ઉદાહરણ 1
“હવેથી હું તારા વગર જ જમવા બેસી જઈશ. હું ખરેખર તને વારેઘડીએ બોલાવી અને રોજ તારી વાટ જોઈ જોઈને કંટાળી ગઈ છું.”
શિફાલીના ગુસ્સાના આક્રોશથી તેના પુત્ર માટે પ્રેમ, ચિંતા અને અન્ય તમામ લાગણીઓ છૂપાઈ ગઈ.
શિફાલી તેના ગુસ્સાને કાબૂમાં રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી. પરંતુ આ એક નિત્યક્રમ બની ગયો હતો. તે સાદને રાત્રિભોજન માટે બોલાવતી રહેતી, અને સાદ તેના લેપટોપ પર કામ કરતો રહેતો. તદુપરાંત, દરેક વખતે, ઉપર જોયા વિના, તે ફક્ત એટલું જ કહેતો, “બસ પાંચ મિનિટમાં આવું છું મમ્મી.”
અને એ પાંચ મિનિટ એટલી લાંબી ખેંચાતી કે ભોજન ઠંડુ થઈ જાય, ત્યાં સુધી શિફાલી ફક્ત એના પુત્રની રાહ જોયા કરતી.
આજે તેની સહનશીલતા હદ વટાવી ગઈ અને તે પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકી. માં દીકરા વચ્ચે ખૂબ ગરમાગરમી થઈ. છેવટે બંને જમ્યા વગર પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો જોરથી પટકીને બંધ કરી નાખ્યો.
આ પરિસ્થિતિમાં, તમે કોના ગુસ્સાને યોગ્ય ઠહેરાવશો?
* * * * * *
ઉદાહરણ 2
રાજેશ ખૂબ જ ઉદાર અને આનંદપ્રેમી વ્યક્તિ હતો. તેના આ ગુણોની જેટલી પ્રશંસા કરવામાં આવતી, સરખી માત્રામાં તેના આસપાસના લોકો તેનાથી ડરતા પણ હતા. શા માટે? તેના ખરાબ અને આક્રમક સ્વભાવને કારણે. જ્યારે તે ગુસ્સે થતો, ત્યારે તેની ગેરવ્યાજબી ચીસો દૂર સુધી સંભળાતી. કહેવાની જરૂર નથી, પણ તેના ખરાબ સ્વભાવના કારણે, તેની ઉદારતા ધોવાઈ જતી.
* * * * * *
ગુસ્સો કે પછી ક્રોધાવેશ: એક ખૂબ જ મજબૂત અને શક્તિશાળી પરંતુ તે જ સમયે, એક અત્યંત ગેરસમજ ભાવના છે. તે નકારાત્મક લાગણી નથી. ગુસ્સો આવવો તે એકદમ સ્વસ્થ અને સામાન્ય છે. તેને અંદર દબાવી રાખવું અને એક દિવસ જ્વાળામુખી ફાટી નીકળે તેની રાહ જોવા કરતાં ક્રોધને બહાર લાવવું વધુ સારું છે. એમ હોવા છતાં, ગુસ્સો કેટલો સ્વસ્થ છે અને ક્યારે ખતરનાક બની જશે તે માપવું પણ જરૂરી છે.
વાસ્તવમાં, જો તમે જાણતા હો કે તમારા ગુસ્સાને કેવી રીતે ચેનલાઇઝ કરવો, તો તે ઘણા મહાન ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે પ્રેરક બળ તરીકે કામ કરી શકે છે. Alibaba.com ના સ્થાપક કરોરપતિ, જેક માના જીવનનો એક રોમાંચક કિસ્સો બતાવું તમને. જેક મા એ કોલેજ પછી ત્રીસ નોકરીઓ માટે અરજી કરી હતી, જેમાંથી એકેયમાં એમનું સિલેકશન ન થયું. તેમના રોષ અને હતાશાના સ્તરની કલ્પના કરો! પરંતુ એમને પોતાના આક્રોશને એક સકારાત્મક દિશા આપવી વધુ યોગ્ય લાગ્યું.
મહત્વપૂર્ણ વસ્તુ છે તમારું નામ અને પ્રતિષ્ઠા. તમારો ગુસ્સો લોકોને તમારી તદ્દન અલગ છબી આપતા, ગેરમાર્ગે દોરી જશે, જે તમારા વિશે સાચું ન પણ હોય. અસ્થાયી ગુસ્સો કાયમી ડાઘ છોડી શકે છે જેને પછીથી બદલી ન શકાય.
