સગાઈના એક અઠવાડિયા પછી સુમન હોસ્પિટલમાં પોતાની કેબિનમાં બેઠી હતી. એ સમયે આરવ ત્યાં આવ્યો.
“સુમન, મારે તને એક વાત કહેવી છે.” આરવે આવીને કહ્યું.
“હાં, બોલને.” સુમને પોતાનાં હાથમાં રહેલી ફાઈલ ટેબલ પર મૂકીને કહ્યું.
“હું તારો ભાઈ છું. તારાં મમ્મી મારાં પપ્પાને પ્રેમ કરતાં. પણ, તારાં મમ્મીને મારો જન્મ થાય, એ મંજૂર નહોતું. મારાં પપ્પાએ મહાપરાણે તેમને મનાવ્યા. ને મારાં જન્મ પછી તારાં મમ્મીએ ધનજીકાકા સાથે લગ્ન કરી લીધાં.” આરવે બધી હકીકત સુમનને કહી દીધી.
આરવની વાતો સાંભળી સુમન કાંઈ બોલી નહીં. તેનાં માટે હકીકતનો સ્વીકાર કરવો, એ કામ થોડું અઘરું હતુું. છતાંય પ્રેમ કરવો, એ કોઈ ખોટી વાત નથી. પણ,સુશિલાબેને જે કર્યું, એ ખોટું હતું. એ વાતનું સુમનને ભારોભાર દુઃખ હતું.
“ઘરમાં બધાં આ વાત જાણે છે??” સુમને આરવને પૂછ્યું.
“હાં, બસ એક તને જ જાણ કરવાની બાકી હતી. હવે તારાં જીવનમાં બધું સરખું થઈ ગયું. તો મને થયું, કે હવે તને પણ આ બાબતે ખબર હોવી જોઈએ.” આરવે ખુરશી પરથી ઉભાં થઈને કહ્યું.
“તો તું સાચે મારો ભાઈ છે!? આ વાત જાણીને હું બહું ખુશ છું.” સુમને ખુશ થઈને કહ્યું.
સુમનની વાત સાંભળી આરવ સુમનને ગળે વળગી ગયો. સુમન બધી હકીકત જાણ્યા પછી પણ ખુશ હતી. એ વાતે આરવને સંતોષ થયો.
“તું ભલે મારાથી મોટો હોય. પણ,આજે તારે મારી એક વાત માનવી પડશે.” સુમને ખુરશી પર બેસી, પગ પર પગ ચડાવીને કહ્યું.
“શું વાત માનું બોલ!?” આરવ સુમનની પાસે જઈને કહ્યું.
“હવેથી તારે અમારી સાથે જ રહેવું પડશે. અમદાવાદ તારો જે પણ બિઝનેસ હોય, એ તું રાણપુર જ શિફ્ટ કરી લે.” સુમને હુકમ કરતાં કહ્યું.
“એ માટે સમય લાગશે. પણ,તારાં લગ્ન પહેલાં જરૂર થઈ જાશે.” આરવે સુમનના ગાલ ખેંચીને કહ્યું.
આરવ સાચે પોતાનો ભાઈ હતો. એ વાતથી સુમન ખૂબ જ ખુશ હતી. બંને ભાઈ-બહેન મળીને જૂની યાદો વાગોળવા લાગ્યાં. ત્યારે મનન હાંફળો ફાંફળો થઈને સુમનની કેબિનમાં આવ્યો.
“તમે બંને અહીં જ છો. સારું થયું…હવે મારી સાથે ચાલો, મારે તમને કંઈક બતાવવું છે.” મનને ઉતાવળાં અવાજે કહ્યું.
આરવ કે સુમન કાંઈ બોલે એ પહેલાં જ મનન બંનેનાં હાથ પકડી, બંનેને રાણપુરના પુલ પાસે ઢસડી લાવ્યો.
“તું અમને અહીં શાં માટે લાવ્યો??” આરવે મનનને પૂછ્યું.
“એ મારાં કહેવાથી તમને અહીં લાવ્યો છે.” ચાની લારી પાસેથી કોઈકનો અવાજ આવ્યો.
સુમન અને આરવે એ તરફ નજર કરી. સામેથી નિશાંત કોઈ છોકરી સાથે આવતો હતો. નિશાંત એ છોકરી સાથે ખૂબ ખુશ દેખાતો હતો. તેમની સાથે વિકાસ પણ હતો. આજ વિકાસને મનનને જોયાં પછી ગુસ્સો નાં આવ્યો.
“આ કોણ છે?? તું આટલાં દિવસ સુધી ક્યાં હતો?? બધાં તને લઈને કેટલાં પરેશાન હતાં. અમને તો થયું-”
“તમને થયું, કે હું મરી ગયો. પણ,એવું કાંઈ નથી. તે રાત્રે બધાંને એમ જ થયું હતું. પણ,એ રાત્રે પુલ પરથી હું નહીં, પથ્થર પડ્યો હતો. હું તો નિશાનો કોલ આવતાં જ અમદાવાદ જતો રહ્યો હતો.
