પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે. તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિતરૂપે તમારી મદદ કરશે. ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે, તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયુ હતું. તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાઇ ગયા પછી તેમનુ શરીર અકડાઇ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો. કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંતચતુર્દશીએ તેમનું વિસર્જન કરવામાં આવે છે.
એવું પણ કહેવાય છે કે છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીના રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. તેને અનંત ચૌદસ પણ કહે છે. ચાલુ વર્ષે આ તિથિ 9 સપ્ટેમ્બરના રોજ આવે છે. અનંત ચૌદસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે તથા અનંત સૂત્ર બાંધે છે. અનંતસૂત્ર કપડાં કે રેશમનું બનેલું હોય છે અને તેમાં 14 ગાંઠ હોય છે. માન્યતા છે કે અનંત ચતુર્દશીએ ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર બાંધવાની તમામ અડચણોમાંથી મુક્તિ મળી જાય છે. અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રીગણેશની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરે છે. અનંત ચતુદર્શીએ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેમના તમામ પ્રકારના પાપ તથા સંકટ નાશ પામે છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
👉 ગણપતિ વિસર્જનમાં આ વાત ધ્યાનમાં રાખો. 👇
ગણેશ વિસર્જન પહેલા બાપ્પાની ચોકીને ફૂલો અને લાલ-પીળા કપડાં વગેરેથી સજાવી લો. આ પહેલાં તેને ગંગાજળ કે ગૌમૂત્રથી સાફ કરો અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરો. બાપ્પાની પ્રિય ભોગ લગાવો. જે બાદ ભગવાન ગણેશની સ્વસ્તિવાચન કરો. ગણપતિની આરતી કરો અને બાદમાં વિદાય લેવાની પ્રાર્થના કરો. વિસર્જન વખતે ગણપતિની મૂર્તિને લઈ જતા સમયે તેમનું મુખ ઘરની અંદર હોય નહીં કે બહાર તે વાતનું ખાસ ધ્યાન રાખો. વિસર્જન પહેલા ઘરમાં સ્થાપિત રહેલા બાપ્પાની આ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગો. એટલું જ નહીં તેમને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે, તમારા સંકટ દૂર થઈ જાય. વિસર્જન પહેલા ફરી એક વખત તળાવ કે કુંડ નજીક પહોંચીને ગણપતિની આરતી કરો. જે બાદ તેમને પૂરા સન્માન સાથે વિદાય આપો. ગણપતિને જળમાં વિસર્જિત કરતી વખતે તેમની પ્રતિમાને ફેંકવાના બદલે પૂરા માન-સન્માન સાથે જળમાં પ્રવાહિત કરો. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં ગણેશ વિસર્જન થઇ જવું જોઇએ. ગણેશ જળ તત્વના અધિપતિ દેવતા છે એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્વોમાંથી એક છે. તેમાં મિશ્રિત થઇને પ્રાણ પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિ પંચ તત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિ વિસર્જનથી એવું માનવામાં આવે છે કે, પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવી જાય છે.
દેસાઈ માનસી