આપણે વિચારતા હોઇએ છીએ કે કુરિતિઓ અને કુરિવાજો હવે નષ્ટ થતાં જાય છે અને લોકોમાં ભણતર સાથે સુધાર થવા લાગ્યો છે. ના, એવું નથી… આજે પણ ઘણી જગ્યાએ અને ખાસ કરીને પછાત લોકોમાં હજુ ઘણાં કુરિવાજો છે.
મારું ગામ રાજસ્થાનમાં આવેલું છે. અમારાં ગામડાંની આસપાસ આદિવાસી લોકો ઘણી મોટી સંખ્યામાં વસવાટ કરે છે. થોડા દિવસ પહેલા હું મારા મામાની દિકરી પિંકી બજારમાં જઇ રહ્યાં હતાં. આમ, તો રોજ ત્યાં આખી રીક્ષા ભરાય પછી જ રીક્ષા ઉપડતી પણ એ દિવસે અમે બન્ને બહેનો અને એક આધેડ વયનાં કાકા હતાં જે આગળ ડ્રાઇવર પાસે જ બેઠા હતાં. અમે નીકળ્યાં અને થોડી દુર પહોંચ્યા ત્યાં બે આદિવાસી છોકરીઓ ઉભી હતી, લગભગ 14-15 વર્ષની હશે, એક છોકરી આવીને અમારી પાસે બેસી ગઇ રીક્ષા ઉપાડવાની જ હતી ત્યાં એક ભાઈ આવ્યાં અને પેલી છોકરીને નીચે ઉતારવાનું કહેવા લાગ્યાં. પેલી છોકરીએ ના પાડી અને એની સાથે જે છોકરી હતી એ છોકરીને પણ સાથે ચાલવા કહેવા લાગી પણ તે ના આવી. આદિવાસીઓની ભાષા ખૂબ જ અલગ હોય છે એટલે એમાં એક શબ્દની પણ ખબર ના પડી કે એ લોકો શું વાત કરતાં હતાં ! પણ એટલું સમજાતું હતું કે પેલી છોકરીને નીચે ઉતારવા માટે એ ભાઈ ફોર્સ સાથે કહેતાં હતાં અને એને નહોતું ઉતારવું. પછી મેં પેલાં રીક્ષાવાળા ભાઈને રીક્ષા ચલાવવા કહ્યું, પણ પેલાં માણસે ના પાડી અને પેલી છોકરીને રીક્ષામાંથી ઉતારવા કીધું અને તેણે પેલી છોકરીને પકડવા હાથ લંબાવ્યો ત્યાં પેલી છોકરી ડરીને સાવ અંદર ઘૂસી ગઇ, મેં પેલાં ભાઈ ને કીધું કે, “હાથ પાછળ રાખો એને નથી આવવું કીધું ને, જાઓ હવે” એને રીક્ષાવાળાને ચાલવા કહ્યું . રીક્ષા ચાલી એટલે પેલી છોકરી સરખી બેસી ગઇ પણ પેલો માણસ બાઇક લઇ અમારી પાછળ આવતો હતો. મેં પિંકીને કીધું કે તું પૂછને પેલી છોકરીને શું થયું એમ તો મને એને ના પાડી કે છોડને એ લોકોનાં મેટરમાં નથી માથું મારવું. મેં એને કીધું કે આમ થોડી મુકાય, અને મેં પેલી છોકરીને પુછ્યું કે શું થયું.? એ એમની ભાષામાં કાંઇક બોલી જે અમને બિલકુલ પણ ના સમજાયું. અમારું સ્ટોપ આવ્યું અને અમે ઉતાર્યા, પેલી છોકરી પણ ઉતરી અને ચાલવા જ લાગી ત્યાં પેલો માણસ આવ્યો અને એનો હાથ પકડીને કાંઇક કહેવા લાગ્યો એને, પેલી એનો હાથ છોડાવા લાગી ત્યાં હું દોડીને ગઈ એમની પાસે અને પેલીનો હાથ છોડાવી એ માણસને આઘો ખસેડ્યો અને જોરથી બોલી, “એને કહે… તમને એક વાતમાં ખબર નથી પડતી..? શું કામ પાછળ આવો છો એની? બોલાવું હું પોલીસને?” પછી એ માણસ “હું પાછો આવીશ” એમ બોલી ને ચાલ્યો ગયો. આટલી વારમાં પિંકી મને ખેંચીને દૂર લઇ ગઇ અને ઘબરાયેલા અવાજે બોલી કે, “તને મેં ના પાડીને વચ્ચે બોલવાની, તને નથી ખબર આ લોકોનું ખૂબ જ ખરાબ હોય છે આપણને યાદ રાખીને આપડી પાછળ પણ આવી શકે. હું અત્યારે ઘરે ફોન કરીને બધું કહુ છું, મને ખૂબ ડર લાગે છે.”
મેં એને કહ્યુ,” કાંઈ નહીં થાય.” પછી પેલી છોકરી પાસે ગયા અમે એને પુછ્યું કે “શું થયુ free?”ફરી એ બવ બધી વાતો બોલી પણ કાંઇ જ સમજ ના પડી. મેં પછી કહ્યું કે,”શું તને એ હેરાન કરે છે?” તો એણે હકારામાં માથું ધુણાવ્યું. પછી મેં એને પોલીસ પાસે જાવા કહ્યું એને ના પાડી એને ઘરે જવું હતું તો અમે એને રીક્ષામાં બેસાડી મોકલી આપી.
ઘરે આવ્યાં અને પિંકીએ બધી વાત બા ને કરી તો બા એ કહ્યું કે “એ લોકોમાં એવાં રિવાજ હોય છે કે છોકરો હોય કે પુરુષ એ કોઈ પણ છોકરીને પોતાની સાથે લઇ જઇ શકે છે ભલે એ છોકરી હોય, પરણિત મહિલા હોય કે છોકરાઓની મા હોય, કોઈ ને પણ એ લોકો લઇ જઇ શકે અને એમાં આપણે લોકો તો શું પોલીસ પણ કાંઇ ના કરી શકે.”
એકવીસમી સદીમાં પણ આવા કુરિવાજો વિશે જાણીને ખૂબ દુઃખ થાય છે અને એ થી પણ વધું દુઃખ એ કે આપણે એમાં કાંઇ કરી શકીયે એમ નથી.
હેમાદ્રિ પુરોહિત