“બસ એટલામાં થાકી ગયો દિપૂડા?”
આઠ વર્ષના દિપકે, હાંફતા હાંફતા એની મમ્મી સામે માથું હલાવ્યું અને જવાબ આપ્યો, “ના ના. હજી તો ઘણું રમવાનું બાકી છે. એક નાનો બ્રેક લઉં છું. પૈસા આપો, મને પાણી અને ચિપ્સનું પેકેટ લેવું છે.”
શરદ પૂર્ણિમાની રાતે, મસ્ત ભૂરું અને લાલ કેડિયું પહેરેલો, રૂપાળા દિપકે, પોતાની ટોપી સીધી કરી અને
મમ્મી સાથે પાણી અને ચિપ્સનું પેકેટ લેવા બહાર આવ્યો. તેઓ રસ્તો ક્રોસ કરવાના હતા, ત્યારે જ મેદાનના ગેટ પાસે એક નાના છોકરાએ તેમને અવાજ આપ્યો, “માસી પ્લીઝ, દુકાનમાંથી લેવા કરતા, મારી પાસેથી પાણી ખરીદોને. આ પણ ચોખ્ખું મિનિરલ વોટર જ છે.”
તે દિપક જેટલો જ લાગતો હતો. એના કપડાં થોડા મેલા અને વાળ વિખરાયેલા હતા. હાથમાં બે મિનિરલ વોટરની બોટલ હતી અને બાજુમાં એક મોટો થર્મોકોલનો ડબ્બો પડ્યો હતો.
દિપકની મમ્મી, દિવ્યાંશી, અતિ પ્રેમાળ અને માયાળુ હતી. એણે સ્મિત કરતા, એ છોકરાને પૂછ્યું, “શું નામ છે તારું?”
“વિષનું.”
“સ્કુલ જય છે?”
“હા. ચોથીમાં છું.”
“તને ગરબા રમવાની ઈચ્છા નથી થતી?”
“ગરબા રમીશ, તો પૈસા કેવી રીતે કમાઈશ?”
આ સાંભળીને દિવ્યાંશીને દુઃખ થયું અને એણે વિષનુંના ડબ્બા સામે જોયું. “કેટલી બોટલ બાકી છે વેચવાની?”
“પંદર.”
“અગર હું તારી પાસેથી બધી ખરીદી લઉં તો?”
વિષનુંની આંખો ઉત્સાહથી ચમકી ઉઠી, અને તેણે આતુરતાથી કહ્યું, “ખરેખર! વાહ, તો તો મમ્મી નક્કી આજે મને દૂધ અને પવાની ખીર બનાવીને ખવડાવશે.”
દિવ્યાંશીએ વિષનુંના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, “અને હું તને મેદાનની અંદર ગરબા રમવાની પરવાનગી અપાવી દઈશ.”
દિવ્યાંશીએ વિષનું પાસેથી પાણીની બધી બોટલ ખરીદી લીધી. વિષનુંના મોઢે ખુશીનું એટલું મોટું સ્મિત આવ્યું, જાણે એને કોઈ ખજાનો મળી ગયો હોય.
પાછા અંદર જતી વખતે, દિપકે એની મમ્મીને પૂછ્યું,
“મમ્મી, આટલી બધી પાણીની બોટલનું આપણે શું કરશું? ખોટા પૈસા વેડફાઈ ગયા.”
એક મિનિટ વિચાર્યા પછી, દિવ્યાંશીએ હળવેથી દિપકને સમજાવ્યું. “બેટા આપણા માટે પંદર પાણીની બોટલ કાંઈ મોટી વાત નથી. બધાને આપી દઈશું. પણ વિષનું માટે બહુ મોટી વાત છે. તે એના મોઢે હર્ષ અને ઉલ્લાસ ન જોયું?”
તેના પુત્રમાં એક મહત્વપૂર્ણ મૂલ્ય કેળવવાનો આ જ યોગ્ય સમય હતો. દિવ્યાંશી દિપક સામે ઘૂંટણિયે બેઠી અને ધીમેથી કહ્યું, “બેટા, શરદ પૂનમનો ચાંદ આકાશમાં બધા માટે આખો હોય છે, પણ જો આપણે કોઈના જીવનમાં ખુશીનો ચંદ્રમાં પૂર્ણ કરી શકીયે, તો એના જેવી કોઈ પૂજા કે ભક્તિ નથી. સમજ્યો?”
દિપક એની મમ્મીને જોતો રહ્યો, અને દિવ્યાંશીને શંકા થઈ, કે એની વાત એના આઠ વર્ષના દીકરાને સમજમાં આવી, કે પછી ઉપરથી ગઈ. દિપકે ગેટની બાહર ઉભેલા વિષનું સામે જોયું. તે સ્મિત ભરતા, ખુશીથી માથું હલાવતા, પોતાના પૈસા ગણી રહ્યો હતો. દિપક દોડીને એની પાસે ગયો અને પોતાના કેડિયુંની લાલ ટોપી વિષનુંને પહેરાવી દીધી.
એ વાતને આજે દસ વર્ષ થઈ ગયા, પણ મમ્મીના અમૂલ્ય શબ્દો, દિપકને જીવન ભર યાદ રહ્યા. આજે પણ, દર વર્ષે, તે કંઈક એવું કરે છે, જેથી કોઈના જીવનમાં ખુશીનો ચંદ્રમાં પૂર્ણ કરી શકે.
શમીમ મર્ચન્ટ
લેખિકાની નજરે:
નમસ્કાર મિત્રો
તહેવાર; એટલે મોજ મસ્તી અને હર્ષોઉલ્લાસ. પોતા પૂરતા તો બધા જ જીવતા હોય. અલબત્ત ક્યારેક એવું પણ કરવું જોઈએ, જેથી બીજાના દિવસોમાં ખુશીનો ચંદ્રમાં લાવી શકીએ, ભલે પછી એ સમુદ્રમાં એક ટીપાં બરાબર કેમ ન હોય. જેમ કહેવાય છે કે, દરરોજ એક સફરજન ડૉક્ટરને દૂર રાખે, હું કહું છું કે દિવસનું એક સારું કાર્ય ખરાબ વિચારોને દૂર રાખે.
બીજાના મોઢે સ્મિત અને આપણને મનની શાંતિ આપે છે.