કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ખેલાયું એ કુરુક્ષેત્રનું { બહુમાન્ય માપ પ્રમાણે ૧૧૨ કિલોમીટર લાંબુ અને ૪૮ કિલોમીટર પહોળું } મેદાન અર્વાચીન હરિયાણા માં છે. આજે ત્યાં કુરુક્ષેત્રના નામે ટાઉનશીપ છે અને ૧૧૨ કિલોમીટર નો જિલ્લો પણ છે. સૂર્યગ્રહણ વખતે અહી લગભગ ૧૦ લાખ આસ્થાળુઓ પવિત્ર સરોવરમાં ધર્મસ્નાન કરે છે. મકરસંક્રાંતિએ મેળો ભરાય છે. ઈ. સ. પૂર્વ ૩૧૦૨માં યુદ્ધ ખેલાયું તેના ઘણા વખત પહેલા મેદાનનું નામ કુરુક્ષેત્ર કેવી રીતે પડયું ?
પ્રાચીન સમયમાં કુરુ નામના ભરતવંશી રાજા એ જયાં આકરૂ તપ કર્યું તે સ્થળ કુરુક્ષેત્ર તરીકે જાણીતું બન્યું. આ ક્ષેત્રમાં તપ કરનારને કે ત્યાં ખેલાતા યુદ્ધોમાં વીરગતિ પામનારને સ્વર્ગ મળે એવું ઈન્દ્રએ વચન આપ્યું હતું. એટલે ઘણા લોકો એ મેદાનને ધર્મક્ષેત્ર પણ કહેવા લાગ્યા. કૌરવો અને પાંડવો વચ્ચે ૧૮ દિવસ ચાલેલા યુદ્ધ દરમ્યાન કુરુક્ષેત્રના જયોતિસર નામના સ્થળે અર્જુનને ગીતાબોધ અપાયો હતો. અધર્મના નાશ માટે તેને યુદ્ધ કરવા જણાવ્યું હતું એટલું જ નહીં, પણ ચક્રતીર્થ નામની જગ્યાએ શ્રીકૃષ્ણએ પોતે ભીષ્મને હણવા પોતાનું ચક્ર હાથમાં ઉઠાવ્યું હતું ત્યારે અર્જુને તેમને અટકાવ્યા હતાં.