ઉબેણના લીસાલપટા, ચકચકતા વેકરાથી ભરેલ બે ખેતરવ પહોળા પટમાં ગોકળઆઠમનો મેળો ભરાયો હતો.
જેઠ-અષાઢનાં નખતર ઓણ સાલ સારાં વરસ્યાં હતાં. હાથિયો પણ જાણે પેટ ભરીને ગાજ્યો હતો, અને લોકોક્તિ પ્રમાણે મઘા વરસવાથી ધાનના ઢગા થયા હતા એટલું જ નહિ પણ કેટલેક ઠેકાણે તો આઠ-આઠ દીની વરસાદની હેલી પડવાથી ઊભા મોલ બિયારણસોતા જડમૂળથી ધોવાઈ ગયા હતા ; પણ એકંદરે છેલ્લાં નપાણિયાં વર્ષો કરતાં આ વર્ષ લગભગ પંદર આના જેવું પાકવાની ધારણા હતી તેથી ખેડૂતનાં અને વેપારીઓનાં મન ભર્યાં ભર્યાં હતાં.
નદીનાળાં, પાણીપિયાવા અને ખાડાખાબોચિયાં નવાં પાણીએ ભરાઈ ગયાં હતાં. વૈશાખની બળબળતી વેલુમાં ખાલીખમ્મ પડેલા વીરડાઓની સુક્કી વેકૂરમાં ભીનાશ આવી હતી. વાવ-કૂવાઓમાં પાણી ઊંચાં ચડી જવાથી પનિહારીઓને સિંચણ-દોરડાં અને કોશિયાઓને કોશ-રાંઢવા લાંબા લાંબા પડવા લાગ્યાં. આ સૌની સાથે જુવાન હૃદયોમાં પણ અષાઢ માંહનો જવાથી નવરસની સરવાણીઓ ફૂટતાં નવા નવાણે છલકી ઊઠ્યાં હતાં.
ઉબેણ ગાંડી નદી કહેવાતી. એના પાણીનો કે પૂરનો કાંઈ નેઠો નહિ. માથે તડકો ધોમધખતો હોય અને ઓચિન્તું ઉપરવાસથી ઘોડાપૂર આવી ચડે. એનાં આડેધડ વહેતાં વહેણમાં એટલો તો વેગ હતો કે ગોઠણપૂર પાણીમાં ઊભેલાં માણસો પણ એમાં તણાઈ જાય.
આવી ગાંડી નદીના બેય કાંઠે અત્યારે માનવસાગર હિલોળા લેતો હતો. ધરતીએ પેટભરપૂર વર્ષા પી રહ્યા પછી પોતાની સમૃદ્ધિની લીલીછમ બિછાત અંગ ઉપર બિછાવી હતી. એ હરિયાળી બિછાત ઉપર શ્રાવણમહિનાનાં સરવડાંનો આછો ઝારી-છંટકાવ થતાં ધરતી મહેક મહેક થઈ રહી હતી. નવાં ધાન્યે પલ્લવિત બનેલી વસુંધરાના નવજીવનનો મહોત્સવ ઊજવવા અડખેપડખેના સૌ પંથકનાં લોક અહીં ઊમટ્યાં હતાં.
આખા ઉબેણપટમાં આ સ્થળ અત્યંત મનોહર હતું, બન્ને કાંઠા તેમ જ ઉપરવાસ-હેઠવાસ વહેણનાં ઢોળાવો અને ચઢાણોની વચ્ચે મહાદેવનું મંદિર એવી રીતે ગોઠવાઈ ગયું હતું કે ગમે તેટલે અંતરે ઊભેલો માણસ પણ પદ્મશિખરના દર્શન કરી શકે. મંદિરના નિજમંડપની બહાર વ્યાસપીઠવાળા સભાસ્થાન જેવો વિશાળ ઓટો હતો, જેના ઉપર અત્યારે ભજનમંડળીઓએ ભજનોની રમઝટ જમાવી હતી. ઊંચાણમાં આવેલા કાચા સોના જેવા ફ્ળદ્રુપ ભાઠામાં આડે દિવસે વાઘરી લોકો વાડા બાંધીને મીઠાં સાકર જેવાં તડબૂચ પકવતાં. દિવસ-રાતનાં રખોપાં અને સતત જળસિંચનને પરિણામે, ઘી પીધેલ લાપશી જેવી બનેલી એ ગાંગડિયાળી ભોંય ઉપર આજે એનાં છોરુ મોકળે મને નાચી રહ્યાં હતાં.
