વર્ષોથી કે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે કામ ક્રોધ અને લોભ નર્કના દ્વાર છે અને કમનશીબે આપણાં સર્વેની સમગ્ર જિંદગી આ ત્રણની આજુબાજુ જ ચક્કર લગાવે છે તો શું આપણે બધા નર્કના દ્વાર પર ઊભા છીએ? શું આપણને નર્ક માફક આવી ગયું છે? શું કામ વગર એટલે કે ઈચ્છા કે કામના વગર જીવવું શક્ય છે? વળી કામના પૂર્ણ ન થતાં આવતો ક્રોધ શું અયોગ્ય છે? ઇચ્છાપૂર્તિમાં લોભ જાગવો શું સ્વાભાવિક નથી? આ તમામ પ્રશ્નોનાં જવાબ મેળવવા સૌ પ્રથમ કામ-ક્રોધ-લોભને વિગતે સમજી નર્કની વિભાવનાનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પડે એવું મારૂ માનવું છે. બાકી “કામ-ક્રોધ-લોભ નર્કના દ્વાર” વાળું વિધાન યથાર્થ રીતે સમજી ન શકાય. સૌ પ્રથમ નર્ક કોને કહેવાય તે સમજવું મને જરૂરી લાગે છે ત્યારબાદ તેના દ્વાર અંગે વિચારી શકાય. કોઈ પણ મહેલ કે ઘરના દ્વારને ઓળખતા પહેલા સમગ્ર મહેલ કે ઘરને ઓળખી લેવું હિતાવહ છે. સમગ્રની ઓળખ વગર માત્ર એના દ્વાર વિષે જાણી શું કરવાનું? એટલે કે નર્કને સમજ્યા વગર નર્કના દ્વારને ઓળખીને શું કરવાનું?
મારી અંગત સમજણ અનુસાર નર્ક કોઈ સ્થાન નથી એ તો મનુષ્યની મનોદશા છે. જેવી મનુષ્યની મનોદશા એવી એની દુનિયા. મનુષ્યને સુખી કે દુખી કરનાર એની પરિસ્થિતિ, કિસ્મત કે ગ્રહદશા નથી પરંતુ એની સોચ સ્વભાવ કે વૃત્તિ છે. જો જીવનમાં મંગળકામના હોય, પવિત્રતા હોય, હકારાત્મક સોચ હોય, કલ્યાણકારી સંસ્કાર હોય, પરોપકારી વૃત્તિ હોય તો વ્યક્તિ જ્યાં રહે ત્યાં સ્વર્ગ રચાય. પરંતુ સ્વાર્થી, અમંગલ, આસુરી હિંસક સોચ સ્વભાવ કે વૃત્તિ હોય તો આલિશાન મહેલમાં પણ નર્કની યાતના જ પ્રાપ્ત થાય. સાચું પૂછો તો નર્કનો અર્થ છે ક્ષુદ્ર, દીન, હીન, લાચાર, હલકો, દુર્ગંધયુક્ત નર થવું. જેમણે ઇન્દ્રિય સુખ સિવાયના બૌધિક આધ્યાત્મિક સુખની કલ્પના પણ ન કરી હોય તેવા નર બનવું એ જ નર્ક. આવા નર્કના મુખ્ય ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ. કામ ક્રોધ અને લોભ વાસ્તવમાં આસુરી લક્ષણો કે આસુરી સંપત્તિ છે. જેના દ્વારા સામાન્ય રીતે અનેક દુષણો અને દુઃખો મનુષ્યજીવનમાં પ્રવેશે છે. જેથી કામ ક્રોધ અને લોભને નર્કના દ્વાર કહેવામા આવે છે. જો આપણને ક્ષુદ્ર, દીન, હીન, લાચાર, હલકા, દુર્ગંધયુક્ત નર બનવામાં આનંદ આવતો હોય, એવા નર બનવામાં જ ખુશી અનુભવાતી હોય તો કામ ક્રોધ અને લોભ અત્યંત ઉપયોગી સાધનો છે. પરંતુ જો જીવનમાથી લાચારી દૂર કરી શક્તિવાન બનવું હોય, નિમ્ન અવસ્થામાથી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવી હોય, દુર્ગંધયુક્ત દીનતા-હીનતા દૂર કરી સદગુણોસભર સુગંધિત જીવનની પ્રાપ્તિ કરવી હોય તો કામ ક્રોધ અને લોભને નર્કના દ્વાર સમજી તિલાંજલિ આપવી અનિવાર્ય છે. કામ ક્રોધ અને લોભને નર્કના દ્વાર સમજી તિલાંજલિ આપતા પહેલા આ ત્રણેના યથાર્થ સ્વરૂપને સમજવું મને આવશ્યક લાગે છે.