મેં સ્યુસાઈડ નોટ લખી જરૂર હતી. પણ,નિશાનો કોલ આવતાં જ મેં એ વિચાર માંડી વાળ્યો હતો. હું નિશાને કોલેજ સમયમાં જ પ્રેમ કરતો. પણ,ક્યારેય કહી જ નાં શક્યો. પછી અમે અલગ થઈ ગયાં. ત્યાર પછી મને તારાં પ્રત્યે લાગણી થઈ. તો નિશાનો વિચાર જ નાં આવ્યો.
એ રાત્રે નિશાએ મને અમદાવાદ આવવાં કહ્યું. તો હું કાંઈ પણ વિચાર્યા વગર અમદાવાદ જવાં નીકળી પડ્યો. ત્યાં પહોંચીને નિશાએ સામે ચાલીને મને પ્રપોઝ કર્યો. હું નાં ન પાડી શક્યો, ને અમે બંનેએ ત્યારે જ સગાઈ કરી લીધી.
સગાઈ પછી કેટલાંય નાનાં મોટાં કામો આવી જવાથી હું કોઈને કાંઈ જણાવી જ નાં શક્યો.” નિશાંતે એ રાત પછી જે બન્યું હતું. એ બધું કહી દીધું.
“ઓહ, તો તું મને પણ રમાડી ગયો એમ ને!?” મનને નિશાંતનો કાન ખેંચીને કહ્યું.
“હાં, તે કહ્યું એમ, હું એ રાત્રે જ કોઈને કહ્યાં વગર અમદાવાદ જતો રહેવાનો હતો. પણ, સાંજ પડતાં જ મરવાનો વિચાર આવ્યો. તો પુલ પર આવી ગયો. પણ, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.” નિશાંતે નિશા સામે સ્મિત કરતાં કહ્યું.
“તો સગાઈના દિવસે જે થયું, એ બધો તારો પ્લાન હતો??” આરવે મનનને પૂછ્યું.
“હાં, પણ નિશાંત માત્ર અમદાવાદ જાશે. એ પ્લાન મારો હતો. એ મરી જાશે, એવો પ્લાન મારો નહોતો. મારે તો માત્ર એ અમદાવાદ જતો રહે, ને સુશિલા આન્ટી એનાંથી ગુસ્સે થઈ જાય. પછી ધનજીકાકાના કહેવાથી એ મારી સગાઈ સુમન સાથે કરાવે એટલું જ કરવાનું હતું.” મનને બધી વાતની ચોખવટ કરી.
“મનન મને ચાની લારી પરથી ગયાં પછી મળ્યો હતો. તેણે જ મને કોઈને જાણ કર્યા વગર અમદાવાદ જતું રહેવાનું કહ્યું હતું. સુમને હોસ્પિટલમાં વાત કરી હતી ને, કે આન્ટી ખુદ અમારી સગાઈની નાં પાડી દે, એવું કંઈક કરવું પડશે!? બસ એ જ વાત મનન સાંભળી ગયો હતો, ને તેણે આ બધો પ્લાન બનાવ્યો હતો.” નિશાંતે બધી હકીકત કહી.
“વિકાસ, હવે તો તું ખુશ છે ને??” મનને વિકાસને પૂછ્યું.
“હાં, મારો ભાઈ ખુશ છે, તો મને પણ કોઈ શિકાયત નથી.” વિકાસે નિશાંત સામે જોઈને, હસીને કહ્યું.
નિશાંતની બધી વાત સાંભળી આરવ અને સુમન મનન સામે જોઈને હસવા લાગ્યાં. આખરે મનને ત્યારે એ બધું શાં માટે કર્યું હતું. એનું રાઝ નિશાંતે ખોલી જ દીધું. બધાં ખુશી ખુશી પોતાની ઘરે જતાં રહ્યાં.
સુશિલાબેનના સ્વભાવમાં હવે ઘણો સુધારો આવી ગયો હતો. તે મનિષાબેન સાથે પણ સારું વર્તન કરતાં. સુમન પોતાનાં મમ્મીનું એ રૂપ જોઈને ખુશ હતી. બધાં રાજી ખુશી એક જ ઘરમાં રહેવા લાગ્યાં.
વર્ષો પછી સુશિલાબેનની દીકરાની ઈચ્છા પણ પૂરી થઈ. હવે સુશિલાબેન રોજ આરવ ઉપર પોતાની મમતા લૂંટાવતા. આરવને યશોદા અને દેવકી માઁ બંનેનો પ્રેમ એક સાથે જ મળતો.
સુશિલાબેન સુમનનુ પણ ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યાં હતાં. હવે સુમન ક્યાંય પણ જાય, કે કાંઈ પણ કરે. સુશિલાબેનને તેનાથી કોઈ શિકાયત નહોતી.
આખરે મનનના એક પ્લાનથી બધાંને પોતાનો હક, ને ખુશીઓ મળી જ ગયાં.
સમાપ્ત