પટની એક કોર ઉપર વહેતો ખળખળિયો બાદ કરતાં આખાય વિસ્તાર ઉપર અત્યારે ઠાંસોઠાંસ હીરાકશીના છોગાળા ફેંટા અને લાલપીળાં ઓઢણાંની અડોઅડ ગોઠવાઈ ગયેલી મથરાવટીઓ જોતાં, સ્વપ્નમાં કોઈ પરીઓએ આવીને આવળ અને કેસુડાનાં રંગબેરંગી ઝુંડ ઉગાડી મૂક્યાં હોય એવો આભાસ આવતો હતો. ભેગા થયેલ બહોળા માનવમનખાનું હલનચલન પણ જાણે કે એટલું તો સુસંબદ્ધ અને સુમેળવાળું હતું કે દૂરથી જોતાં, વિરાટના રંગમંચ ઉપર ક્ષણે ક્ષણે બદલતી જતી રંગોળીનો ખ્યાલ આવે.
વહેણની ઉપરવાસમાં ફજરફાળકાની ચકરડીઓ અને ઊંચક-નીચક ફરતાં ચગડોળ ખોડવામાં આવ્યાં હતાં, છોકરાછોકરીનો અને રસિયાં જુવાનજુવતીઓ ત્યાં હકડેઠઠ્ઠ ભેગાં થયાં હતાં. જુવાનોએ ઝુલાળાં કડિયાં અને માથે વીશ વીશ આંટાળા લાલ હીરાકશીના ફેંટા વીંટ્યા હતાં. માથામાં ધૂપેલ નાખીને ઓડિયાં ઓળ્યાં હતાં. અણિયાળી આંખોને ખૂબીપૂર્વક આંજીને સોનાનાં ઠોળિયાંએ શોભતી કાન-બૂટો ઉપર પણ આંજણનાં ટપકાં કર્યાં હતાં. કેટલાંકના મોં ઉપર ફૂટતી મૂછના દોરાનો જાંબલો ભૂરો લિસોટો તો જાણે કે સમસ્ત યૌવનસૌંદર્યને ત્યાં કેન્દ્રિત કરી, એની માધુરીંના રહસ્યની જીભ બની બેઠો હતો. છોકરીઓએ પણ આંખમાં આંજણના લપેડા તાણ્યા હતા, ખોરા ધૂપેલે રસબસતા માથાના વાળને ઝીણી કાંસગી અને ધારદાર ખંપારા વડે તાણીતાણીને તંગ મીંડલામાં ગૂંથ્યા હતા. લાલ-લીલી અતલસના હીરભર્યા કમખા પહેર્યા હતા અને જાડાં બુંસ જેવાં પહેરણાઓમાં મેના-પોપટ, વનજાત્રા વગેરે ભરતકામનાં ગોળ નાનાં આભલાં એમને પહેરનારાનાં પારદર્શક અણબોટ્યાં હૈયાનાં પ્રતિબિંબ પાડતાં ચકચક ચમકી રહ્યાં હતાં….
આ સૌને ઠાંસોઠાંસ ભરીને ચગડોળ પૂરવેગે ફરતાં હતાં.
