ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
ઊર્મિ પૃથક્ પૃથક્ છે, કળા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.
લાખો સિતમ ભલે હો, હજારો જુલમ ભલે હો,
રહેવાય છે ક્યાં આપને દિલબર કહ્યા વિના.
કેવા જગતથી દાદ મેં માગી પ્રકાશની,
હીરાને જે રહે નહિ પથ્થર કહ્યા વિના.
દુનિયાના બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના.
જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મેં કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના.
સંભાળ, જરાક ધ્યાન દઈને દેહનો અવાજ,
ધસતા નથી અહી એ કદી ઘર કહ્યા વિના.
એ વાત અગર મૌન બને તો જુલમ બને,
ચાલે નહિ જે વાત ઘરેઘર કહ્યા વિના.
દુનિયામાં એને શોધ, ઇતિહાસમાં ન જો,
ફરતા રહે છે કંઇક પયગમ્બર કહ્યા વિના.
તોબાની શી જરૂર કે મસ્તીમાં, ઓ ‘મરીઝ’,
છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના.
મરીઝ