ક્રોધ – ક્રોધ એટલે સંયમનો અભાવ. પોતાની જાત પર નિયંત્રણ ન હોવું. સામાન્ય રીતે અહંકારી માણસ ક્રોધી હોય છે કેમ કે તે પોતાની જાતને હોશિયાર, વિશિષ્ટ અને સાચી સમજે છે. જેથી અન્ય તેને નબળા, હલકા અને જુઠા લાગે છે અને વિના કારણ દલીલો, વાદ-વિવાદ વધે છે જે જીવનને ઘર્ષણયુક્ત અને નર્ક સમાન બનાવે છે. અહંકારી માણસ નીચું નમવામાં કે હારવામાં માનતો નથી જેથી વધુ ઉગ્રતા સાથે વર્તન કરે છે. ક્રોધ માણસને જાનવર બનાવી દે છે, તેને ભાન નથી રહેતું કે તે શું કરે છે? તેની વિવેકબુદ્ધિનો નાશ થાય છે. વિજ્ઞાનના સંશોધનો જણાવે છે કે ક્રોધ આયુષ્યમાં ઘટાડો કરે છે. રોગોમાં વૃદ્ધિ કરે છે, તણાવમાં વધારો કરે છે, બી.પી, હાર્ટએટેક, બ્રેઈનહેમરેજ, લકવો વગેરે ક્રોધને કારણે થઇ શકે છે. ગુસ્સો હંમેશા એક નિર્બળ, તનાવગ્રસ્ત, પીડિત વ્યક્તિને સામાન્ય માણસની સરખામણીમાં વધુ આવે છે. મનની અને આત્માની શક્તિમાં ક્રોધથી ઘટાડો થાય છે. ક્રોધ ઉત્સાહમાં ઘટાડો કરે છે જેથી જીવન બોજરૂપ લાગવા માંડે છે, સંબંધોમાં ઓટ આવે છે અને સુખશાંતિમય જીવન ખતમ થઇ જાય છે. હવે કહો જીવનમાં આટલી બધી પીડા વધારનાર ક્રોધને નર્કનું દ્વાર ન કહેવાય તો શું કહેવાય?
લોભ – કળીયુગનો માણસ અતિ સ્વાર્થી, લોભી અને લાલચી છે. સંતોષ જેવો ગુણ તેનામાં જોવા મળતો નથી. માનવજીવનની વાસ્તવિકતા તો એ છે કે કશું જ જોડે આવવાનું નથી એ બધા જાણે છે. દરેક ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. વળી મૃત્યુ નિશ્ચિત છે કોઈ અમરપટ્ટો લઈને જન્મ્યું નથી, છતાં સમજાતું નથી કે બ્રહ્માંડનું સૌથી બુદ્ધિશાળી ગણાતું પ્રાણી એવો મનુષ્ય આખી જિંદગી અતિશય દોડધામ કરી નૈતિક સિદ્ધાંતો નેવે મૂકી અનૈતિક માર્ગે અન્યનો હક્ક મારી વધુ ને વધુ સંપત્તિ શેના માટે એકત્રિત કરે છે? લોભી અને લાલચી વૃત્તિ મનુષ્યને સંગ્રહ કરવા મજબૂર કરે છે જે અન્યની મુશ્કેલીઓમા અકલ્પનીય વધારો કરી મૂકે છે કેમ કે સંગ્રહ એટલે અન્યના હક્ક પર તરાપ. મનુષ્યને આવતીકાલની એટલી બધી ચિંતા છે કે આજના ભોગે તે ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દોડમાં લાગી જાય છે. મજાની વાત તો એ છે કે આવતીકાલ આવવાની છે કે નહિ તેની પણ એને ખબર નથી કેમકે જીવનનો શું ભરોસો? છતાં અજ્ઞાનવશ ભેગું કરે જ જાય છે. કદાચ એનું મુખ્ય કારણ એ છે કે તેને ઈશ્વરમાં ભરોસો જ નથી. મનુષ્યની સરખામણીમાં અન્ય પશુપક્ષીઓ (કે જે મનુષ્ય જેટલા બુદ્ધિશાળી નથી) ને ભગવાન પર ભરોસો છે જેથી તેઓ ક્યારેય સંગ્રહ કરતા નથી. તેઓ જાણે છે કે આજે જેણે (પ્રભુએ) અનાજ આપ્યું છે તે કાલે પણ આપશે જ.