બાજુમાં ગોળ-બજાણિયા, નટડા વગેરેના ખેલ ખેલાતા હતા. તેમને શૂર ચઢાવવા સારુ બેવડી વળી ગયેલી દાંડીએ પણ આંખ મીંચીને ઢોલી લોકો ઢોલ પીટ્યે જતા હતા. એના અવાજના સુમેળમાં જ રાસમંડળીઓમાં અઠંગા અને ત્રણ તાલના દાંડિયારાસની હીંચ જામી હતી. ભજનમંડળીઓમાં બોદાં થયેલાં તબલાં ઉપરેય જોરશોરથી થાપીઓ પડ્યે જતી હતી ; અને એ તાનમાં જ ભજનિકો મંજીરાં, કરતાલ અને કાંસીજોડીઓ વગાડ્યે જતા હતા, દૂર મંદિરમાં દર્શનાર્થીઓના હાથે ઉપરાઉપર થતો ઘંટારવ પણ આ સમષ્ટિ-ગાનમાં જ સૂર પુરાવતો હતો. આવડા બહોળા માનવસમૂહનો ચિત્રવિચિત્ર બેસૂરો કલબલાટ પણ મેળાનાં વાદ્યમાં ગળાઈને એમાંથી પંચમ સૂરોની મિલાવટવાળું કોઈ નિરાળું જ માનવજીવનનું સનાતન છતાં નિઃશબ્દ એવું અનંતગાન સંભળાવતો હતો. કારણ આ કોઈ મુઠ્ઠીભર માનવીઓનું નહિ પણ સમસ્ત જીવિતોનું સંમેલન હતું. નવા વર્ષાજળે નવપલ્લવિત બનેલ માનવજીવનનો આ મહોત્સવ હતો. ધરતીના રસકસની ઊજાણી ઊજવવા આખેઆખા માનવપૂર ઊમટ્યાં હતાં. અને તેથી જ, એમાં છૂટાછવાયા વોકળા કે ખળખળડીના ખડખડ કર્કશ અવાજ નહિ પણ રમણે ચડેલા મહાનંદનાં મદમત્ત ઘૂઘવતાં પૂરનાં ધીરગંભીર તાલબદ્ધ ઘુઘવાટા સંભળાતા હતા.
ઓચિન્તા જ, ખળખળિયાનાં પાણી ડહોળાવા લાગ્યાં, તેલ જેવાં નીતર્યાં પાણી વહેતાં વહેતાં જે ડહોળાં રાબ જેવાં થવા મંડ્યાં.
તુરત પારખુએ પારખી કાઢ્યું કે નદીમાં ઉપરવાસથી પૂર આવી રહ્યું છે !
પાપણના પલકારા જેટલી વારમાં તો આખા મેળામાં રાડ પડી ગઈ કે ઉપરવાસના વરસાદનાં પૂર આવી રહ્યાં છે.
મહાપ્રયત્ને મિલાવેલા વાદ્ય તારો ઉપર બજવૈયો પોતાની જાતને ભૂલી જઈને હૃદય ઠાલવી રહ્યો હોય અને સરોદાવલિ પરાકાષ્ઠાએ પહોચું પહોચું કરતી હોય ત્યારે જ વાદ્યનો મુખ્ય તાર તૂટે અને અસહ્ય રીતે બસૂરું વાતાવરણ ઊભું થાય, જામેલા રંગમાં ઓચિંતો ભંગ પડે અને એનો પ્રત્યાઘાતી ઘોંઘાટ શરૂ થાય એવી જ સ્થિતિ અત્યારે મેળામાં થવા લાગી. કોટિક કંઠે ઘૂઘવતા માનવમેળાના જીવનગાનમાં ભંગ પડ્યો.
મેળામાં ભંગાણ પડ્યું.
