દીકરી
તારી સાથે જોડાતી કેટલી બધી ઉક્તિ !
દીકરી સાપનો ભારો,
દીકરી તુલસી ક્યારો ,
દીકરી ઘરનો દીવો,
દીકરી વ્હાલનો દરિયો ,
પુત્રી પુત્રસમોવડી,
દીકરી ને ગાય દોરે ત્યાં જાય….
અને હજીય લંબાઇ શકે આ લાગણીભરી યાદી.
પણ
વિચારું છું તો લાગે છે કે
તું તો છે નિત્યનૂતના
સંજોગ બદલાય ને તારું સ્વરુપ બદલાય
જોનારની આંખ બદલાય ત્યાં તારું રુપ બદલાય.
દીકરી સૌથી સુંદર ક્યારે લાગે , કહું ?
પિતાની પડખે હોય ત્યારે.
જોનારને લાગે કે
દીકરી છે પિતાને પડખે ,બાપુને ટેકે.
પણ પિતા જાણે છે કે
આમાં કોણ છે કોને પડખે
ને કોણ છે કોને ટેકે.
આ ક્ષણે સહુથી સુંદર લાગે છે દીકરી.
અને હા,
જો પડખે રહેનાર પિતા છે
તો કોઇ દીકરી પારકી નથી.
– તુષાર શુક્લ