે માણસ મહેશ છે, દિવ્યાની ઓફિસમાં કામ કરે છે. મને ખાતરી છે કે તે બન્નેનું અફેર ચાલતું હશે.”
બીજી સ્ત્રીઓ પણ કાંઈ ઓછી નહોતી. તેઓએ પણ જબરદસ્તી વધુ પ્રતિક્રિયા આપતા એક સાથે બોલ્યા,
“ઓહ ગોડ! આ તું શું બોલી રહી છે મીરા? શું ખરેખર આ વાત સાચી છે? મને શ્રી દિનેશ દેશમુખ પર દયા આવે છે. બિચારા દિનેશ ભાઈ!”
લોકો મીરાનું કહેલું બધું જ માનતા, કારણ કે તે એક રિપોર્ટર હતી, અને મીરા આ વાતનો સંપૂર્ણ લાભ ઉપાડતી. બીજાનું ધ્યાન પોતા તરફ દોરવા માટે, તે ખોટી અફવાઓ ફેલાવતી, જેના લીધે એને અયોગ્ય મહત્વ પણ મળી રહ્યું હતું. પરંતુ એના આવા સ્વભાવના લીધે, એને પેપર માટે નવીનતમ સમાચાર મેળવવામાં મદદ મળતી, જેથી તેના સંપાદક એનાથી ખુશ હતા. તેથી એકંદરે, અન્યની બદનામીના ભોગે, બધી રીતે મિરાનો તો ફાયદો જ હતો.
દિનેશ અને દિવ્યા દેશમુખ; એક સારું અને સરળ જોડું હતું. તેઓ બંને નિઃસ્વાર્થ હતા અને સંપૂર્ણપણે તેમના સામાજિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત રાખેલું હતું. સમાન દૃષ્ટિકોણ ધરાવનાર, તેમની આખી યુવાની તેમની કારકિર્દી બનાવવામાં નીકળી ગઈ. દિનેશ અને દિવ્યાએ ત્રીસના દાયકાના અંતમાં લગ્ન કર્યા અને તેમને સંતાન નહોતી. બંને પતિ -પત્ની બે અલગ અલગ એનજીઓ માં કામ કરતા હતા.
મીરાએ બનાવેલી તથ્ય વગરની અફવાઓ પવનની સાથે, જંગલની આગની જેમ ફેલાઈ ગઈ, માત્ર તેમના બિલ્ડિંગમાં જ નહીં, પણ પડોશી સોસાયટીમાં પણ. ચાઇનીઝ વ્હીસ્પરની જેમ, દર વખતે, પસાર થતા પહેલા, ધારણાઓ નો એક નવો ભાગ પહેલેથી જ ખોટી વાર્તામાં ઉમેરવામાં આવતો. લોકો દિવ્યાને નીચી નજરથી જોવા લાગ્યા. અને જ્યારે પણ તે કોઈ વસ્તુ માટે તેમનો સંપર્ક કરતી, તો બધા એની સાથે વાત કરવાનું ટાળી નાખતા.
થોડા અઠવાડિયા સુધી દિવ્યાએ બિલ્ડીંગના સભ્યોના પ્રતિભાવની અવગણના કરી અને તેને બહુ ધ્યાન આપ્યું નહીં. પરંતુ ટૂંક સમયમાં તે અસહ્ય બની ગયું અને એક સાંજે તેણે પતિ, દિનેશ સામે પોતાનું હૃદય ખાલી કર્યું.
“મને સમજાતું નથી, કે આપણી સોસાયટીના બધા બૈરાઓ ને શું થઈ ગયું છે! જેવી હું એમની સામે જાઉં, તો મને ઉપરથી નીચે સુધી તિરસ્કારની નજરે જોવે અને પછી ફરીને જતા રહે, જાણે હું અછૂત હોઉં. ખબર નથી પડતી કે શું કરું.”
દિનેશે તેને પોતાના બાથમાં રાખી અને શાંત કરવાનો પ્રયાસ કર્યો. “ચિંતા નહીં કર. હું સેક્રેટરી સાથે વાત કરીશ, કદાચ તે મદદ કરશે.”
બીજે દિવસે સવારે દિનેશ શ્રી કુલકર્ણીના દરવાજે પહોંચી ગયો. તેઓ અંદર જઈને બેઠા. દિનેશ હેલો, કેમ છો કરવાના મૂડમાં નહોતો અને સીધી મુદ્દાની વાત શરૂ કરી. તેની ફરિયાદ સાંભળ્યા પછી, શ્રીમતી કુલકર્ણી બોલી ઉઠ્યા.
“અમે બધા ઇઝઝતદાર લોકો છીએ. દિવ્યા જેવી ચરિત્રહીન સ્ત્રી સાથે કોણ મિત્રતા કરવા માંગશે?”
આ સાંભળીને દિનેશને આઘાત લાગ્યો.