ક્રોધ અને આક્રમકતાને સમાન ન સમજવું. ગુસ્સો આવવો એ એક ભાવના છે, જે કદાચ તમે પ્રદર્શિત કરો, અથવા ન પણ કરો. તમે સહાનુભૂતિપૂર્વક કાર્ય કરી, અન્ય વ્યક્તિની લાગણીઓને ધ્યાનમાં લેશો. પરંતુ, આક્રમકતા એ એક વર્તણૂક છે, એક વિસ્ફોટ જે હાથમાંથી નીકળી, કદરૂપું બની શકે છે. તમારું ધ્યાન સંપૂર્ણપણે પોતા પર હોય છે અને તમે તમારા ગુસ્સા માટે બીજાને દોષી ઠહેરાવો છો.
ગુસ્સાનો સામનો કરવા માટે સ્વસ્થ અને સ્વીકાર્ય રીત પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.
- જ્યારે કોઈ તમને નારાજ કરે, ત્યારે અન્ય લોકો સાથે ગપસપ કરવાને બદલે, તે જ વ્યક્તિ સાથે ખુલાસો કરવો શ્રેષ્ઠ રહેશે. વિશ્વાસ કરો, તમને લાગશે કે તમારા ખભા પરથી એક મોટો બોજ ઉતરી ગયો.
- એવી વસ્તુઓને આંખ આડા કાન કરો જે જીવન અને મૃત્યુની બાબત ન હોય. જો તે કોઈ મોટી વાત નથી, તો તેમાંથી કોઈ મુદ્દો બનાવવાની જરૂરત પણ નથી.
- મંતવ્યોના મતભેદોને માન આપવા અને સ્વીકારવાનું શીખો. આ બાબત કોણ સાચું છે કે ખોટું તે વિશે નથી, વાત ફક્ત એક જુદી દૃષ્ટિકોણની છે. જેમ કહેવાય ને કે એક વ્યક્તિને આંકડો 6 દેખાતો હશે, તો એ જ આંકડો કોઈ બીજા માટે 9 હશે.
- ગુસ્સાની પરિસ્થિતિમાંથી તમારી જાતને ડિસ્કનેક્ટ કરો. તમારી જાતને શાંત થવા અને પાછા પ્રતિબિંબિત કરવા માટે સમય આપો. જો તમારી કોઈની સાથે તકરાર થાય, તો તરત જ જવાબ ન આપો. સમય કાઢવો તમને તમારી ભૂલનો અહેસાસ કરવામાં અને વસ્તુઓને અલગ પરિપ્રેક્ષ્યમાં જોવામાં મદદ કરશે. અને કદાચને તમે એ વ્યક્તિ સાથે સહાનુભૂતિ પણ અનુભવી શકો છો.
- જો તમારો ગુસ્સો કોઈ ખાસ વ્યક્તિ તરફ હોય તો તેમની સારી બાબતો અને ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરો. તેમની સાથે તમારા સંબંધની ઊંડાઈ જુઓ. આ
પરિપ્રેક્ષ્ય આપમેળે તમારા ગુસ્સાને શાંત કરશે અને તમે પોતે એકબીજા સાથેના અંતરને દૂર કરવા માટે સર્જનાત્મક રીત ગોતી કાઢશો.
- જ્યારે તમને ગુસ્સો આવે છે, ત્યારે તમે તમારો કંટ્રોલ બીજાને આપી રહ્યા છો. શું તમે આ શક્તિ તમારી પાસે રાખવા નથી માંગતા? આપણા જીવનનું રીમોટ કંટ્રોલ આપણા હાથમાં હોવું જોઈએ.
ગુસ્સો આપણામાંના દરેક માટે વ્યક્તિલક્ષી અને વ્યક્તિગત હોવા છતાં, ઉપરના કોઈપણ વિચારોને લાગુ કરીને તેને સ્માર્ટ રીતે નિયંત્રિત કરી શકાય છે. અથવા તમારી પાસે તમારી પોતાની કોઈ અનન્ય નવીન રીત હશે.
મને ખાતરી છે કે ઉપરોક્ત લેખ વાંચ્યા પછી, તમે ઠેકડી ઉડાડતા હશો, કે આ બધી વાતો કરવા કરતાં કહેવું સહેલું છે. વાસ્તવમાં એવું નથી. તેના માટે જરૂરી છે કે પોતાની ગતી ધીમી કરો અને પ્રતિક્રિયા આપતા પહેલા બે વાર વિચારો. આ સરસ મજાની ચાઇનીઝ કહેવત પર જરૂર વિચારવિમક્ષ કરજો:
“જો તમે ગુસ્સાની એક ક્ષણમાં ધીરજ રાખશો, તો તમે સો દિવસના દુ:ખમાંથી બચી શકશો.”
શમીમ મર્ચન્ટ