“કાંઈ શિકાર ?”
“શિકાર તો શિકાર ! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભૂકો કરી નાખે એવો ! આકડે મધ અને માખીયુ વિનાનું.”
“કોણ ?”
“ભાવનગરનાં રાણી નાનીબા.”
“ક્યાં ?”
“દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંહને ઘેરેઃ ભેળા કુંવ૨ડા છે; ભેળી ઘરેણાંની પેટી છે, અને સાથે અસવાર છે થોડા.”
“ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.”
આકડીયા ગામનો ઠુંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના
ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગજીનાં રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબી ગામની સીમમાં દડવાને
કોઈ કહે છે રાઘો ચાવડો નહિ, પણ સરંભડાનો કાઠી મેરામતોતળો લુંટવા આવેલો.
માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યા છે. રણવગડામાં નાચ કરતી
કોઈ અપસરા સરીખું હીંગળોકીયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝયો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચીંતો છાપો મારીને રાધા ચાવડાના અસવારોએ નાનીબાનાકૈક અસવારોને બરછીથી પરોવી લીધા, કૈક ભાગ્યા, થોડાકને બાંધી લીધા અને રાધડે હાકલ કરી કે “બાઈ, ધરેણાંની પેટી બહાર ફગાવી દેજે.”
થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “ તમે કોણ છો બાપ ?”
“જોગીદાસ ખુમાણના માણસો.”
“અરરર ! જોગીદાસ ભાઈ અસ્ત્રીયું ને લુંટે ખરા ? જોગીદાસ અખાજ ખાય ? “
“હા હા, ભૂખ્યે પેટે અખાજે ય ભાવે દાગીના લાવો.”
“અખાજ ભાવે ? ભૂખ્યા તોય સાવઝ ! ઈ તરણાં જમે ?”
“કાઢી નાખો, ઝટ ઘરાણાં, વાદ પછી કરજો !”
આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દેવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેટેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ ?”
“કોણ જોગીદાસ ખુમાણ ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાધે અવાજ પારખ્યો.
“તું કોણ ?”
“હું રાધો ચાવડો.”
“રાધડા ! અટાણે અંધારે શું છે ? કોની હારે વડચડ કરી રહ્યો છે ?”
“આપા જોગીદાસ ખુમાણ ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટી ભરીને ઘરાણાં.”
“પણ કોણ છે ?” “તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે, કરી નાખ ટુંકુ.”
“રાઘા !” હસતા હસતા જોગીદાસ બોલ્યા, “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી ! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બોન નાનીબા હારે નહિ. ઈ તે મારી મા બો’ન ગણાય. અને વળી અબળા, અંતરીયાળ ઓધાર વગર ઉભેલી ! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાધા ! હવે સમજતો જા !”
“ઠીક તયીં. જોગીદાસ ! તારાં ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ, અમે એકલા પતાવશું.”
રાધો હજુ યે સમજતો નથી.
“રાધા ! હવે તો તને રસ્તે પાડીને પછેં જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરીયાળ રઝળવા દેવાય ?”
“એટલે ?”
“એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાધો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠુંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા !”
“એમ છે ? તયીં તો થાજે માટી જોગા !”
“માટી તો કાંઈ થયું થવાય છે બા ? માએ જન્મયા ત્યારથી જેવા હોયીં એવાજ છીએ રાધડા ! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલે હાલ્યો આવ્ય.”
રાધા અને જેગીદાસે પોતાની ફોજો ભેડવી, ખીસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાધો ભાંગી નીકળ્યો. કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુ યે ભરોસો નથી કે બહારવટીયાના પેટમાં કુડ કપટ છે કે નહિ. ઉલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે.
જોગીદાસે હાકલ કરી “એલા ગાડાખેડુ ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર ? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.”
નાનીબાએ બહારવટીયાના મ્હોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ ! વીરા ! બો’ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે ? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કેદિ ભૂલીશ ?”
“વેલડાને વીંટી વળો ભાઈ !” જોગીદાસે હુકમ કર્યો. ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો.
અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબુકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટીઆએ રજા લીધી કે “બોન ! મા ! હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા બાપા ! હવે મને રજા છે !”
“જોગીદાસભાઈ !” નાનીબાની છાતી છલકી; “તમે ય મારી ભેળા હાલો હું મહારાજને કહીને તમારૂં બહારવટુ પાર પડાવું, તમારો વાળ વાંકો ન થાય.”
“માડી ! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બહારવટું પાર પડે એમાં જોગીદાસની વષેકાઈ શી ? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે લઈશ – કાં મહારાજની સાથે સામસામા છાતીના ઝાટકા લઈ દઈને, ને કાં અરસ્પરસ પ્રીતિની બથું ભરીને, આજ તો રામ રામ ! મહારાજને મારા રામ રામ કહેજો.”
એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને જોગીદાસભાઈ ! જોગીદાસભાઈ ! એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.
સૌજન્ય – અમર કથાઓ
Related