“ભાભીજી! આ તમે દિવ્યા પર કેટલો ખોટો આક્ષેપ મૂકી રહ્યા છો? મેં મારા જીવનમાં ક્યારેય દિવ્યા જેટલી નમ્ર અને નિષ્ઠાવાન વ્યક્તિ નથી જોઈ.”
શ્રીમતી કુલકર્ણીએ સમગ્ર મુદ્દાનું મૂળ કારણ જણાવ્યું. દિનેશનો પારો ચડી ગયો અને એણે પોતાના તોફાની ગુસ્સાને કાબુમાં રાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. શ્રીમતી કુલકર્ણીએ તેને પાણી પીરસતા, શાંત થવાનો સમય આપ્યો.
દિનેશે ખુલાસો આપ્યો અને સ્પષ્ટ રૂપે તેમને સચ્ચાઈ બયાન કરી.
“તાજેતરમાં મહેશની પત્નીનું મોટું એક્સિડન્ટ થયું હતું. તે એક કઠિન પેશેન્ટ છે, અને પૈસાટકે પણ એ લોકોની સ્થિતિ સારી નથી. એટલે દિવ્યા અને એનું એનજીઓ, મહેશની પત્નીની મેડિકલ સારવાર અને ફિઝીયોથેરાપીમાં મદદ કરી રહ્યા છે. બસ, ફક્ત આટલી જ વાત છે!”
મીરા આચાર્યને સબક શીખવાડવો અત્યન્ત જરૂરી હતું, અને તે માટે, ચેરમેન અને સેક્રેટરી, બંને એના ઘરે પહોંચી ગયા. તે પ્રેસ માટે રવાના થાય, તે પહેલાં એને પકડવી હતી. જેવો મીરાએ દરવાજો ખોલ્યો, દિનેશ અને શ્રી કુલકર્ણી કાંઈ પણ બોલ્યા વિના અંદર દાખલ થઈ ગયા. મીરા હેબતાઈ ગઈ. પરંતુ, તે તેના આઘાતમાંથી બહાર નીકળે, અથવા પ્રતિક્રિયા આપે તે પહેલાં, ટૂંકમાં, મીરાને તેનો વાંક જણાવવામાં આવ્યો. લજ્જાથી મીરાનું મોઢું પડી ગયું અને દોષ એના ચહેરા પર સાફ સાફ લખેલો હતો. શરમથી એની આંખ ઝૂકી ગઈ. તેને આગળ સૂચિત કરતા, શ્રી કુલકર્ણીએ કડક સ્વરમાં આદેશ આપ્યો,
“એક મિટિંગ બોલાવવામાં આવશે અને તમે બધાની સામે શ્રીમતી દિવ્યા દેશમુખ પાસે માફી માંગશો. તમે સમિતિને એક લેખિત માફીનામું પણ આપશો, જે ભવિષ્યના સંદર્ભ માટે સાચવવામાં આવશે.”
કુલકર્ણી સાહેબે દિનેશ તરફ ફરીને પૂછ્યું,
“બીજું કંઈ મિસ્ટર ચેરમેન?”
દિનેશે માથું હલાવ્યું અને મીંઢું સ્મિત કર્યું. મીરા સામે કડવાસથી જોઈને તેણે ટિપ્પણી કરી,
“કેટલું વિચિત્ર કહેવાય! એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન છે. તમે રિપોર્ટર છો, અને લોકો સત્યને ઉજાગર કરવા માટે તમારા પર વિશ્વાસ કરે છે. પણ જુઓ તમે શું કર્યું? આ સંપૂર્ણપણે તમારી ભૂલ છે, કે આજે તમારા કારણે મારી પત્નીનું અપમાન થયું છે. અને આખી સોસાયટીમાં એની બદનામી થઈ. તદુપરાંત, દુઃખની વાત તો એ છે કે તમે અમારા પાડોશી પણ છો.”
મીરાએ માથું નીચું કર્યું અને પસ્તાવા સાથે ગદગદ થઈ ગઈ, “હું ખરેખર ખૂબ જ દિલગીર છું શ્રી દેશમુખ.”
એક ઊંડા નિસાસા પછી દિનેશે કહ્યું,
“હું તમને દિવ્યા અને મારી સાથે મન સાફ કરવાનો એક મોકો આપું છું. હું ઈચ્છું છું કે તમે અમારા એનજીઓ પર સરસ મજાનો લેખ લખો અને તમારા અખબારમાં પ્રકાશિત કરો, જે ઉમદા હેતુની સાથે અમે કામ કરી રહ્યા છીએ, તેનો પ્રચાર કરી, આમ જનતા સુધી આ વાત પહોંચાડો.”
મીરા રડી પડી અને દરેક શરત માનવા તૈયાર થઈ ગઈ. તે સિવાય, એણે ચેરમેન અને સેક્રેટરીનો હાથ જોડીને આભાર માન્યો, કે એ લોકોએ એને સોસોયટી મૂકીને જવાનું ન કહ્યું.
શમીમ મર્ચન્ટ, મુંબઈ