પરંતુ કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય આવી તાત્વિક સમજણથી જોજનો દૂર છે. અહી એક વાર્તા મને યાદ આવે છે. એક ફેરિયો હતો જે ઘરે-ઘરે જઈ નાની મોટી વસ્તુઓ વેચતો હતો. બપોરના સમયે તે છાયડામાં બેઠો, ખાવાનું ખાધું અને થોડીવાર માટે સુઈ ગયો. ત્યાંથી પસાર થતા એક શેઠે તેને સૂતેલો જોયો અને વિચાર્યું કે અમુક માણસો નાના અને ગરીબ રહી જાય છે એનું કારણ એ છે કે તેઓ સમયનો સદુપયોગ કરવાની કળા જાણતા નથી. આ ફેરિયો જો આ રીતે બપોરે સુઈ ન ગયો હોત, તો વધુ નાણા ઘરે જઈ શક્યો હોત. વધુ વસ્તુઓ વેચી, વધુ કમાઈ શક્યો હોત. શેઠે ફેરિયાને ઉઠાડી, પોતાની અંગત સમજણ અનુસાર સલાહ આપી. ફેરિયાએ પૂછ્યું કે તમે તો પૈસાદાર અને સુખી છો તો પછી શા માટે આખો દિવસ દોડધામ કરો છો? જવાબમાં શેઠે કહ્યું કે ઉમર છે ત્યાં સુધી દોડી લઉં જેથી પાછલી ઉમરમાં (એટલે કે ભવિષ્યમાં) શાંતિની ઊંઘ લઇ શકાય. ટૂંકમાં શેઠ આવતી કાલને સુધારવા આજે દોડી રહેલા. ફેરિયાએ પ્રત્યુતર આપ્યો કે તમે જે કાલે કરવાના છો તે હું આજે જ કરી રહ્યો છું. તો શું ખોટું કરું છું? આ વાર્તા આપણને બોધ આપે છે કે ફેરિયો ઓછું ભણેલો હોવા છતાં વધુ સમજદાર અને સંતોષી છે. તે કાલની ચિંતામાં આજ બગાડતો નથી. જે કાલને સુધારવા અને શાંતિની ઊંઘ લેવા શેઠ આજે દોડી રહ્યા છે તે શાંતિની ઊંઘ તો ફેરિયો આજે જ લઇ રહ્યો છે. તો વધુ સમજદાર કોણ કહેવાય? જીવનમાં જો જરૂરિયાત, ઈચ્છાઓ કે કામનાઓ ઓછી હોય તો અતિશય મહેનતની જરૂર નથી. તમે ક્યારેય ઘાસને ઉગવા માટે મહેનત કરતા જોયું છે? તે સ્વાભાવિક રીતે આપોઆપ ઉગે છે, જે ઈશ્વરે તેને જીવન આપ્યું છે તેણે જ આપણને જીવન આપ્યું છે. ઈશ્વર દરેકની ભૂખ કે જરૂરિયાતને સમજે છે. વાસ્તવમાં આપણે માત્ર જરૂરિયાત પૂર્ણ કરવા દોડી રહ્યા નથી પરંતુ અન્યથી આગળ નીકળવાની કામના કે ઈચ્છા આપણને વધુ દોડવા મજબૂર કરે છે. બાકી પ્રાથમિક જરૂરિયાત (રોટી, કપડા, મકાન) પૂરી કરવા માટે આટલી મહેનત, દોડધામ કે લોહીઉકાળાની જરૂર નથી. આપણે આપણા ઘરખર્ચનો હિસાબ દર મહિને રાખીએ તો ખબર પડશે કે કુલ ખર્ચમાં પ્રાથમિક બાબતો કરતા સુખસગવડ અને મોજશોખની જરૂરિયાત પાછળનો ખર્ચો અનેકગણો વધારે છે. જે આપણે દેખાદેખીના ચક્કરમાં વધારી મુક્યો છે. જેની જીવનમાં કોઈ જરૂરિયાત છે જ નહિ. આપણા સુખ-શાંતિ આવા ગાંડપણે જ છીનવી લીધા છે અને જીવનને નર્ક સમાન કરી મૂક્યું છે. જેથી લોભને નર્કનું દ્વાર કહ્યું છે.
