શીર્ષક:- ગળું ગયું
ગળું ગયું મારું ગળું ગયું, ગળું ગયું મારું ગળું ગયું,
ખોં ખોં કરતાં ના મોઢું ભેગું થયું, ગળું ગયું મારું ગળું ગયું.
મમ્મી લઈ ગયાં ડૉક્ટર પાસે;
ડૉક્ટર કે’ આવ બેસ મારી પાસે!
હાથમાં તેમણે એક ટૉર્ચ લીધી,
મોઢું ખોલીને મેં આ.. આ.. કીધી,
કરી ઉધરસે હાઉકલી, ડૉક્ટર કે’ તને ઇન્ફૅક્શન થયું!
ખોં ખોં કરતાં ના મોઢું ભેગું થયું, ગળું ગયું મારું ગળું ગયું.
ગળું ગયું મારું…
ડૉક્ટરે નળીવાળુ રમકડું લીધું;
એનાં ભૂંગળાંને પોતાનાં કાને દીધું,
છાતી પર મારી એનો ડટ્ટો મૂક્યો,
વાંસા પર પણ એ બધે ફેરવ્યો,
તાવ નથી પણ કફ છાતીમાં ઘર ઘર છે રમી રહ્યું!
ખોં ખોં કરતાં ના મોઢું ભેગું થયું, ગળું ગયું મારું ગળું ગયું.
ગળું ગયું મારું…
ડૉક્ટરે પૂછ્યું મને મેં શું શું ખાધું?
જવાબ મારો હતો ગુલાબજાંબુ,
રાત્રે વળી સળીવાળા બબ્બે ગોલા!
મનપસંદ એમાં મારો કાલા ખટ્ટા,
ચૂસકી લેતાં લેતાં હું જીભમાં કાળો કાળો કલર કરું,
ખોં ખોં કરતાં ના મોઢું ભેગું થયું, ગળું ગયું મારું ગળું ગયું.
ગળું ગયું મારું…
ત્યાં તો ડૉક્ટરે ઇન્જેક્શેન કાઢ્યું;
ઘમ દઈ મારાં બમ પર માર્યું!
મેં તો મોટો મોટો ભેંકડો તાણ્યો,
ટચૂકડો એ ગોલો યાદ આવ્યો!
ગોલાની મજાની સજા મળી, ટપ ટપ નાકમાંથી પાણી પડ્યું,
ખોં ખોં કરતાં ના મોઢું ભેગું થયું, ગળું ગયું મારું ગળું ગયું.
ગળું ગયું મારું ગળું ગયું, ગળું ગયું મારું ગળું ગયું,
ખોં ખોં કરતાં ના મોઢું ભેગું થયું, ગળું ગયું મારું ગળું ગયું.
આરતી રામાણી “એન્જલ”
Related