ભવિષ્ય પુરાણ’ માં વેદ વ્યાસજીની નોંધ મુજબ કળિયુગના ત્રણ હજાર વર્ષ વીતી ગયા બાદ ઈ.સ. પૂર્વે ૧૦૧માં વિક્રમાદિત્યનો જન્મ થયો અને એમણે રાજ કર્યુ પૂરાં ૧૦૦ વર્ષ. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે હિંદુ નવું વર્ષ બુધવાર , 22 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2080 શરૂ થશે. ‘વિક્રમ’ એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર. વિક્રમાદિત્યનો અર્થ “સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર” થાય. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે બહુ ઓછા લોકોને જ્ઞાન હશે કે એમના જ શાસનકાળમાં ભારત ” સોને કી ચિડીયા “બન્યું હતું. આ કાળ દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે. ઉજ્જૈનમાં રાજા ગન્ધર્વસેનનું રાજ હતુ. એમને ત્રણ સંતાનો હતા, જેમાં પ્રથમ દિકરી મેનાવતી હતાં, બીજા નંબરમાં રાજા ભરથરી અને સૌથી નાના હતાં વિક્રમાદિત્ય. બહેન મેનાવતીનાં લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા. જેમનાથી એક રાજકુમાર થયા જેનું નામ હતું “ગોપીચંદ” જેમણે આગળ જઈને શ્રી જ્વાલેન્દરનાથથી યોગદિક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા. એ પછી માતા મેનાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દિક્ષા લઈ લીધી. આમ ગંધર્વસેનનાં જ્યેષ્ઠ પુત્ર હતા ભરથરી તેથી ભરથરીને રાજગાદી સોંપવામાં આવી. રાજા ભરથરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઇ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગદિક્ષા લઈ લીધી. રાજા વિક્રમાદિત્યે ગુરુ ગોરખનાથ પાસેથી “યોગદિક્ષા” નહીં પરંતુ “ગુરુદિક્ષા” લઈને રાજપાટ સંભાળી લીધો જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે. રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુજ પરાક્રમી, બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા હતા. રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજીત રીતે ચલાવતાં હતાં. તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વહેપારીઓ સોનાનાં વજનથી ખરીદતા હતા.
આમ વિક્રમાદિત્યની વેપાર નીતિથી ભારતમાં એટલું સોનું આવ્યું કે ભારતમાં સોનાનાં સિક્કા ચલણમાં ચાલતા હતા. એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતાં. ન્યાય, રાજ, પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતાં હતા. વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતની પ્રાચીનતમ નગરીઓમાંની એક એવી ઉજ્જયિની (ઉજ્જૈન)ના રાજ સિંહાસન પર બિરાજમાન થઈને તેમણે માત્ર યુદ્ધ લડવા, પ્રદેશો જીતવાનું કામ ન કર્યુ પણ સામાન્ય પ્રજાના સુખ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. આમ જનતાના સંકટ-મુશ્કેલી જાણવા માટે તેઓ વેશપલટો કરીને નીકળતા હતા. પરાક્રમ, વીરતા અને રાષ્ટ્રાભિમાનથી વિદેશી આક્રમણખોર શકોને મારી હટાવ્યા હતા. ઐતિહાસિક ઉલ્લેખ મુજબ આ સમ્રાટે માત્ર ભારતીય ઉપખંડમાં જ નહિ ઈરાન, ઈરાક અને આરબ જગત સુધી રાજ્ય વિસ્તાર્યું હતું. જરહામ કિનતોઈએ તેમના આરબ પ્રાંત પરના વિજયનું વર્ણન કર્યું છે. અન્ય ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ મુજબ એક સમયે ઈજિપ્ત પણ એમને આધિન હતું. કહી શકાય કે આખી પૃથ્વીના લોકો એમને જાણતા હતા. એમનું લશ્કર ધરતી પર સૌથી શક્તિશાળી ગણાતું હતું.
