કેન્સરનો રોગ શરીરના કોઈપણ અવયવને લાગી શકે છે, પરંતુ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભમુખનું કેન્સર ખૂબ વ્યાપક છે. એના વ્યાપનો સાક્ષાત્કાર કરવો હોય તો કોઈપણ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈ જુઓ. એના વ્યાપથી બચવાની તકેદારી જ સમજદારી છે.
આજે તો કેન્સરના દરેક પ્રકારની સારવાર શોધાઈ ગઈ છે. છતાં કેન્સરનું નામ સાંભળતાં જ મજબૂતમાં મજબૂત ગણાતી વ્યક્તિનાં પણ હાંજાં ગગડી જાય છે, કારણ કે કેન્સર મોટેભાગે મટી જાય છે એ હકીકત હોવાની સાથે બીજી હકીકત એ પણ છે કે એ મોતનો દરવાજો ખટખટાવાનો અહેસાસ કરાવી જાય છે. તમારા જીવન અને શરીરમાંથી ખૂબ મોટો ભોગ લઈ જાય છે.
કેન્સરની પીડા વિશે મોટાભાગની સ્ત્રીઓ જાણે છે, પરંતુ એ અંગે સજાગ છે ખરી? અરે ! પૂરતી જાણકારી પણ ધરાવે છે ખરી? મેનોપોઝ પછી બ્લીડિંગ થાય તો સ્ત્રીઓ તરત ડોક્ટર પાસે જવાને બદલે લાપરવાહી દાખવે છે. બ્રેસ્ટમાં સહેજ દુખાવો થાય તો તરત ડોક્ટરને બતાવવું જોઇએ. પણ દુખાવો વધે નહીં ત્યાં સુધી મહિલાઓ જાગતી નથી. ખરેખર તો રોજેરોજ તમારી બ્રેસ્ટને તમારી જાતે તપાસવી જોઈએ. એમાં ક્યાંય કોઈ ગઠ્ઠા જેવું જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
મહિલાઓ આવું નથી કરતી, કારણ કે એમને બાળપણથી જ તાલીમ મળી હોય છે કે શરીરમાં સાજુંનરવું રહ્યા કરે. આપણે કામ તો કરતા જ રહેવું. અનિયમિત માસિક કે ગર્ભાશયસંબંધી સમસ્યાઓને ગંભીરતાથી લેવાને બદલે ઘરગથ્થુ ઉપાય કરે છે. સમાજમાં જૂની કહેવત છે કે રોગ અને દેવાંને ઊગતાં જ ડામવાં. રોગ વધે પછી સારવાર કરવા કરતાં એ ન થાય એ માટેની સાવધાની, મહેનત અને કાળજી જરૂરી છે.
ગયા વર્ષે ૮.૮ લાખ લોકો કેન્સરમાં મૃત્યુ પામ્યા એમાં બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામનાર સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે હતું ? એઇમ્સના આંકડા મુજબ દર બે મિનિટે બે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય છે અને એમાંથી એક મૃત્યુ પામે છે. દર આઠ મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયનાં મુખ)થી મૃત્યુ પામે છે. આ સિવાયનાં ગર્ભાશય, ફેફ્સાં, અંડાશય અને મોઢાનાં કેન્સર મળી દર વર્ષે બે લાખ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. આ હકીકતો વચ્ચે દુઃખની વાત એ છે કે સરવે મુજબ માત્ર બે ટકા સ્ત્રીઓ પાસે જ આ વિષય અંગેની પૂરતી જાણકારી છે.
અજ્ઞાનતા અને બેદરકારી જીવનને છીનવી લે એના કરતાં જાણીને સંભાળ લેવી આવશ્યક છે. સ્ત્રીઓમાં સૌથી વધારે થતાં બ્રેસ્ટ કેન્સરની શરૂઆત કોશિકાઓ નિયંત્રણ બહાર જાય ત્યારે થાય છે. મોટાભાગના કેસોમાં કોશિકાઓ એક ટયૂમર બનાવે છે જેને ગાંઠના રૂપમાં મહેસૂસ કરાય છે. જોકે આ ગાંઠ કેન્સરની હોય એ જરૂરી નથી. છતાં આવું કંઇ લાગે તો મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો હિતાવહ છે. બ્રેસ્ટ કે બગલના ભાગમાં દુખાવો થાય કે ત્વચા લાલ થાય, સ્તનના આકારમાં બદલાવ આવે, નિપલ્સ પર દાણા દેખાય, નિપલમાંથી કોઇ જાતનું પ્રવાહી ઝરે કે સ્કિન ઉખડે ત્યારે બ્રેસ્ટ કેન્સરની શક્યતા હોઈ શકે. વધતી ઉંમર, વધતું વજન કે હેરિડિટી(વારસા) જેવાં કારણો એ માટે જવાબદાર ગણવામાં આવે છે. નવાં સંશોધનો મુજબ ગર્ભનિરોધક ગોળીઓ શરાબનું સેવન કે એસ્ટ્રોજનનું વધવું (હોર્મોનલ ચેન્જીસ) જેવાં કારણોથી પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે. હેલ્ધી લાઇફ્સ્ટાઇલ આ જોખમને કંઇ અંશે મળી શકે, પરતું ફીટ અને હેલ્ધી વ્યક્તિને પણ કેન્સર થાય ત્યારે નિયમિત ચેકિંગ એ જ એક ઓપ્શન હોઈ શકે. આ માટે ૨૦થી ૩૦ની ઉંમરની મહિલાઓએ ત્રણ વર્ષે એક વાર તથા ૪૦ની ઉંમરની મહિલાઓએ વર્ષે એક વાર મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો જોઇએ. આ સિવાય અલ્ટ્રાસાઉન્ડ કે બાયોપ્સી પણ કરાવી શકાય.
VR Sunil Gohil