રસઘેલા યુવકયુવતિઓને લઈને પુરજોશમાં ચગ્યે જતાં ચગડોળો થંભી ગયાં. બે વાંસ વચ્ચે બાંધેલી દોરી ઉપર અધ્ધર ચાલતા નટડાઓ નીચે કૂદી પડ્યાં. ભજન-ધૂન અટકી ગઈ. દાંડિયારાસની હીંચ બંધ થઈ ગઈ. મંદિરમાં થતો ઘંટારવ પણ નીઃશબ્દ બન્યો.
નદીનાં પાણી વધારે ડહોળાયાં.
માણસો જીવ લઈને ભાગવા માંડ્યા. આખા મેળામાં નાસ-ભાગની હડિયાપટ્ટી અને હો’ગોકીરો થઈ રહ્યાં.
નદીના ડહોળા વહેણમાં હવે ઉપરવાસથી ઝાડઝાંખરાં પણ તણાઈને આવવા લાગ્યાં.
અને આખા મેળામાં ‘ભાગજો! ભાગજો!’ ની રીડિયારમણ બોલી રહી. રમકડાંની દુકાનો, મેવામીઠાઈના માંડવાઓ, રમતગમતના તંબુઓ, બધું પોતપોતાને ઠેકાણે રહ્યું અને માણસોએ પહેર્યા લૂગડે જ ચપટીમાં જીવ લઈને ભાગવા માંડ્યું.
પણ આજે જાણે કે કુદરત કોપી હતી, હાંફળાફાંફળા ભાગતા જીવોનેય હડફટમાં લેવા, ક્યાંય નહોતાં ત્યાંથી આભમાં ઘટાટોપ વાદળાં ચડી આવ્યાં, અને ઓચિન્તી જ સૂરજ આડી કોઈએ થાળી ઢાંકી દીધી હોય એવું અંધારું ઘોર થઈ ગયું અને ઈશાન દિશાએ કાન ફાડી નાખે તેવા ગાજવીજના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો.
એટલી વારમાં તો નદીનાં પાણી ઊંચાં ચડી ગયાં હતાં. તાણ અનેક ગણું વધી પડ્યું હતું.
ઊંચાણવાળી ભેખડોનેય પૂર આંબવા માંડ્યું.
ચગડોળ તણાયાં, માંડવા-તંબુઓ તણાયાં, માણસો તણાયાં, મેળો તણાયો.
પલકવારમાં જ પૂરની એકસામટી છાલક આવી અને ભાખોડિયાં ભરીને ભેખડે આંબવા જતા માણસોનેય પ્રવાહમાં ખેંચી લીધાં.
માનવમાત્રમાં રહેલી પ્રબળ જિજીવિષા અને કુદરતને સર્જન જેટલી જ પ્રિય એવી સંહારક પ્રકૃતિ વચ્ચે ઘર્ષણ જામ્યું હતું. બન્ને એકબીજાને માત કરવા મથતા હતા. કુદરતનાં સંહારક બળો સામે માનવો કેવાં કેવાં મામૂલી આયુધો શોધતાં હતાં! રમકડાંથી ભરેલ પેટીપટારાઓનાં કડાં પકડીને તેના માલિકો પૂરમાં તરવા મથતા હતા, પણ પાછળ મારમાર ધસ્યે આવતાં રાક્ષસી મોજાંની એક જ ઝાપટ એ માનવ-તણખલાંઓને ક્યાંના ક્યાં ફંગોળી દેતી હતી. તંબુઓની વાંસવળી અને બીજા કાટમાળખાંઓને પણ અનેક માણસો બળપૂર્વક બાથ ભીડીને વળગ્યાં હતાં ; પણ પૂરનાં પાણીનો હર ક્ષણે વધતો જતો માર એ સૌને શેકેલ ઝીંઝરાંની જેમ ઝંઝેણી કાઢતો હતો.