કામ- કામ એટલે માત્ર શારીરક ભૂખ કે સેક્સની જરૂરિયાત નહીં પરંતુ અનેક કામના. કામ એટલે અગણિત ઇચ્છાઓ વાસનાઓ અને જરૂરિયાતો. જે એક પૂરી થતાં જ બીજી જન્મે છે. ઇચ્છા પૂરી કરતાં કરતાં મનુષ્ય ખતમ થઈ જાય છે પરંતુ કામના કે ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. જે મનુષ્યને દોડાવે છે અને થકવી નાંખે છે. આવી કામનોનો કોઈ અંત નથી તે અનંત છે જેથી તેનું પૂર્ણ થવું પણ અશક્ય છે. એટલું જો મનુષ્ય સમજી લે તો નર્કની યાતના ભોગવવામાથી બચી જાય. ઈચ્છાઓ કામનાઓ કે વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિભ્રમ થાય છે. સ્મૃતિભ્રમ થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થવાથી પુરુષ પોતાની ઉત્તમ સ્થિતિથી પતન પામે છે. વાસ્તવમાં આત્માની સ્થિતિ તો ઉત્તમ જ છે પરંતુ વિષયોની અવિરત ઈચ્છા અને અનન્ય આસક્તિ તેનું પતન કરે છે. આસૂરીવૃત્તિ સમાન કામ, ક્રોધ, અને લોભ ત્રણેથી દૂર રહેવાની કોશિષ કરવી જોઈએ. આ ત્રણે નર્કના દરવાજા છે જે મનુષ્યને ક્ષુદ્ર, દીન, હીન, લાચાર, હલકો, દુર્ગંધયુક્ત જીવન જીવવા મજબૂર કરે છે. જેમને ઇન્દ્રિય સુખ સિવાય કશું દેખાતું જ નથી. બૌધિક કે આધ્યાત્મિક સુખની તેવો કલ્પના પણ કરી શકતા નથી. નર્કના આ ત્રણે દ્વાર કામ, ક્રોધ, લોભથી દૂર ન રહેવાના પ્રયત્નોમા અનેક દુષણો અને દુઃખો જીવનમાં પ્રવેશતા રહે છે જે સહન કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી કેમ કે દરેકને આપણે ઊંડી સમજણ સાથે જીવનમાં સ્વીકાર્યા છે, ઊંડી સમજણ (ઊંડા અજ્ઞાન) સાથે આમંત્રણ આપ્યું છે.
વિષયાસક્તિને કારણે કામ ઉદભવે, જો તેની પૂર્તિમાં અવરોધ આવે તો ક્રોધ જન્મે અને જો કામનાપૂર્તિ થાય તો બીજી કામનાઓનો લોભ જન્મે. આમ કામ, ક્રોધ અને લોભ ત્રણે એકબીજા સાથે હંમેશા જોડાયેલા જ રહે છે. કામ એટલે ઇન્દ્રિયસુખની કામના (અગણિત ઈચ્છા) કે જે અનેક પીડાઓનું મૂળ છે. જેથી કામને નર્કનું દ્વાર કહ્યું છે. જેમાંથી અન્ય અવગુણો જેવા કે ક્રોધ, લોભ, સ્વાર્થ, ચોરી, અસત્ય, માયા જન્મે છે. આવા નર્કમાંથી ઉગરવાનો માત્ર એક જ ઉપાય છે અને તે છે ત્યાગ. પ્રથમ ઇચ્છાઓનો ત્યાગ કરો જેથી લોભનો ત્યાગ ઓટોમેટિક થશે અને એ દ્વારા ક્રોધશમન સહજ બનશે. આ ત્રણે પર વિજય સંયમના માર્ગે ચાલીને જ મેળવી શકાય. શાસ્ત્રો અને સંતો દ્વારા બતાવેલ સિદ્ધાંતો જેવા કે મનસંયમ, વાણીસંયમ અને કાયાના સંયમ દ્વારા કામ, ક્રોધ અને લોભથી અવશ્ય બચી શકાય. જીવનને નર્કમય પીડામાથી ઉગારી સ્વર્ગનું સુખ પણ ચોક્કસ ભોગવી શકાય. તો આવો આજથી જ સંયમના માર્ગે ચાલી ત્યાગની ભાવનાને વિકસાવી જીવનને સ્વર્ગના સુખથી છલોછલ ભરી દઈએ.
~ શિલ્પા શાહ પ્રોફેસર HKBBA કોલેજ