કોઈની આંખોમાં જો ઉતર્યો નથી
તો તું સહેલાણી છે મરજીવો નથી.
કંઈ રીતે તારામાં ઊંડે ઉતરું ?
છીછરું પાણી છે તું દરિયો નથી.
જાણું છું કે દુનિયા જુએ છે મને
હું એ જોઉં છું કે તું જોતો નથી.
શબ્દ આબેહૂબ શોધ્યા છે તમે
પણ હજી વાતોમાં એ લહેકો નથી.
તારી વાતો દિલમાં રાખું છું પ્રિયે
તારી વાતો દિલ ઉપર લેતો નથી.
– જય કાંટવાલા