જુવાન આદમીઓએ ઝાડનો આશરો લીધો હતો. પણ એ ઝળઝાંખરાનેય ઉબેણે મૂળિયાંસોતાં ઉખેડી નાખ્યાં. બીજાં કેટલાંકોએ મહાદેવના મંદિર ઉપર સલામતી શોધવા પ્રયત્ન કર્યો પણ એમનેય ઉબેણનાં ચડતાં પૂરે આંબી લીધાં.
વરસાદ અનરાધાર વરસતો હતો. દખણાદી પવનથી ખેંચાઈને આવેલાં વાદળાંઓએ હવે તો આખું આકાશ ઘેરી લીધું હતું. દિશાઓમાં ક્યાંય નાખી નજર નહોતી પૂગતી. ચારેકોર જામી પડેલ અંધારામાં ઉબેણ બે-કાંઠે દોડતી હતી. ઉપરગામોમાં થયેલી અતિવૃષ્ટિનાં ધોધમાર ધસ્યે આવતાં પૂરે ઉબેણના પહોળા પટનેય છલકાવી દીધા હતા. આખી ધરતી ઉપર જળબંબાકાર થઈ રહ્યો. ઘડી વાર પહેલાં રમણે ચઢેલો હૈયેહૈયું-દળતો માનવમનખો નિમિષમાત્રમાં આ જળબંબાકારનાં બબ્બે મોજાંની મોં ફાડમાં ગરક થઈ ગયો…
ઉબેણ ગાંડીતૂર બનીને વહેતી હતી. એનાં વેગે ઘસતાં ઘોડાપૂરમાં ઊઠતાં માથોડું માથોડું ઊંચાં મોજાં, મરુભૂમિમાં આળોટતા મહાકાય રાક્ષસોની યાદ આપે તેવાં બિહામણાં લાગતાં હતાં. તેમાંય જ્યારે જ્યારે ઈશાન ખૂણે વીજળીના ઝીણાઝીણા ઝબકારા થઈ જતા, ત્યારે તો એ મત્ત મોજાંઓની ભયાનકતા અનેક ગણી વધી જતી…
હવે તો અંકલાશે ચડેલી ઉબેણે મન મોકળું મૂકીને ઘેરે રાગે ઘૂઘવવા માંડ્યું હતું. પૂર્ણચંદ્ર જોઈને ઘેલો બની ધૂણવા માંડતા સિંધુનું ગર્જન આજે ઉબેણનાં ઘૂઘવતાં પૂરમાં સંભળાતું હતું. થોડી વાર પહેલાં કિલ્લોલી રહેલાં મબલખ માનવીના કલબલાટનો ઘૂઘવાટ આ ગાંડા પૂરના ઘૂઘવાટમાં શમી ગયો. અને હેલીના વરસાદ સાથે ઊતરેલી વા’ઝડીના દશે દિશાએથી ઊઠતા હીબકતા વાયરાઓમાં તડિતનું મૃત્યુ મીઢું, નિઃશબ્દ છતાં સાંભળ્યું ન જાય એવું દર્દભરપૂર પ્રલયગાન ગાજી રહ્યું.
વળતે દિવસે આ પ્રલયલીલા શમી ગઈ અને ઉબેણનાં ઘોડાંપૂર ઓસરી ગયાં ત્યારે હેઠવાસ પટમાં એકાદ ગાઉ દૂર એક તોતિંગ બાવળના ઊખડી ગયેલ થડિયામાં એક યુગલનાં મૃતદેહો અટવાઈ ગયેલા દેખાયા.
ઉત્સવના રંગબેરંગી પોશાક પહેરેલા આ લગ્નોમુખ ખેડુ જુવાનજુવતીને ગામલોકોએ ઓળખી કાઢ્યાં. મેળામાંથી ચાલતે ચગડોળે તેઓ તણાઈ ગયાં હતાં, અને અત્યારે મૃત અવસ્થામાં પણ બંને જણાં એકબીજાને ગાઢ આલિંગનથી વળગી રહ્યાં હતાં.
– ચુનીલાલ મડિયા