સુખ અને દુખ, સુખી માણસ અને દુખી માણસ. આવું આપણે સમજણ આવી ત્યારથી સાંભળતા આવ્યા છીએ. કેટલી બધી કહેવતો છે સુખ અને દુખની, સુખ અને દુખ એ એક સિક્કાની બે બાજુ છે, સુખ પછી દુખ, દુખ પછી સુખ, આવી તો અગણિત કહેવતો હશે. સુખ અને દુખનો કોન્સૈપ્ટ ફક્ત આપણાં મનુષ્ય લોકો માટે જ છે. આ દુનિયા પર રહેલા બીજા જીવો તો તેનો અવતાર પૂરો કરી બીજા અવતાર તરફ મીટ પણ માંડી દે છે.
આપણે ત્યાં દુખી વ્યક્તિઓના ઘણા કિસ્સા છે, વાતો છે, એક મજેદાર વાત કહું સાંભળો, “એક દાદાની અંતિમ વિધિ ચાલતી હતી ને સ્મશાનમાં અલગ અલગ લોકો જાત જાતની વાતો કરી રહ્યા હતા, જો દાદાની આત્મા કેટલી દુખી છે, ચિત્તા પણ સળગતી નથી, નક્કી દાદાને કઈક અહીં જ જીવ છે.” તો બીજા કોઈકએ ડપકું પૂરતા કહ્યું, “તે હોય જ ને અહીં જ જીવ એના મોટા છોકરાને માથે લાખ રૂપયાનું લેણું છે, કયાથી જીવ ગતિ કરે.” એક સગાએ તો હદ કરી, “ડોહા, જીવતા હતા તોય દુખી હતા ને મર્યા તોય જો જીવ એનો બિચારનો દુખી ને દુખી અને એ જ વાતને લીધે આ ચિત્તા ઊપડતી નથી.” હવે આમને કોણ સમજાવે કે લાકડા વરસાદના પલળીને ભેજવાળા છે, હવામાં પણ ભેજ છે તો ચિત્તાને સળગતા વાર લાગે પણ માણસ છે ને સાહેબ એની તો વાત જ અનોખી છે.
સુખ શું કામને પાછળ રહે, સુખના તો કિસ્સા ભગવાનને પણ હસાય જાય તેવા છે, “આજે તો હું બહુ ખુશ છું, મારુ ધાર્યું કામ થઈ ગયું, આ પેલો નુસખો મે કરેલોને વહેલી સવારે કાળી ગાયને તલના લાડુ ખવડાવાનો એમાં મારુ કામ થઈ ગયું ને હું ખુશખુશાલ છું.” તો બીજે જોવો અલગ જ બૂમાબૂમ છે, “વાહ દીકરા વાહ, તે તો આજે 92% લાવી મને ખુશ કરી દીધો, આજે મને થયું તો મારો જ દીકરો છે(અત્યાર સુધી એ ભાઈને કદાચ શક હતો!) આજે તે મને રાજી કરી દીધો, બોલ તારે જોએ એ આપું તને.” છોકરો માંગે પણ એવું પાછો, “પપ્પા તમે જ કીધું હતું 90% ઉપર લાવ એટલે આ બાઇક અપાવીશ તો હવે ચાલો આજે જ.” સુખ પણ લાલચી છે સાહેબ આ બાળકના 92% ની જેમ જ. આ બધું તો મટીરીયલીસ્ટિક સુખ છે, મનથી, અંતરાત્મા નું સુખનું સાચું સરનામું તો કથા કરવા વાળા મહાત્મા પાસે પણ નથી એટલે જ તો સુખની શોધ માં કથા કરે છે!
શું છે કોઈ એવો વ્યક્તિ જે પરમ સુખી હોય? શું છે એવો કોઈ વ્યક્તિ છે અતિ દુખી હોય? અને શું છે કોઈ એવો વ્યક્તિ જે દુખી અને સુખી બન્ને હોય?
બાળપણ, કુમળી વયનું બાળક જેને આ દુનિયાદારીમાં કાઈ જ ખબર નથી પડતી એ મારા મતે પરમસુખી છે એટલે જ એ ઊંઘમાં હસતું જોવા મળે છે અને એ હસતો ચેહરો જોય માણસને પણ ઘડીક સુકુન મળી જાય છે.
ઈર્ષા, માણસને નાનામાં નાની વાતોમાં બીજાથી થતી ઈર્ષા એ અતિ દુખ આપે છે. ઈર્ષાળુ વ્યક્તિ પાસે બધુ જ હોવા છતાં જે નથી એના માટે એ હમેશાં દુખી રહે છે અને એને બીજો વ્યક્તિ શાંતિથી જો આરામ પણ કરતો હશે તો ઈર્ષામાં કહેશે, “આને બેઠી આવક છે, એને તો જલસા છે.” એ વ્યક્તિ મારા મતે અતિ દુખી છે.
માતા – પિતા, આ વ્યક્તિત્વ એવું છે જે બાળકના સુખમાં સુખી છે અને બાળકના દુખમાં દુખી છે. એટલે જ તો કહેવત છે, “છોરું કછોરુ થાય, પણ માવતર ક્યારેય કમાવતર નાં થાય.” સુખ અને દુખ તેના માટે ફક્ત તેનું બાળક છે.