આપણે બધાને જ્યારે આંખો નબળી થાય ત્યારે દૂરનાં કે નજીકના ચશ્માં પહેરવાં પડે છે, અને આજકાલ તો દરેકને વહેલાં કે મોડા ચશ્માના નંબર હોય જ છે અને ચશ્મા પહેર્યા પછી આપણી આંખો સ્પષ્ટપણે બધું જોઈ શકે છે. પરંતુ આજ સુધી સાચું-ખોટું, કે ખરાબ-સારાં નો તફાવત કરી દે તેવા કોઈ ચશ્મા બન્યાં નથી તે તો દરેકે પોતાની દીર્ઘદ્રષ્ટિથી જ જોવું પડે છે. ઘણીવાર એવું પણ બને છે કે આપણી દ્રષ્ટિએ જે સાચું હોય તે સામેવાળાની દ્રષ્ટિએ ખોટું પણ હોય છે. આનાં અમુક દ્રષ્ટાંત આપી અહીં સમજાવું.
1. જ્યારે બાળક નાનું હોય અને બીમાર પડે છે ત્યારે તેને સ્વસ્થ કરવા આપણે કડવી દવા પીવડાવીએ છીએ. આજ દવાથી બાળકનું મોઢું કડવું થવાથી તેને દવા ગમતી નથી.
2. તે જ બાળક જ્યારે મોટું થાય છે આજનાં જમાનામાં સૌથી વધુ કપરું તેને મોબાઈલથી દૂર રાખવું છે અને આપણે તેની માટે અનેક પ્રયત્નો કરીએ છીએ કારણ આપણે તેનાં ગેરલાભ જાણીએ છીએ તેથી આપણી દ્રષ્ટિએ એ સાચું છે અને તેને પણ ભવિષ્યમાં સમજાઈ જશે કે એ સમયે કડવી લાગતી વાત કેટલી સાચી હતી.
3. રાહુલ હમેશાં મહેનત કરી કલાસમાં પ્રથમ આવે, પણ જ્યારથી ઓનલાઇન ભણતર ચાલું થયું ત્યાંરથી તેને ભણવામાં રસ જ ઉડી ગયો, જ્યારે તેનાં મિત્રો ઓનલાઇન પરીક્ષામાં જોઈને લખે અને રાહુલ હમેશાં જોયા વગર, પણ મહેનત મૂકી દીધી હોવાથી કંઈ બધું સચોટ રીતે ના લખી શકે, તેથી તેનું પરિણામ નબળું થઈ ગયું અને તેનાં મિત્રોનું સારું પરિણામ આવવા માંડ્યું, આમાં એક તરફ જોઈએ તો રાહુલ સાથે અન્યાય થયો જ કહેવાય કારણ તેણે જેટલું પણ પેપરમાં લખ્યું એ જોયાં વગર અને તેનાં મિત્રોએ જોઈને પણ જો રાહુલે મહેનત કરીને લખવાનો પ્રયત્ન કર્યો હોત તો તેનું પરિણામ નબળું થાત જ નહિં પણ એનાં મગજમાં તો એક જ વાત ઘર કરી ગઈ કે જે ખોટું કરે એને જ ભગવાન સાથ આપે, પણ પોતે એટલો નિષ્ઠાવાન તો હતો જ, કે ચોરી તો કરી જ નાં શકે, પણ નબળા પરિણામને કારણે આત્મવિશ્વાસ ગુમાવી બેઠો. અને જે પરિણામ આવે તેને સ્વીકારતો થઈ ગયો કે આમ પણ જીવનમાં બધું ધાર્યું થતું જ નથી. પણ આની ભવિષ્યમાં થનારી અસરથી અત્યારે તે અજાણ છે.
4. જીવનમાં જ્યારે પણ કોઈ મનુષ્ય પાસે એકાએક ગાડી-બંગલો, અને ખૂબજ સારું જીવન આવે છે ત્યારે જરૂરથી તે કોઈ ખોટાંમાર્ગે જઇ સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે, અને તે ખરેખર ખોટું જ છે પણ આપણે તેને સમજાવવાનો કોઈ અર્થ નથી કારણ એની સાચું-ખોટું સમજવાની દ્રષ્ટિ તદ્દન બદલાઈ ગઈ છે.
આવા ઘણાં કિસ્સાઓ આપણી સમક્ષ બનતાં જ હોય છે પણ અમુક સમયે આપણી સાચું-ખોટું પરખવાની દ્રષ્ટિ કામ નથી કરતી અને આપણે ખોટાં માર્ગે દોરવાઈ જઈએ છીએ અને જ્યારે સાચું આપણી સમક્ષ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી જ આંખોની દ્રષ્ટિ નબળી પડશે તો તેનાં તો ચશ્માં બજારમાં મળી જશે પણ સમજણની દ્રષ્ટિને સાચવવી ખૂબજ જરૂરી છે. તેથી હમેશાં મન પર કાબુ રાખતાં શીખો તો જ આંતર દ્રષ્ટિ મજબુત રહેશે અને તમે સાચાં સમયે સાચો નિર્ણય લઈ શકશો નહિંતર મોડું થઇ ગયા પછી જ્યારે આપણે જે કર્યું તે ખોટું કર્યુંની ભાન થશે ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે, અને પસ્તાવા સિવાય કંઈ હાથમાં નહિં રહે.
મનિષા સેજપાલ
Related