(આ વાર્તા, હિન્દુસ્તાન-પાકિસ્તાન ના ભાગલાના સમયની છે.)
“ક્યારે મળીશું? ભાઈ, પાછા ક્યારે મળીશું?”
મને ગળે લાગીને, સોળ વર્ષની મારી નાની બહેન, શિરીન, ધ્રુસ્કે ધ્રુસ્કે રડી હતી. એનો પ્રશ્ન અને એના રુદનના ભણકારા બાર વર્ષ સુધી મારા કાનમાં ગુંજતા રહ્યા.

ભાવનગરમાં અમારા મુસ્લિમ પરિવાર માટે બધું જ સારું ચાલી રહ્યું હતું. મારી લાડકી નાની બહેન, શિરીનના લગ્ન એક મધ્યમ વર્ગના આદરણીય કુટુંબમાં કર્યા હતા. ખાતે પીતે સુખી હતી. પણ આઝાદીની લડાઈ અને પાર્ટીશને બધું તહેસ નહેસ કરી નાખ્યું. સામાન્ય માણસ રાજકીય સત્તાની રેસમાં બલિનો બકરો બની ગયો. અમારા ઘરમાં ઘૂસીને અમને વતન છોડવાની ધમકી આપવામાં આવી. રાતો રાત જાન બચાવવા માટે, વર્ષોની મહેનતથી જમા કરેલી પૂંજી મૂકીને ભાગવું પડ્યું.
મારા બાપાએ શિરીનના સસરાને કહ્યું,
“હવે અહીંયા રહેવા જેવું નથી રહીમ. અમારી સાથે ચાલો.”
“નહીં હસન, હું મારા બાપ દાદાની જમીનને મૂકીને ક્યાંય નહીં જાઉં. અમે અમારું જોઈ લઈશું. તમે જાવ.”
આ ઝીદમાં, હું મારી બહેનથી દૂર થઈ ગયો.
ભાગલાની ઘોષણા થયા પછી, ભારતીય ઉપખંડ ઝડપથી હુલ્લડો અને હત્યાકાંડમાં ઉતરી ગયું. તે એક ખતરનાક પ્રવાસ હતો. સ્ત્રીઓ સાથે ઘણી બદસુલુકી કરવામાં આવી. એક જ રસ્તે મુસાફરી કરનારા ઘણા લોકો માર્યા ગયા; તેમના મૃતદેહો, લાવારિસની જેમ ટ્રેક પર પડ્યા હતા. જે લોકો પાકિસ્તાન પહોંચ્યા, તેઓએ તેમના જીવના બદલામાં સોનુ અને પૈસા આપ્યા હતા. અમેં પણ એમાંના એક હતા. અમારી જેમ લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા.
પાકિસ્તાનની સરજમીન તો ક્યારેય પોતાની લાગી જ નહીં, અને જીવન ભર મુહાજીરના ખિતાબ સાથે જીવવું પડ્યું.
મને શિરીનની ખૂબ ફિકર થતી. દુઆ કરતો હતો, કે તે તેના પરિવાર સાથે સુરક્ષિત હોય. એની યાદમાં ખૂબ આંસુ છલકાતા અને એને મળવા મારુ દિલ ફફડી રહ્યું હતું. ત્યારે મારો દોસ્ત સુખવિંદર મને આશ્વાસન આપતો,
“લાલા શિરાઝ, સર સલામત, તો પગડી હજાર. હમણાં હાલાત ખરાબ છે, પણ એક દિવસ તું જરૂર તારી બહનને મળીશ.”
“ઇન્શાલ્લાહ! અલ્લાહ કરે તે દિવસ જલ્દી આવે.”
એક દસકો મને મારી શિરીનથી દૂર રહેવું પડયું. ઘણી વાર એના પરિવારના વિશે વિચારતો.
“હવે તો તે માં બની ગઈ હશે. દિકરો થયો હશે, કે દીકરી?”
જ્યારે રસ્તા ખુલ્યા અને મુસાફરી કરવાની પરવાનગી મળી, તો મારી ખુશીની કોઈ સીમા ન રહી.
આજે, બાર વર્ષે બાવો બોલ્યો. ઘંટડી વગાડી છે અને શિરીનના ઘરની બહાર ઉભો છું. દરવાજો ખુલ્યો અને અમેં અવિશ્વસનિય રીતે એક બીજાને જોઈ રહ્યા. મારી નાની બહેન જવાન અને પીઢ થઈ ગઈ હતી. મને જોતા જ એના મોઢેથી ચીસ નીકડી ગઈ,
“શિરાઝ ભાઈ?!?”
છેવટે, એના મોઢા પર સ્મિત આવ્યું અને મારી આંખમાં આંસુ. ગળે લાગતી વખતે, વર્ષોથી દબાયેલી હ્યયાની લાગણીઓના પુર તૂટી ગયા.
“ક્યારે મળીશું?”
શિરીનના પ્રશ્નનો જવાબ, બાર વર્ષે મળ્યો.
શમીમ મર્ચન્ટ,
——
લેખિકાની નજરે
નમસ્કાર મિત્રો,
આ વાર્તા લખતી વખતે, હું પોતે રડી પડી હતી. નસીબ જોકે, મારુ જન્મ પણ પાકિસ્તાનનું છે. મારા નાના અને દાદી સગા ભાઈ બહેન છે. એટલે આ પરિસ્થિતિથી હું સારી પેઠે જોડાઈ શકું છું. આ ટૂંકુંવાર્તામાં ભાવનાઓનો મહાસાગર છુપાયેલો મળશે. જો વાર્તા ગમે, તો જરૂર લાઈક કરી, આગળ શેર કરજો. પ્લીઝ. આભાર!
_______________________