‘વેતાળ પચ્ચીસી’ અને ‘સિંહાસન બત્તીસી’ સહિતની લોકકથાઓમાં પણ વિક્રમાદિત્ય છે. આ ઉપરાંત રાજા વિક્રમાદિત્યને એટલા માટે પણ યાદ કરવા જરુરી છે કે આજે ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણે જ અસ્તિત્વમાં છે. ચક્રવર્તી અશોક સમ્રાટ (મૌર્ય) એ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને બુદ્ધ ધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે ૨૫ વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો. જે સમયે રાજા ભરથરીનું રાજ ચાલતું અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ના આપ્યું. કદાચ જ કોઇને ખબર હશે કે રામાયણ અને મહાભારતનાં ગ્રંથો એ સમયે ખોવાઈ ગયા હતા અથવા એવું કહી શકાય કે બૌદ્ધ ધર્મના લીધે કોઇકે ગાયબ કરી દીધા હતાં. મહારાજ વિક્રમાદિત્યએ આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા. આ ગ્રંથોને પોતાના જ રાજ ગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યાં અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું. તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવનાં મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી. મહારાજ વિક્રમાદિત્યના ૯ રત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી “અભિગ્યાન શાકુન્તલમ્” નામનો ગ્રંથ લખ્યો, જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો નહીંતર ભારતના ઇતિહાસની વાત તો દૂર પણ આજે આપણે ભગવાન રામ અને ક્રુષ્ણને પણ ખોઇ બેઠા હોત અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ. એ ઉપરાંત મહારાજ વિક્રમાદિત્યએ ઘણાં ગ્રંથો શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતાં. પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી, જેમાં આજે જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે. વિક્રમાદિત્યના નવરત્નમાં પ્રકાંડ વિદ્વાન, વિજ્ઞાનના વિશેષજ્ઞ, ગણિતના નિષ્ણાત અને શ્રેષ્ઠતમ કવિ સહિતના મહાનુભાવો હતા.
🔹ધન્વંતરિ,
🔹ક્ષપણક,
🔹શંકુ,
🔹વેતાળ ભટ્ટ,
🔹અમરસિંહ,
🔹વરરુચિ,
🔹ઘટખર્પર,
🔹વારાહમિહિર અને
🔹કાલીદાસ.
કાલિદાસ સુપ્રસિદ્ધ સંસ્કૃત રાજકવિ હતા. વરાહમિહિર એ યુગના પ્રધાન ભવિષ્યવેત્તા હતા, જેમણે વિક્રમાદિત્યના પુત્રનું મૃત્યુ ભાખ્યું હતું. વેતાળભટ્ટ એ માગ બ્રાહ્મણ હતા. તેમણે વિક્રમાદિત્યને સોળ શ્વ્લોકોનું “નીતિ-પ્રદીપા” (Niti-pradīpa ,શબ્દશઃ, “આચારનો દીવો”) રચી આપ્યું હતું.
विक्रमार्कस्य आस्थाने नवरत्नानि
धन्वन्तरिः क्षपणको मरसिंह शंकू वेताळभट्ट घट कर्पर कालिदासाः। ख्यातो वराह मिहिरो नृपते स्सभायां रत्नानि वै वररुचि र्नव विक्रमस्य।।
ભારત અને નેપાળમાં વ્યાપ્ત હિંદુ પરંપરામાં વ્યાપક રીતે વિક્રમ સંવત અથવા વિક્રમના યુગના પ્રાચીન પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે 56 ઈ.સ.પૂર્વે (56 BCE) શકો પર વિજય મેળવ્યા બાદ આ મહાન રાજાએ તેની શરૂઆત કરી હતી. ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે, જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે, ત્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે. ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે પણ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી. સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઇસવી સનની સાથોસાથ થાય છે. આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે: ‘૨૬ નવેમ્બર, 1949, માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત 2006.’ આ વર્ષ ગણના વિક્રમ સંવત પ્રમાણેની છે. આનું કારણ એ કે શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે તો 1957ના માર્ચની બાવીસમી તારીખે સ્વીકારવામાં આવ્યું છે એટલે ઇસવી સનની સાથે ભારતીય પરંપરાના વર્ષ તરીકે 1949માં વિક્રમ સંવતનો ઉપયોગ થયો હતો. આવા વિક્રમ સંવતનાં આજથી શરુ થતાં નવા વર્ષના આપ સૌને અભિનંદન અને સાથે મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમારનાં ચરણોમાં શત કોટી ભાવવંદન
By – Mansi Desai